સજા:પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારનારાને ચાર વર્ષની કેદ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે જણનો ઝઘડો રોકવા જતાં કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો

એક 36 વર્ષીય શખસને પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવા અને દુર્વ્યવહાર કરવા બદલ ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો તે દંડ ન ભરે તો વધુ ત્રણ મહિનાની જેલની સજા ભોગવવી પડશે. આ ઘટના 2011માં મુંબઈમાં બની હતી, દોષિત અનિલ ઘોલપ ચેમ્બુરનો રહેવાસી છે.

અનિલ ઘોલપ અને મહેશ મારીમુથુ પર સાયન પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ મોકુલને અપશબ્દો, થપ્પડ મારવા અને માર મારવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મારીમુથુનું થોડાં વર્ષો પહેલાં અવસાન થયું હતું, તેથી તેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. અનિલ ઘોલપ પર કલમ 332, 353, 323 અને 504 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

11 મે, 2011ના રોજ બપોરે 2.30 વાગ્યાની આસપાસ કલ્પેશ મોકુલે બંને આરોપીને સાયનમાં એટીએમની બહાર ઝઘડતા જોયા. તે સમયે કલ્પેશ સિવિલ ડ્રેસમાં હતો. મોકુલે પોતે પોલીસ હોવાનું કહીને તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘોલપ અને મારીમુથુએ તેની વાત ન માની અને તેને થપ્પડ મારી દીધી. તે જ સમયે, મોકુલ, દિનકર જાધવની મદદથી, તેઓને પોલીસ સ્ટેશન લઈ ગયો અને તેમની સામે ફરિયાદ નોંધાવી, એમ સરકારી વકીલ સચિન પાટીલે જણાવ્યું હતું.

આ સમગ્ર ઘટનાના ચાર સાક્ષીઓ હતા, એમ કેસના તપાસ અધિકારી જિતેન્દ્ર ઠાકુરે જણાવ્યું હતું. મોકુલના ડાબા કાનના ઉપરના ભાગે ઈજા થઈ હતી. મોકુલે તેના કાનમાં ઇજા થઇ હોવાની ફરિયાદ પણ કરી હતી. આ ઘટના પછી તેઓ ઓછું સાંભળવા લાગ્યા હતા, એમ ડૉ. સુધીર ચૌધરીએ જણાવ્યું હતું.દરમિયાન આરોપીના વકીલ જયા જાધવે દલીલ કરી હતી કે મોકુલ યુનિફોર્મમાં નહોતો, જ્યારે સરકારી વકીલ સચિન પાટીલે જણાવ્યું હતું કે, મોકુલ ડિટેક્શન વિભાગમાં કામ કરતો હોવાથી તેના માટે યુનિફોર્મમાં હોવું ફરજિયાત નથી.

અન્ય સમાચારો પણ છે...