આયોજન:ગારમેન્ટ ઉદ્યોગની ફસાયેલી રૂ. 6500 કરોડની ઉઘરાણી માટે આર્બિટ્રેશન સેલ

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CMAIએ સભ્યોને પ્રોસેસ, રુલ્સ અને ફાયદાથી વાકેફ કર્યા

ધી ક્લોથીંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઑફ ઈન્ડિયાએ (સીએમએઆઈ) ગારમેન્ટ વેપારઉદ્યોગની ફસાયેલી ઉઘરાણીની સમસ્યાના હલ માટે ‘‘સીએમએઆઈ આર્બિટ્રેશન સેલ’’ની સ્થાપના કરી છે. આથી સીએમએઆઈના આર્બિટ્રેશન ચુકાદાને કાનૂની ટેકો મળી રહેશે. અત્યાર લગી વર્ષોથી સીએમએઆઈ તેના સભ્યોને સુલેહ- સમાધાન અને મધ્યસ્થીની સેવા આપતું રહ્યું છે. સીએમએઆઈ એ ભારતીય સ્થાનિક ગારમેન્ટ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતું સૌથી જૂનામાં જૂનું અને સૌથી મોટામાં મોટું એસોસિયેશન ગણાય છે. તેના સભ્યો મોટાભાગે એમએસએમઈ ઉત્પાદકો છે.

સીએમએઆઈ મંગળવાર તા ૨૩ નવેમ્બર ૨૦૨૧ના બપોરે મુંબઈ-દાદર ખાતેના યોગી સભાગૃહમાં આર્બિટ્રેશન સેમિનારનું આયોજન કર્યું હતું. આમાં તેના સભ્યોને આર્બિટ્રેશન પ્રોસેસ, રૂલ્સ અને તેના ફાયદાઓની જાણકારી આપવામાં આવી હતી. આ સમયે પ્રવીણ ગાલા, કેતન સંઘવી, નિખિલ ફુરિયા, રોહિત મુંજાલ, રાજેશ મસંદ, એડ. શૌનક ઠક્કર, જયેશ શાહ, નીરવ સંઘવી જેવા આગેવાનો હાજર હતા. ભારતીય સ્થાનિક ગારમેન્ટ માર્કેટનું કદ રૂ. 6.5 લાખ કરોડનું છે. આમાં વિવાદિત, વિલંબિત કે નકારાયેલી ઉઘરાણીનું પ્રમાણ ૧ ટકો પણ ગણીએ તો ફસાયેલી ઉઘરાણીની રકમ રૂ. ૬૫૦૦ કરોડ જેટલી થઈ જાય છે.

આપખુદ રીતે માલો પાછા મોકલવાની, ચુકવણી વેળા મનસ્વીપણે અમુક રકમ કાપી લેવાની કે નાનાં નાનાં એકમોની લાચારીનો લાભ ઉઠાવી ચુકવણી સમયસર ન કરવાની વૃત્તિ વધતી જાય છે. આ મુશ્કેલ સમયમાં ઉઘરાણીની રિકવરી માથાનો દુખાવો બની જાય છે. નાના કમર્શિયલ ગુના માટે કોર્ટે ચઢવાનું સમય અને નાણાંની રીતે કોઈને પરવડતું નથી. આથી ઘણા લોકો કોર્ટમાં કેસ કરવાનું ટાળે છે. આની સામે આર્બિટ્રેશન (લવાદ)એ આર્બિટલ ટ્રિબ્યુનલ મારફત પક્ષકારો વચ્ચેની ઓલ્ટરનેટ ડિસ્પુટ રિઝોલ્યુશન (એડીઆર) પ્રોસેસ છે. આ પ્રક્રિયા ઓછી ખર્ચાળ, ઝડપી અને સલામત હોવા ઉપરાંત તે પક્ષકારોને ગોપનીયતા પૂરી પાડે છે.

હિતધારકોને તુરંત ન્યાય મળશે
સીએમએઆઈએ તેનું આર્બિટ્રેશન સેલ ૨૩ નવેમ્બરે લૉન્ચ કર્યું હતું. સીએમએઆઈ ઉદ્યોગના વ્યવહારોને ધ્યાનમાં રાખી તેમ જ તમામ હિતધારકોને ત્વરિત ન્યાય મળી શકે એ ધ્યાનમાં રાખી આર્બિટ્રેશન રૂલ્સ અને રેગ્યુલેશન્સ ઘડ્યા છે. સમારોહમાં બોલતાં યુકે આર્બિટ્રેટર્સના લો અને વકીલ શૌનક ઠક્કરે આર્બિટ્રેશન પ્રોસેસની ઉપયોગીતા સમજાવી હતી અને સીએમએઆઈ ને આ પહેલ માટે અભિનંદન આપ્યા હતા.

પેનલમાં ખ્યાતનામ હસ્તી
સીએમએઆઈના પ્રમુખ રાજેશ મસંદે તેના સભ્યોને સંબોધતાં જણાવ્યું હતું કે સીએમએઆઈ આર્બીટ્રેટરોની પેનલમાં ઉદ્યોગની ખ્યાતનામ અગ્રણી હસ્તીઓ, કાનૂની વિશારદો, ઊંચી પ્રતિષ્ઠીત વ્યક્તિઓ અને દેશભરના અન્ય ટ્રેડ એસોસીએશનોના અમુક સભ્યોનો સમાવેશ કરાશે. આ પ્રસંગે સીએમએઆઈ આર્બીટ્રેશને રૂલ્સ અને રેગ્યૂલેશન્સ અંગેની બુકનું સીએમએઆઈના ભૂતપૂર્વ પ્રમુખ અશોક રાજાણી અને અન્ય મહાનુભાબવોએ વિમોચન કર્યું હતું. આ પ્રસંગે સીએમએઆઈ એ તેમનું સીએમએઆઈ મેમ્બરશીપ કાર્ડ લૉન્ચ કર્યું હતું આથી સીએમએઆઈ સભ્યને ૨૫ ટોપ બ્રાન્ડસ તરફથી અને દેશના રીટેલરો તરફથી ડીસ્કાઉન્ટ અને સંખ્યાબંધ લાભો મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...