દુખદ:સિંધુતાઈ સપકાળના સરકારી માનસન્માન સાથે અંતિમસંસ્કાર

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનાથોની માતા તરીકેની ઓળખ ધરાવતાં વરિષ્ઠ સમાજસેવિકા પદ્મશ્રી

અનાથોની માતા એવી ઓળખ ધરાવતાં વરિષ્ઠ સમાજસેવિકા પદ્મશ્રી સિંધુતાઈ સપકાળ પર ઠોસર પાગા સ્મશાનભૂમિ ખાતે સરકારી માનસન્માન સાથે બુધવારે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. સિંધુતાઈનું મંગળવારે રાત્રે પુણેની ગેલેક્સી હોસ્પિટલમાં નિધન થયું હતું. ઉંમરના 75મા વર્ષે તેમણે આખરી શ્વાસ લીધો હતો.

સામાજિક અત્યાચારનો ભોગ બનેલાં સિંધુતાઈએ મહારાષ્ટ્રમાં અનાથાશ્રમ સ્થાપ્યાં. અનાથોને અન્ન, શિક્ષણ અને આશ્રય આપ્યો. અનાથોની માતા સિંધુતાઈના બાળકો અનાથ થઈ ગયા એવી લાગણી મહારાષ્ટ્રમાં ઠેર ઠેર પ્રવર્તવા લાગી હતી.સરકાર વતી કૃષિ રાજ્યમંત્રી ડો. વિશ્વજિત કદમે સ્વ. સિંધુતાઈના પાર્થિવ પર પુષ્પચક્ર અર્પણ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ સમયે મેયર મુરલીધર મોહોળ, કમિશનર અમિતાભ ગુપ્તા, સમાજ કલ્યાણ કમિશનર ડો. પ્રશાંત નારનવરે, એડિશનલ જિલ્લાધિકારી વિજયસિંહ દેશમુખ, એડિ. પોલીસ કમિશનર રાજેન્દ્ર ડહાળે, ડીસીપી પ્રિયંકા નારનવરેએ પણ પાર્થિવ પર પુષ્પચક્ર અર્પણ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. પોલીસ દળ તરફથી તેમને શોક પ્રસંગનું બ્યુગલ વગાડીને અને બંદૂકના ત્રણ રાઉન્ડ ફોડીને સશસ્ત્ર માનવંદના આપવામાં આવી હતી.

ઉપરાંત મહિલા પોલીસ ટુકડીએ પણ માનવંદના આપી હતી. સ્વ. સિંધુતાઈને શ્રદ્ધાંજલી આપવા માટે ઉપવિભાગીય અધિકારી સંતોષકુમાર દેશમુખ, પુણે શહેર તહેસીલદાર રાધિકા બારટક્કે સાથે કલા, સાહિત્ય, સાંસ્કૃતિક અને વિવિધ ક્ષેત્રના નાગરિકો હાજર હતાં.સિંધુતાઈએ અનાથો માટે કરેલાં કાર્યો ધ્યાનમાં લેતાં તેમને અનેક પુરસ્કારતી સન્માનિત કરાયાં છે. તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હસ્તે 2021 વર્ષનો પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને પુણે વિદ્યાપીઠનો જીવન ગૌરવ પુરસ્કાર અને મહારાષ્ટ્ર સરકારનો ડો. બાબાસાહેબ આંબેડકર સમાજ ભૂષણ પુરસ્કાર આપીને ગૌરવાન્વિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...