મેઘમહેર:સતત ત્રીજા દિવસે પણ મુશળધાર વરસાદે મુંબઈને ધમરોળી નાખ્યું

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા

મુંબઈમાં રવિવારે સતત ત્રીજા દિવસે મુશળધાર વરસાદ પડ્યો હતો. સમુદ્રમાં ભરતીનાં મોજાંનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. કફ પરેડમાં ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. મોજાં એટલાં ઊંચાં ઊછળ્યાં હતાં કે બાંદરા બેન્ડસ્ટેન્ડ અને કફ પરેડ વિસ્તારના રહેવાસીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.

પૂરના કારણે દરિયાકાંઠે આવેલાં મકાનોના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો

મુંબઇ હવામાન વિભાગે આપેલી ચેતવણી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રવિવારે જોકે બપોર પછી વરસાદ રોકાઈ ગયો હતો.આમ છતાં આગામી 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વેધશાળાએ કરી છે. મહાપાલિકા અનુસાર રવિવારે સાંજે 5.30 સુધી કોલાબામાં પાંચ ઈંચ અને સાંતાક્રુઝમાં આઠ ઈંચ વરસાદની નોંધ થઈ હતી. શહેર વિસ્તારમાં એક ઈંચ, પૂર્વ ઉપનગરોમાં ત્રણ ઈંચ અને પશ્ચિમ ઉપનગરોમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. રવિવારે બપોરે દરિયામાં 4.63 મીટર ઊંચાઇ સુધી મોજાં ઊછળ્યાં હતાં. વિશાળ મોજાંથી સ્થાનિક રહેવાસીઓ પણ ગભરાઇ ગયા હતા. સુસવાટાભર્યા પવન સાથે આખો સમુદ્ર ઘુઘવાતો હતો અને મોજાં કિનારે અડથાઇને બહાર રસ્તા સુધી પાણી આવી ગયાં હતાં. પૂરના કારણે દરિયાકાંઠે આવેલાંમકાનોના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આવી જ સ્થિતિ બાંદરા બેન્ડસ્ટેન્ડમાં જોવા મળી હતી. આથી પ્રશાસને જાહેર જનતાને બાંદરા બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.દરમિયાન થોડો સમય આરામ કર્યા બાદ રવિવારે મુંબઇ અને થાણેમાં ફરી ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જોકે રવિવારને કારણે મુંબઈમાં ટ્રાફિક ઓછો હતો. તેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ પણ મુંબઈમાં ટ્રાફિકજામ થયો નહોતો. સવારે આઠ વાગ્યાથી ફરી એક વાર મુંબઈ-થાણેમાં એકધારો વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...