દુર્ઘટના:મોક ડ્રિલ સમયે દુર્ઘટનામાં ઘાયલ અગ્નિશમન દળના જવાનનું મોત, દળના પ્રમુખ દ્વારા તપાસનો આદેશ

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોક ડ્રિલ (કવાયત) દરમિયાન અગ્નિશમન દળના જવાન સદાશિવ કાર્વે (55) વિચિત્ર દુર્ઘટનામાં ઘાયલ થયા હતા, જેમનું મૃત્યુ થયું છે. અગ્નિશમન દળના પ્રમુખ હેમંત પરબે આ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. માટુંગા ખાતે ભાઉદાજી રોડ પર શ્રી સિદ્ધિ એપાર્ટમેન્ટની સામે 29 જાન્યુઆરીના રોજ મોક ડ્રિલ દરમિયાન દુર્ઘટનામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા. તેમાંથી કાર્વેને ગંભીર ઈજા પહોંચી હતી. તેમનું ગુરુવારે સાયન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.ભાયખલા ખાતે અગ્નિશમન દળ મુખ્યાલયમાં શુક્રવારે કાર્વેના પાર્થિવને માનવંદના આપવા અને અંતિમદર્શન માટે રાખવામાં આવ્યો હતો.

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે અંતિમદર્શન લીધાં હતાં અને મુંબઈગરા વતી પુષ્પચક્ર અર્પણ કરીને શ્રદ્ધાંજલી આપી હતી.દળ વતી કાર્વેના પાર્થિવને માનવંદના આપવામાં આવી હતી, જે પછી પાર્થિવ તેમના સંબંધીઓને સુપરત કરવામાં આવ્યો હતો, જેઓ અંતિમસંસ્કાર માટે મૂળ ગામ સાતારામાં પાર્થિવ લઈ ગયા હતા. કાર્વેના પરિવારમાં પત્ની અને બે પુત્ર છે.

મોક ડ્રિલ સમયે દુર્ઘટનામાં કાર્વેએ પગ ગુમાવ્યો હતો. તેમની પર મહાપાલિકાની સાયન હોસ્પિટલમાં ઉપચાર ચાલતો હતો, જ્યાં ગુરુવારે તેમની પ્રાણજ્યોત બુઝાઈ હતી. આ દુર્ઘટનાની તપાસ કરવાનો આદેશ હેમંત પરબે ઉપ પ્રમુખ અગ્નિશમન અધિકારીને આપ્યો છે. દરમિયાન દુર્ઘટનામાં ઘાયલ અન્ય બે જવાન ચંચલ પગારે અને નિવૃત્તિ ઈંગવલેને સારવાર બાદ રજા આપી દેવાઈ છે.

આમ બની દુર્ઘટના
મોક ડ્રિલ દરમિયાન પાણીનું દબાણ અચાનક વધવાથી દળનાં બે વાહનમાંથી એક આગળ સરકી ગઈ હતી. આથી વિચિત્ર દુર્ઘટનામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા. કાર્વેના પગમાં ગંભીર ઈજા પહોંચતાં તેમનો એક પગ કાપવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...