મેઘ મહેર:સારો વરસાદ પડવાથી આ વર્ષે પાણીકાપમાંથી છુટકારો મળશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જળાશયોમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ પાણીનો જથ્થો જમા થયો

મુંબઈમાં મંગળવારે સવારે 8.30 સુધી કુલ મોસમનો વરસાદ કોલાબામાં 95.17 ટકા અને સાંતાક્રુઝમાં 104.79 ટકા નોંધાયો છે, જે ગયા વર્ષે આ જ સમયગાળા સુધી અનુક્રમે 133.9 ટકા અને 120.70 ટકા નોંધાયો હતો. કોલાબામાં વાર્ષિક 2295 મિમી વરસાદ પડે છે, જ્યારે સાંતાક્રુઝમાં 2704 મિમી પડે છે, જેની સામે હમણાં સુધી અનુક્રમે 2184.1 અને 2833.6 મિમી (25 મિમી બરાબર એક ઈંચ) વરસાદ પડ્યો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મુંબઈમાં વરસાદ અલપઝલપ થઈ રહ્યો છે, પરંતુ મુંબઈની બહાર આવેલાં જળાશયોમાં સારો વરસાદ પડી રહ્યો છે.

છેલ્લા ત્રણ વર્ષમાં આજ સુધી સૌથી વધુ પાણીનો જથ્થો જળાશયોમાં જમા થયો છે. મંગળવારે સવારે 6 સુધી સાત જળાશયમાં 14,27,349 મિલિયન લિટર પીવાલાયક પાણી હતું. 2020માં તે 14,22,477 મિલિયન લિટર હતું, જ્યારે 2019માં 14,15,685 મિલિયન લિટર હતું. મુંબઈને આખું વર્ષ પાણી ચાલતું રહે તે માટે સાતેય જળાશયોમાં 14,47,363 મિલિયન લિટર પાણીની આવશ્યકતા રહે છે. આ જળાશયોમાંથી રોજ 4200 મિલિયન લિટર પાણીની માગણી સામે મુંબઈને રોજ 3800 મિલિયન લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે.

સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં તુલસી અને વિહાર જળાશય છે, જેમાં બંને 16 જુલાઈએ છલકાઈ ગયાં છે. થાણે જિલ્લામાં આવેલા મોડકસાગર અને તાનસા જળાશય 22 જુલાઈએ છલકાઈ ગયાં છે. ગત વર્ષની તુલનામાં જળાશયોમાં વરસાદ : અપ્પર વૈતરણાની છલવાની સપાટી 603.51 મિલિયન લિટર છે, જેમાં હાલમાં 603.36 મિલિયન લિટર પાણી છે. હમણાં સુધી તેમાં 88 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં 93 ઈંચ વરસાદ પડ્યો હતો.

મોડકસાગરની છલકાવાની સપાટી 163.15 મિલિયન લિટર સામે હાલ તેમાં 163.17 મિલિયન લિટર પાણી છે, જેમાં હમણાં સુધી 117 ઈંચ વરસાદ પડ્યો છે, જે ગયા વર્ષે આ દિવસ સુધી 94 ઈંચ પડ્યો હતો. તાનસાની છલકાવાની સપાટી 128.63 મિલિયન લિટર છે, જેમાં હાલમાં 128.61 મિલિયન લિટર પાણી છે, જેમાં 106 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ગયા વર્ષે 84 ઈંચ પડ્યો હતો. મધ્ય વૈતરણાની છલકાવાની સપાટી 285.00 મિલિયન લિટર છે, જેમાં હાલ 283.46 મિલિયન લિટર પાણી છે, જેમાં 94 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ગયા વર્ષે 102 ઈંચ પડ્યો હતો.

ભાતસાની છલકાવાની સપાટી 142.07 મિલિયન લિટર છે, જેમાં હાલ 141.84 મિલિયન લિટર પાણી છે, જેમાં 106 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ગયા વર્ષે 104 ઈંચ પડ્યો હતો. વિહારની છલકાવાની સપાટી 80.12 મિલિયન લિટર છે, જેમાં હાલ 80.35 મિલિયન લિટર પાણી છે, 121 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ગયા વર્ષે 122 ઈંચ પડ્યો હતો. તુલસીની છલકાવાની સપાટી 139.17 મિલિયન લિટર છે, જેમાં હાલ 139.28 મિલિયન લિટર પાણી છે, જ્યારે 181 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ગયા વર્ષે 152 ઈંચ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...