ક્રાઇમ:આર્થિક લેણદેણમાં મિત્રના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ ફેંક્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

એપીએમસી અનાજ બજારની બહાર પાર્કિંગમાં 12 સપ્ટેમ્બરે એક પ્લાસ્ટિકની થેલીમાંથી માનવીના બે હાથ, બે પગ અને જાંઘના ભાગના ટુકડા મળી આવ્યા પછી પોલીસે સઘન તપાસ કરીને 36 કલાકમાં હત્યાનું કોકડું ઉકેલી કાઢ્યું છે. આર્થિક લેણદેણમાંથી મિત્રએ જ હત્યા કરીને લાશના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકરણે પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના બદાયુ અને નવી મુંબઈના કોપરખૈરાણેમાં રહેતા સુમીતકુમાર હરીશકુમાર ચૌહાણ (27)ની ધરપકડ કરી છે.પોલીસને અવયવના ટુકડા મળી આવ્યા પછી જમણા હાથ પર રવીંદ્રનું નામ અને હનુમાનનું ચિત્ર હતું. તેને આધારે થાણે, રાયગડ, મુંબઈ અને નવી મુંબઈમાં સૌપ્રથમ વ્યક્તિ ગુમ થયાની નોંધાયેલી ફરિયાદ તપાસવાનું શરૂ કરાયું હતું. તેમાં કોપરખૈરાણેમાં જ્યોતિ રવિ ઉર્ફે રવીંદ્ર મંડોટિયાએ પોતાનો પતિ રવિ ઉર્ફે રવીંદ્ર રમેશ મંડોટિયા ગુમ હોવાની ફરિયાદ પરથી ઓળખ સ્થાપિત થઈ હતી.આ પછી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ તપાસ કરતાં આરોપી સુમીતકુમારની સંડોવણી બહાર આવતાં તેની ધરપકડ કરી હતી. તેની ઊલટતપાસમાં ધ્યાન આવ્યું કે આર્થિક લેણદેણમાંથી બંને મિત્ર વચ્ચે ઝઘડો હતો, જેથી 9 સપ્ટેમ્બરે રવિને શરાબ પિવડાવ્યા પછી ગળું ચીરીને હત્યા કરી નાખી હતી.આ પછી બે હાથ, બે પગ અને જાંઘના ટુકડા કરીને એપીએમસી પોલીસની હદમાં ફેંકી દીધા હતા, જ્યારે ધડ મહાપે વિસ્તારમાં ફેંક્યું હતું અને માથું જમીનમાં દાટી દીધું હતું, જ્યાં જઈને પોલીસે ખોદીને માથું કાઢ્યું હતું. આરોપીને સ્થાનિક કોર્ટે 22 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડી આપી છે. આરોપીને આ કામમાં કોઈએ સાથ આપ્યો હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...