કાર્યવાહી:મનસુખ હત્યા કેસમાં પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ધરપકડ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ હત્યા કાંડમાં સંડોવણી અંગે મલાડથી અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરાઈ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ થાણેના વેપારી મનસુખ હિરનની હત્યા કરવા અંગે મુંબઈના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ગુરુવારે ધરપકડ કરી હતી. આ સાથે મનસુખની હત્યામાં સક્રિય સંડોવણી માટે મલાડ પૂર્વના સતીશ તિરુપતિ મોઠકુરી ઉર્ફે તન્નીભાઈ ઉર્ફે વિકી બાબા (40) અને મલાડ પશ્ચિમના મનીષ વસંત સોની (46)ની પણ ધરપકડ કરવામાં આવી છે. શર્માની ધરપકડ પહેલાં લગભગ 7થી 8 કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. શર્મા અને અન્ય બેને ગુરુવારે બપોરે કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા.

કોર્ટે તેમને 28 જૂન સુધી એનઆઇએની કસ્ટડી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મનસુખ હત્યા કેસમાં પ્રદીપ શર્માની પુરાવાનો નાશ અને કાવતરામાં સામેલ હોવાના આરોપ હેઠળ ધરપકડ કરાઇ છે. આ કેસમાં તપાસ અધિકારી એસપી વિક્રમ ખલાટે અને તેમની ટીમના પાંચ સભ્યો કાર્યવાહીમાં હતા. આરપીએફની ટીમ પણ કાર્યવાહી દરમિયાન જોડે હતી. શર્માને બુધવારે મોડી રાત્રે મુંબઇ નજીક લોનાવાલાના એક આલીશાન રિસોર્ટમાંથી એનઆઈએની ટીમે તાબામાં લીધો હતો અને પૂછપરછ માટે દક્ષિણ મુંબઈની એજન્સીની ઓફિસમાં લાવવામાં આવ્યો હતો.

આ પછી એનઆઈએએ સવારે છ વાગ્યે મુંબઇના અંધેરી (પશ્ચિમ) સ્થિત જે બી નગર ખાતેના શર્માના નિવાસસ્થાન પર અને અંધેરીમાં જ પ્રદીપ શર્મા ફાઉન્ડેશનની ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને આ કામગીરી ઘણા કલાકો સુધી ચાલતી રહી હતી. એક બેગ ભરીને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. શર્માની અગાઉ સચિન વાઝે સહિત ચાર પોલીસની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કુલ આઠ જણની ધરપકડ કરાઈ છે. આ કેસમાં વધુ ધરપકડ થઈ શકે છે. આ એક મોટું કાવતરું છે અને એન્ટિલિયા કેસ અને મનસુખ મર્ડર કેસ એકબીજા સાથે જોડાયેલા છે.

અગાઉ આ કેસમાં શર્માનું નામ ઊછળ્યા બાદ એનઆઈએએ લગભગ બે મહિના પહેલાં બે દિવસ પૂછપરછ કરી હતી. કેસમાં અત્યાર સુધી દસમી ધરપકડ : એજન્સીએ અગાઉ પોલીસ અધિકારીઓ સચિન વાઝે, વિનાયક શિંદે, રિયાઝુદ્દીન કાઝી, સુનિલ માને, ક્રિકેટ બુકી નરેશ ગોર, પ્રદીપ શર્માના નિકટવર્તી ગણાતા સંતોષ શેલાર અને આનંદ જાધવની ધરપકડ કરી છે. એનઆઈએએ 11 જૂનના રોજ સંતોષ શેલાર અને આનંદ જાધવની મલાડથી ધરપકડ કરી હતી. તેમની આકરી પૂછપરછ બાદ વધુ પુરાવા મળતાં શર્માની પણ ધરપકડ કરવામાં આવી છે.

આમ, એક મહિના પછી એનઆઈએ આ કેસમાં ફરીથી સક્રિય પગલાં લેવા લાગી છે. શર્માના ખાસ માણસે પત્તાં ખોલ્યાં : એનઆઈએની ટીમ 3 દિવસથી શર્માની ઘણી જગ્યાથી માહિતી લઈ રહી હતી, જેમાં અંધેરી જેબી નગરનું ઘર, કોન્ડિવિટાની ઓફિસ, પ્રદીપ શર્મા ફાઉન્ડેશનની ઓફિસ સામેલ છે. શર્માના ખાસ માણસમાંથી એક સંતોષ શેલરે મનસુખ હિરન અપહરણ અને હત્યાના ષંડયત્રનાં પત્તાંઓ ખોલવાનું શરૂ કર્યું.

ત્યારે પ્રદીપ શર્માની ભૂમિકા પણ સામે આવી. એન્ટિલિયા વિસ્ફોટકોના કેસ પછી, સચિન વાઝે અને સુનિલ માને બંનેએ ધરપકડ કરાયેલા પોલીસ વિનાયક શિંદે સાથે પ્રદીપ શર્માના જેબી નગરના ઘરે મુલાકાત કરી હતી. શિંદે પણ લખનભૈયા બનાવટી એન્કાઉન્ટર કેસમાં આરોપી છે. સંતોષ શેલારે એનઆઈએના અધિકારીઓને આ બેઠક વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. અહીં એ પણ સ્પષ્ટ છે કે છેલ્લી વખત મનસુખ પર કોલ આવ્યો હતો, તે પણ શર્માના ઘરની આસપાસના લોકેશન ટાવર પરથી ગયો હતો. જોકે શર્માએ આજ સુધી કોઈ ગુના અથવા સંડોવણીની કબૂલાત કરી નથી.

શર્માની શા માટે ધરપકડ કરાઇ
આનંદ અને શેલાર જે 4 દિવસ પહેલાં પકડાયા હતા તે સુનીલ માને અને પ્રદીપ શર્માના નિકટવર્તી હતા. તેમના નિવેદન બાદ શર્મા પર 16 જૂનના મોડી રાતથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એનઆઈએની ટીમે તેમની સાથે કેટલાક દસ્તાવેજો પણ લીધા હતા. તપાસનીસ અધિકારીએ શર્માના ઘરેથી એક પ્રિંટર પણ કબજે ક્યું હતું. એનઆઈએને એક લાલ રંગની કાર પણ મળી આવી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મનસુખનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછીથી તેની હત્યા કરી દેવામાં આવી હતી, જેથી એન્ટિલિયાની જિલેટિન કારનું રહસ્ય બહાર નહીં આવી શકે.

સંપત્તિની તપાસ
પ્રદીપ શર્માની અંધેરી પૂર્વની પીએસ ફાઉન્ડેશનની ઓફિસો પર પણ પણ એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 12 જણની ટીમમાંથી ત્રણ અધિકારી પ્રદીપ શર્માની ઓફિસમાં તમામ રોકાણો અને સંપત્તિના કાગળોની તપાસ કરી રહ્યા છે. મોડી રાત સુધી આ તપાસ ચાલતી હતી.​​​​​​​

બેન્ક ખાતાંની તપાસ
છેલ્લા 6 મહિનાથી પ્રદીપ શર્માના અંગત અને ફાઉન્ડેશનના કુલ બેંક ખાતામાં કેટલા પૈસા આવ્યા અને ખર્ચવામાં આવ્યા છે, કોઈ વિદેશી રોકાણ કર્યું છે, કેટલી મિલકત નવી ખરીદી કરવામાં આવી છે. પ્રદીપ શર્માની ઓફિસના કર્મચારીઓને બહાર આવવા દેવાયા નથી, તેમના મોબાઇલ પણ લઇ લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...