નવીનીકરણ:મરીનડ્રાઈવમાં વેક્યુમ ટેકનોલોજીવાળું ફાઈવસ્ટાર પ્રસાધનગૃહ બંધ હાલતમાં

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટીલને કાટ લાગતાં અને વિસ્તારમાં દુર્ગંધ ફેલાતાં નવીનીકરણ શરૂ

મરીનડ્રાઈવ ખાતે 90 લાખ રૂપિયાના ખર્ચે ઊભી કરેલ સૌર ઉર્જા અને વેક્યુમ ટેકનોલોજી પર આધારિત ફાઈવસ્ટાર સાર્વજનિક પ્રસાધનગૃહ ત્રણ વર્ષમાં બંધ કરવાનો મહાપાલિકા પર વારો આવ્યો. હવે વેક્યુમ ટેકનોલોજીને કાઢીને આ પ્રસાધનગૃહનું નૂતનીકરણ કરવામાં આવી રહ્યું છે. આગામી પંદર દિવસમાં નવા પ્રસાધનગૃહનું લોકાર્પણ કરવામાં આવશે. મરીનડ્રાઈવ, નરિમાન પોઈંટ સમુદ્રકિનારે મોટા પ્રમાણમાં દેશ-વિદેશના પર્યટકો ફરવા આવે છે. સવારે અને સાંજે સમુદ્રકિનારે વ્યાયામ અને વોક કરવા માટે પણ અનેક જણ આવે છે.

તેથી સમુદ્રકિનારા પર નાગરિકોની ગિરદી હોય છે. આ ભાગમાં પ્રસાધનગૃહ ન હોવાથી ત્યાં આવતા નાગરિકોને અગવડ થતી હતી. આ બાબત ધ્યાનમાં લઈને સામાજિક જવાબદારી ભંડોળમાંથી મરીનડ્રાઈવ સમુદ્રકિનારા નજીક ફાઈવસ્ટાર સાર્વજનિક પ્રસાધનગૃહ બાંધવાનો નિર્ણય મહાપાલિકાના એ વોર્ડ કાર્યાલયે લીધો હતો. આ પ્રસાધનગૃહ માટે 90 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. વેક્યુમ ટેકનોલોજીવાળા આ પ્રસાધનગૃહમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રસાધનગૃહના પાંચમાંથી ત્રણ શૌચકૂપ પુરુષો માટે અને બે મહિલાઓ માટે અનામત હતા. આ પ્રસાધનગૃહ માટે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ જ સમુદ્રની ખારી હવામાં કાટ ન લાગે એ માટે એના પર ખાસ પ્રકારનો રંગ લગાડવામાં આવ્યો હતો. જોકે ટૂંકા સમયમાં જ વપરાયેલા સ્ટીલને કાટ લાગ્યો. પાણીના ઓછા વપરાશના કારણે પરિસરમાં દુર્ગંધ ફેલાવા માંડી. આખરે આ પ્રસાધનગૃહ બંધ કરવામાં આવ્યું. મરીનડ્રાઈવ ખાતેના પ્રસાધનગૃહનું નૂતનીકરણ થઈ રહ્યું છે. આગામી પંદર દિવસમાં લોકાર્પણ કરવામાં આવશે. તેથી પર્યટકો અને આંટો મારવા આવતા નાગરિકોને અગવડ નહીં થાય એમ એ વોર્ડના સહાયક આયુક્ત શિવદાસ ગુરવે જણાવ્યું હતું.

મળનિસરણ પાઈપલાઈન માટે માઈક્રોટનલિંગ : નેતાજી સુભાષચંદ્ર બોઝ માર્ગ પરથી અતિમહત્વના વ્યક્તિઓની અવરજવર થાય છે. પ્રસાધનગૃહ અને મળનિસરણ પાઈપલાઈન વચ્ચે લગભગ 100 મીટર અંતર છે. તેથી પ્રસાધનગૃહ સાથે પાઈપલાઈન જોડવા માઈક્રોટનલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે.

સ્વચ્છતા માટે પાણીનો ઉપયોગ
આ પ્રસાધનગૃહના નૂતનીકરણ માટે 30 લાખ રૂપિયા ખર્ચ અપેક્ષિત છે. નૂતનીકરણ અંતર્ગત પ્રસાધનગૃહમાં ઉતમ દરજ્જાની લાદીઓ, બેસિન, શૌચકૂપ, નળ વગેરે લગાડવામાં આવ્યા છે. દુર્ગંધની બાબત ધ્યાનમાં રાખતા નૂતનીકરણમાં વેક્યુમ ટેકનોલોજીને જાકારો આપવામાં આવ્યો છે. હવે બીજા સાર્વજનિક શૌચાલય પ્રમાણે જ આ પ્રસાધનગૃહમાં સ્વચ્છતા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવશે. પહેલાં અહીં નાની સેફ્ટી ટેન્ક લગાડવામાં આવી હતી. હવે ત્યાં હંગામી સમય માટે વધુ ક્ષમતાની સેફ્ટી ટેન્ક લગાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...