દેશમુખ પ્રકરણ:દેશમુખ પ્રકરણમાં સરકારની વર્તણૂક શરૂથી જ શંકાસ્પદઃ CBI

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રકરણે કોઈ ફરિયાદ થઈ નથી એમ કહ્યા પછી મલબાર હિલમાં ફરિયાદ કબૂલ કરી

રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે ભ્રષ્ટાચારના આરોપ કર્યા પછી રાજ્ય સરકારની વર્તણૂક શરૂઆતથી જ શંકાસ્પદ હતી. આ મામલે અનેક જનહિત અરજી પર સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે પૂછ્યા પછી કોઈ પણ લેખિત ફરિયાદ થઈ નથી એવું અગાઉ સરકારે કહ્યું હતું અને પછી તે દાવો ખોટો ઠર્યો હોવાનું સ્પષ્ટ થયા બાદ મલબાર હિલ પોલીસમાં ફરિયાદ આવી હોવાનું માન્ય કર્યું હતું. રાજ્ય સરકારની આ શંકાસ્પદ વર્તણૂક જોતાં હાઈ કોર્ટે સીબીઆઈ પાસે તપાસ સોંપી. જોકે તે પછી પણ સીબીઆઈની તપાસ રોકવા થાય જ નહીં તે હેતુથી રાજ્ય સરકાર વારંવાર અરજી કરતી રહી છે, એવી દલીલ સીબીઆઈ દ્વારા એડિશનલ સોલિસિટર જનરલ અમન લેખીએ મુંબઈ હાઈ કોર્ટમાં કરી છે.

રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે અને પોલીસ પ્રમુખ સંજય પાંડેને સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે વારંવાર બોલાવવામાં આવતા હોવાથી રાજ્ય સરકારે તેને પડકારતી અરજી કરી છે. સીબીઆઈ દ્વારા રાજ્યના પોલીસ અધિકારીઓની બદલીઓમાં કથિત ભ્રષ્ટાચારના આરોપ વિશે તપાસ કરવામાં આવી રહી છે અને તેને ધ્યાનમાં રાખતાં કુંટે અને પાંડેને સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ હવે સીબીઆઈના ડાયરેક્ટર સુબોધ જયસ્વાલ તે સમયે રાજ્યના પોલીસ પ્રમુખ હતા અને બદલીઓ વિશેના નિર્ણય લેનારા પોલીસ આસ્થાપના મંડળમાં તેઓ પણ એક સભ્ય હત.

છતાં તેમની પૂછપરછ નહીં અને હાલના પોલીસ પ્રમુખનો કોઈ સંબંધ નહીં હોવા છતાં સમન્સ મોકલવામાં આવે છે. તો પછી જયસ્વાલની આગેવાનીમાં થનારી સીબીઆઈની તપાસની વિશ્વાસાર્હતા કઈ રીતે માની શકાશે? ફક્ત સતામણી માટે રાજ્યના અધિકારીઓને સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. અમારો તપાસ સામે વિરોધ નથી. જોકે તે નિષ્પક્ષ અને પારદર્શક હોવી જોઈએ. આથી નિવૃત્ત જસ્ટિસની આગેવાનીમાં વિશેષ તપાસ ટીમ પાસે તપાસ સોંપવામાં આવે એવી દલીલ રાજ્ય સરકાર તરફથી વિશેષ સરકારી વકીસ દરાયસ ખંબાટાએ જસ્ટિસ નીતિન જામદાર અને જસ્ટિસ સારંગ કોતવાલની ખંડપીઠ સામે કરી હતી.

જોકે જયસ્વાલની સીબીઆઈ ડાયરેક્ટર પદે મે મહિનામાં જ નિયુક્તિ થઈ ગઈ હતી. આ પછી સીબીઆઈની તપાસ સામે વાંધો લેનારી અરજી રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં પણ કરી હતી, પરંતુ તેમાં ક્યાંય જયસ્વાલની આગેવાનીમાં આ પ્રકરણની તપાસ કઈ રીતે થઈ શકે એવો વાંધો સરકારે નોંધાવ્યો નહોતો. હવે આ આક્ષેપ કઈ રીતે લેવામાં આવે છે. મૂળમાં રાજ્ય સરકારને તપાસ જ જોઈતી નથી. રાજ્ય સરકારનો હેતુ અગાઉથી જ દેખાઈ આવ્યો છે. આથી જ હવે જયસ્વાલને લક્ષ્ય બનાવીને તપાસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, એવી દલીલ લેખીએ કરી હતી.

હવે સોમવારે વધુ દલીલો
આ પ્રકરણે આગામી સુનાવણી હવે સોમવારે થશે. બુધવારે થયેલી આ સુનાવણીમાં સીબીઆઈની દલીલ અધૂરી રહી હતી. આથી બાકી દલીલ હવે સોમવારની સુનાવણીમાં પૂરી થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...