રાજકારણ:રાજ્યસભા માટે ભાજપે ઉમેદવારી પાછી ખેંચતાં કોંગ્રેસનો માર્ગ મોકળો

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંજય ઉપાધ્યાયે ઉમેદવારી પાછી ખેંચી લેતાં રજની પાટીલ બિનહરીફ ચૂંટાયાં

મહારાષ્ટ્રમાં ભાજપે કોંગ્રેસની માગણીનો આખરે સ્વીકાર કરતાં રાજ્યસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર બિનહરીફ ચૂંટાઇ આવવાનો માર્ગ મોકળો થયો છે. ભાજપે સોમવારે પોતાના ઉમેદવાર સંજય ઉપાધ્યાયની ઉમેદવાર પાછી ખેંચી લેતાં કોંગ્રેસના ઉમેદવાર રજની પાટીલની બિનહરીફ જીતનો માર્ગ મોકળો થયો હતો. આ પહેલાં કોંગ્રેસના આગેવાનોએ મહારાષ્ટ્ર ભૂતપૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળીને રાજયસભાની પેટાચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર ઊભો નહીં રાખવા વિનંતી કરી હતી.

પ્રદેશ ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પક્ષના સભ્યોની સલાહ લીધી અને પક્ષની કોર કમિટીની બેઠકમાં આ બાબતે સર્વાનુમતે નિર્ણય લીધો હતો. મે મહિનામાં કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવના નિધન બાદ પેટાચૂંટણી આવી પડી હતી. ગયા અઠવાડિયે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નાના પટોલે અને મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાત વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને ભાજપની ઉમેદવારી પાછી ખેંચવાની વિનંતી કરી હતી. ભાજપે તેના મુંબઈ મહાસચિવ સંજય ઉપાધ્યાયને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ભૂતપૂર્વ સાંસદ રજની પાટીલને કોંગ્રેસે ઉતાર્યાં હતાં.

રાજ્ય વિધાનસભામાં 288 સભ્યોએ રાજ્યસભાની ચૂંટણી યોજાય તો મતદાન કરી શકે છે. કોંગ્રેસ (44), એનસીપી (54) અને શિવસેના (56) મળીને 154 સભ્ય ધરાવે છે, જ્યારે ભાજપ પાસે માત્ર 105 છે. બાકીના 29 સભ્યો નાના પક્ષો અને અપક્ષોનું પ્રતિનિધિત્વ કરે છે. આમાંથી, એમવીએ 15 સભ્યો અને ભાજપે 14 સભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો.

દરમિયાન ચંદ્રકાંત પાટીલે જણાવ્યું કે કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે અને કોંગ્રેસના વિધાનમંડળના પક્ષ નેતા અને રાજ્યના મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાતે વિધાનસભાના વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લઈને રાજ્યસભાની પેટાચૂંટણી બિનવિરોધ થાય તે માટે ભાજપને ઉમેદવારી પાછી ખેંચી લેવાની વિનંતી કરી હતી. કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવના નિધનને લીધે આ પેટાચૂંટણી આવી પડી હોઈ એકાદ નેતાના નિધનથી થતી પેટાચૂંટણી બિનવિરોધ થાય એવી પરંપરા રહી છે.

કોંગ્રેસના આ અનુરોધનો વિચાર કરીને પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પક્ષની કોર કમિટીના સભ્યો સાથે વિચારવિનિમય કર્યો હતો, જે પછી મુંબઈ ભાજપના મહામંત્રી સંજય ઉપાધ્યાયે સોમવારે ચૂંટણી પંચ સમક્ષ જઈને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જેને લઈ કોંગ્રેસનાં રજની પાટીલ બિનવિરોધ ચૂંટાયાં છે.

અન્ય સમાચારો પણ છે...