આગામી મોન્સૂન દરમિયાન મુંબઈને માથે પૂરનું જોખમ છે. અમારા નેતાઓએ શહેરના તમામ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નદીઓ, નાળાઓ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજનું લાઈનનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં સફાઈ બિલકુલ થઈ નથી એવું જાણવા મળ્યું છે, જેથી અનેક વિસ્તારોમાં આ વખતે પણ પૂર જેવી સ્થિતિ ઉદભવશે, એમ આપ દ્વારા બુધવારે મહાપાલિકાની નાળાસફાઈ સહિતનાં કામોની પોલખોલ કરતાં જણાવ્યું હતું.
મુંબઈમાં ચોમાસાની શરૂઆત થવામાં માત્ર બે અઠવાડિયા બાકી છે, પરંતુ ફરી એક વાર મહાપાલિકા નદીઓ, નાળાઓ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજમાંથી કાંપ અને કાદવ સાફ કરવામાં નિષ્ફળ રહી છે. આથી વરસાદી પાણી ઓવરફ્લો થશે અને ફરી એક વાર પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાઈ જશે. મહાપાલિકાના પોતાના આંકડાઓ મુજબ પણ, શહેરની મોટી ગટરો અને ડ્રેનેજનું કામ હજુ પૂર્ણ થવાનું બાકી છે. જો મહાપાલિકાના પોતાના દસ્તાવેજો અને તેમના ઓનલાઈન ટ્રેકરની વાત માનીએ તો, શહેરના માત્ર 43 ટકા નાળા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને માત્ર 84 ટકા મીઠી નદીમાંથી કાંપ કાઢવામાં આવ્યો છે!
મહાપાલિકા જણાવ્યા અનુસાર, પોઈસર નદી, ચંદાવરકર નાળું અને અન્ય 48 નાળાઓમાં મોટે ભાગે હજુ સુધી કાંપ કાઢવાનું શરૂ થયું નથી. દક્ષિણ મુંબઈમાં માત્ર 28 ટકા નાળાઓ અને ડ્રેનેજની સફાઈ કરવામાં આવી છે. પૂર્વીય ઉપનગરીય નાળાઓ અને ડ્રેનેજમાંથી માત્ર 58 ટકા જ સફાઈ કરવામાં આવી છે. એ જ રીતે, પશ્ચિમ ઉપનગરોમાં, 50 ટકા નાળાઓ અને ડ્રેનેજની સફાઈ કરવામાં આવી નથી. એકંદરે, મહાપાલિકા પણ સ્વીકારે છે કે શહેરની ફક્ત 55 ટકા નાની ગટરોની સફાઈ કરી છે.
મહાપાલિકાના આંકડાઓ નકલી: ચોંકાવનારું સત્ય એ છે, કે આ આંકડાઓ પણ નકલી છે, અને જમીની વાસ્તવિકતાની ક્યાંય નજીક નથી!! આપ કાર્યકર્તાઓ અને નેતૃત્વએ મીઠી નદીની નજીકનાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી અને જોયું કે જોગેશ્વરી, બીકેસી, બાંદરા પૂર્વ અને કાલીનાની નદી હજુ પણ કચરાથી ભરેલી છે અને તે તમામ પશ્ચિમી ઉપનગરો માટે મોટો ખતરો છે. નાની ગટર અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ પણ કચરાના કારણે જામ છે. પૂર્વ ઉપનગરોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે, કારણ કે એક પણ નાળાની સફાઈ પણ કરવામાં આવી નથી અને 58% દાવો તદ્દન ખોટો છે!
મીઠી નદીની સફાઈનો અહેવાલ ખોટો
આમ આદમી પાર્ટીના નેતા અને મુંબઈના રિવરમેન ગોપાલ ઝવેરીએ જણાવ્યું હતું કે, મીઠી નદીની સફાઈનો અહેવાલ તદ્દન ખોટો છે. તે સાબિત કરે છે કે મહાપાલિકામાં બધું ખરાબ થઈ રહ્યું છે. નદીની સફાઈ કરતા કોન્ટ્રાક્ટરો અને મ્યુનિસિપલ અધિકારીઓ વચ્ચે સાઠગાંઠ હોવાનું જણાય છે અને તેમના માટે મુંબઈવાસીઓનો જીવ સસ્તો છે.
મૃત્યુ અને વિનાશ પ્રત્યે ઉદાસીનતા
આમ આદમી પાર્ટીનાં મુંબઈ અધ્યક્ષા પ્રીતિ શર્મા મેનને જણાવ્યું હતું કે, શિવસેના સરકારે દર વર્ષ ચોમાસા દરમિયાન મુંબઈમાં થતાં મૃત્યુ અને વિનાશ પ્રત્યે સંપૂર્ણ ઉદાસીન છે. મહાપાલિકાની સત્તામાં અને હવે રાજ્યમાં પણ તેમનો એકમાત્ર ઉદ્દેશ મહાપાલિકાને લૂંટવાનો છે. તૈયારીઓમાં સંપૂર્ણ બેદરકારી દેખાઈ રહી છે. આથી મુંબઈના આ રાક્ષસને દફનાવવાનો અને પૂર માટે જવાબદાર લોકો સામે ફોજદારી આરોપો દાખલ કરવાનો સમય આવી ગયો છે.
સ્વતંત્ર અધિકારી દ્વારા તપાસ કરાવો
આમ આદમી પાર્ટીએ માગણી કરી છે, કે ચોમાસા પહેલાની તૈયારીઓની તપાસ કરવા માટે બહારના સ્વતંત્ર અધિકારીની નિમણૂક કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કામ કરવામાં નિષ્ફળ ગયા હોય, અને આંકડાઓ ખોટી રીતે રજૂ કર્યા હોય તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવે. અને જો આ ચોમાસામાં શહેરમાં ફરી પાણી ભરાય તો તે વોર્ડના કાઉન્સિલરો સામે ફોજદારી બેદરકારીનો કેસ નોંધવો જોઈએ. મુંબઈગરાઓ માટે આ ગુનેગારોને જેલમાં ધકેલી દેવાનો સમય આવી ગયો છે!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.