તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કૂતરી પર પહેલી વાર વજન ઓછું કરવાની સર્જરી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 કિલોની કૂતરીનું વજન સર્જરીના એક સપ્તાહમાં 5 કિલો ઓછું થયું

વજન ઓછું કરવાની સર્જરી હવે સામાન્ય બની ગઈ છે, પરંતુ પુણેમાં 50 કિલોની એક કૂતરીનું વજન ઓછું કરવા માટે લેપ્રોસ્કોપિક સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી સર્જરી કરવામાં આવી છે. ભારતમાં આ પ્રકારની પહેલી જ સર્જરીના એક સપ્તાહ પછી કૂતરીનું વજન 5 કિલો ઓછું થયું છે.પુણેના કર્વેનગરના રહેવાસી દારૂવાલાએ દીપિકા નામે કૂતરી પાળી રાખી હતી. પાંચ વર્ષ પછી વજન વધતાં તેને શ્વાસમાં તકલીફ થવા લાગી હતી. આથી એક જગ્યાએ બેસી રહેતી હતી. આ પછી ડોક્ટર પાસે ઈલાજ શરૂ કરાવ્યો, જેમાં માસિક રૂ. 10,000 ખર્ચ થતો હતો.

આમ છતાં કોઈ સુધારો નહીં જણાતાં સ્મોલ એનિમલ ક્લિનિકના ડો. નરેન્દ્ર પરદેશીએ લેપ્રોસ્કોપિક અને બેરિયેટ્રિક સર્જન ડો. શશાંક શાહને મળવા કહ્યું હતું, જે પછી દીપિકાનું જીવન જ બદલાઈ ગયું.ડો. શાહ કહે છે,કૂતરાઓમાં પણ કસરતનો અભાવ, અનિશ્ચિત ભોજન અને સૂવાના સમયને લીધે સ્થૂળતા વધી રહી છે. લેબ્રાડોર, ગોલ્ડન રિટ્રીવર, બોક્સર, સેન્ટ બર્નાર્ડ જેવા ભારતીય કૂતરાની જાતિઓને ઉચ્ચ કાર્બોહાઈડ્રેટ્સવાળા ખાદ્ય ખવડાવવામાં આવે છે. કૂતરાનું જીવન 12-15 વર્ષનું હોય છે, પરંતુ સ્થૂળતાને લીધે તેમનું જીવન 5 વર્ષ ઓછું થઈ ગયું છે.

દીપિકાની બાબતમાં પણ એવું જ હતું, જેને લીધે તેનું વજન વધવા સાથે, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ અને સાંધાનો વિકાર હતો. સામાન્ય રીતે વજન 18- 20 કિલો હોવું જોઈએ તેને બદલે 50 કિલો હતું.6 જૂને દીપિકા પર સર્જરી કરવામાં આવી. તેને બેભાન કરવામાં આવી. સર્જરી બે કલાક ચાલી હતી. તે પૂર્વે 12 કલાક તેને તરલ ભોજન સિવાય કશું અપાયું નહોતું. સર્જરી પછી સાત દિવસ સુધી ચિકન સૂપ અપાયું. આ પછી પાંચ દિવસમાં 5 કિલો વજન ઓછું થયું. કૂતરાને કસરત કરાવવાની પણ સલાહ આપવામાં આવી છે, એમ ડો. પરદેશીએ જણાવ્યું હતું.

જીવન બદલાઈ ગયું
દીપિકાના માલિક દારૂવાલાએ જણાવ્યું કે સર્જરી પછી દીપિકાનું જીવન બદલાઈ ગયું છે. હવે તે પહેલાં જેવી હરફર કરે છે. આ સર્જરી અન્ય શ્વાન માલિકોમાં પણ જાગૃતિ ફેલાવશે. પશુઓને પણ સ્થૂળતાથી બચાવવા જોઈએ. ખાસ કરીને તેમને મીઠાઈ નહીં ખવડાવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...