આક્ષેપ:મહારાષ્ટ્રમાં સરકારની બેદરકારીથી કોલસાની અછત સર્જાઈઃ હંસરાજ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ કંપનીની કોલસા ખરીદી કરારમાં બેદરકારી

મહારાષ્ટ્રમાં કોલસાની અછત સર્જાવાને લીધે વીજ સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે રવિવારે ચંદ્રપુર ખાતે કેન્દ્રના માજી મંત્રી હંસરાજ આહિરે મહારાષ્ટ્રમાં પાવર પ્લાન્ટ ખાતે કોલસાની અછત માટે મહારાષ્ટ્રની ઊર્જા મંત્રાલયની બેદરકારી જવાબદાર હોવાનો ગંભીર આરોપ કર્યો હતો. અનિયોજિત વ્યવસ્થાપનને કારણે કોલસાની અછત સર્જાઈ છે, કારણ કે મહારાષ્ટ્ર રાજ્ય વીજ નિર્મિતી કંપનીએ વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (ડબ્લ્યુસીએલ)ની અનેક કોલસાની ખાણો સાથે કોલસા ખરીદી કરાર કર્યા નથી.

મહારાષ્ટ્રના ઊર્જા મંત્રાલયે ડબ્લ્યુસીએલ સાથે કોલસા ખરીદી કરાર સમયસર કર્યા નહીં, જેને લીધે રાજ્યમાં કોલસાની અછત સર્જાઈ છે. જો રાજ્ય સરકારે ચંદ્રપુર જિલ્લામાં ડબ્લ્યુસીએલના બલ્લારપુર વિસ્તારમાં ધોપતાલા ખાણમાંથી કોલસો ખરીદી કરવા સંમતિ પર અમુક રુચિ બતાવી હોત તો ધોપતાલા પ્રોજેક્ટ અનેક મહિનાઓથી ઠપ પડી રહ્યો નહીં હોત, એમ આહિરે જણાવ્યું હતું.

આહિર ચંદ્રપૂરના ભાજપના માજી સાંસદ છે. તેમણે એવો પણ દાવો કર્યો કે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આખરે બેગણા ભાવે કોલસો ખરીદી કરવા માટે ધોપતાલા કોલસાની ખાણો સાથે કરાર પર સહીસિક્કા કર્યા છે. રાજ્યમાંથી કોલસાની ખરીદી નહીં કરવી તે મહારાષ્ટ્ર સરકારની મોટી નિષ્ફળતા છે અને આ નિષ્ફળતા પર ઢાંકપિછોડો કરવા માટે કેન્દ્ર સરકાર સામે આંગળી ચીંધવી તે દુર્ભાગ્યપૂર્ણ છે, એમ તેમણે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારની બેદરકારીને લીધે ચંદ્રપુર જિલ્લાના બલ્લારપુર વિસ્તારમાં માજરી ક્ષેત્રમાં નાગલોન ખાતે અને ચિંચોલી કોલસાની ખાણ ખાતે ડબ્લ્યુસીએલના બે પ્રોજેક્ટો ઠપ છે. આથી રાજ્ય સરકારે આ ખાણોમાંથી કોલસો ખરીદી કરવા માટે સમયસર યોગ્ય પગલાં લેવાં જોઈએ, જેથી ખેડૂતોને ન્યાય મળી શકે. જો ડબ્લ્યુસીએલ સાથે કોલસા ખરીદી કરાર પર સમયસર સહીસિક્કા કરવામાં આવ્યા હોત તો કોલસાની કટોકટી ટાળી શકાઈ હોત, એમ તેમણે ઉમેર્યું હતું.

મોંઘો કોલસો કેમ આયાત કરે છે
દરમિયાન આહિરે એવો ગંભીર આરોપ કર્યો કે મહારાષ્ટ્રમાં ઊર્જા મંત્રાલય મહાજેન્કો માટે રાજ્યમાં કોલસાનું ઉત્પાદન કરતી ખાણો સાથે કરાર પર સહીસિક્કા કરવાને બદલે બહારથી મોંઘો કોલસો આયાત કરી રહી છે. મહારાષ્ટ્રના વીજ મંત્રી નીતિન રાઉતે તાજેતરમાં જણાવ્યું કે રાજ્ય વીજ પુરવઠામાં 3500થી 4000 મેગાવેટની અછતનો સામનો કરી રહી છે અને સ્થિતિ માટે સેન્ટ્રલ પીએસયુ કોલ ઈન્ડિયા લિ.ના ભાગે ખોટું વ્યવસ્થાપન અને નિયોજનનો અભાવને દોષ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...