તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રસ્તાવ:મ્યુકરમાયકોસિસના ઈલાજમાં મોંમાગ્યા પૈસા લેતી હોસ્પિટલોને રોકવા દર નિશ્ચિત

મુંબઇ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગના પ્રસ્તાવને મુખ્યમંત્રીની મંજૂરી : હવે ખાનગી હોસ્પિટલો સરકારે નક્કી કર્યા મુજબ જ દર લઈ શકશે

રાજ્યમાં મ્યુકરમાયકોસિસ (બ્લેક ફંગસ)ના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ બીમારી પર ઉપચાર સામાન્ય નાગરિકોને આર્થિક રીતે પરવડતો નહીં હોવાથી ખાનગી હોસ્પિટલો માટે આ બીમારીઓના ઉપચારના દર નિશ્ચિત કરવામાં આવ્યા છે. આ સંબંધમાં આરોગ્ય વિભાગના પ્રસ્તાવને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે મંજૂરી આપી છે. દર નિશ્ચિત કરતી વખતે શહેરોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હોઈ નિશ્ચિત કરેલા દરથી વધુ દર વસૂલ નહીં કરી શકાશે.

રાજ્ય સરકારે મહાત્મા જ્યોતિબા ફુલે જન આરોગ્ય યોજના અંતર્ગત મ્યુકરમાયકોસિસના દર્દીઓ પર મફત ઉપચાર કરવાનો નિર્ણય આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ થોડા દિવસ પૂર્વે જાહેર કર્યો હતો. આ મુજબ મહાત્મા ફુલે જન આરોગ્ય અને પ્રધાનમંદ્રી જન આરોગ્ય યોજનામાં સહભાગી હોસ્પિટલમાંથી મ્યુકરમાયકોસિસના દર્દીઓ પર મફત ઉપચાર કરવામાં આવી રહ્યો છે.ખાનગી હોસ્પિટલોમાં મ્યુકરમાયકોસિસ પર ઉપચાર લેનારા દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનું ધ્યાનમાં આવતાં ટોપેએ ઉપચાર બાબતે ખાનગી હોસ્પિટલોમાંદર નિયંત્રિત કરવા અંગે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ઠાકરેએ મંજૂરી આપી હોઈ 31 જુલાઈ, 2021 સુધી આ નિર્દેશ રાજ્યભરમાં લાગુ રહેશે.

સંબંધિત હોસ્પિટલે દર્દીને પૂર્વ- ઓડિટ બિલ આપવાનું બંધનકારક રહેશે. જો તે છતાં વધુ દર લેશે તો ફ્લાઈંગ સ્કવોડ થકી ફરીથી તપાસ કરાશે અને દોષી જણાય તો કાર્યવાહી કરાશે, એમ રાજ્ય આરોગ્ય ગેરન્ટી સોસાયટીના સીઈઓ ડો. સુધાકર શિંદેએ જણાવ્યું હતું.

કયા ક્લાસમાં કયાં શહેર આવે છે
એ ક્લાસમાં મુંબઈ અને મહાનગર ક્ષેત્રમાં મીરા ભાયંદર, થાણે, નવી મુંબઈ, કલ્યાણ, ડોંબિવલી, ઉલ્હાસનગર, અંબરનાથ, કુલગાવ, બદલાપુર, પનવેલ, પુણે, નાગપુર, બી ક્લાસમાં નાશિક, અમરાવતી, ઔરંગાબાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, વસઈ- વિરાર, માલેગાવ, નાંદેડ, સાંગલી સી ક્લાસમાં એ અને બી ક્લાસ સિવાયનાં બધાં શહેરનો સમાવેશ રહેશે.

ઉપચારના દર આ મુજબ રહેશે
વોર્ડમાં આઈઝોલેશનઃ એ ક્લાસ શહેર માટે રૂ. 4000, બી ક્લાસ માટે રૂ. 3000, સી ક્લાસ માટે રૂ. 2400 દર રહેશે. તેમાં જરૂરી દેખરેખ, નર્સિંગ, પરીક્ષણ, દવા, બેડ્સ અને ભોજનનો ખર્ચ સમાવિષ્ટ રહેશે. મોટાં પરીક્ષણ અને તપાસ અને ઉચ્ચ સ્તરની દવાઓનો ખર્ચ અલગ રહેશે.વેન્ટિલેટર સિવાય આઈસીયુ અને ક્વોરન્ટાઈનઃ એ ક્લાસ માટે રૂ. 7500, બી માટે રૂ. 5500 અને સી માટે રૂ. 4500. વેન્ટિલેટર સાથે આઈસીયુ અને ક્વોરન્ટાઈનઃ એ ક્લાસ માટે રૂ. 9000, બી માટે રૂ. 6700 અને સી માટે રૂ. 5400 દર નિશ્ચિત કરવામાં આવ્યા છે.

28 પ્રકારની સર્જરીનો ખર્ચ નિશ્ચિત
દરમિયાન ખાસ કરીને મ્યુકરમાયકોસિસ બીમારીમાં સર્જરી એ ઉપચારનું મહત્ત્વનું ઘટક ધ્યાનમાં લેતાં સરકારે 28 પ્રકારની સર્જરી માટે ખર્ચ નિશ્ચિત કર્યો છે. તેમાં એ ક્લાસ શહેર માટે રૂ. 1 લાખથી રૂ. 10,000, બી ક્લાસ માટે રૂ. 75,000થી રૂ. 7500 અને સી ક્લાસ માટે રૂ. 60,000થી રૂ. 6000 દર નક્કી કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...