તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ફૂટપાથ પર દસમું પૂરું કર્યુઃ હવે 1 BHKમાં કોલેજનો અભ્યાસ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફૂટપાથ પર રહેતી અસમા શેખનું પાકા ઘરમાં રહેવાનું સપનું સાકાર થયું

એનજીઓ આઈ કેરટેકર, દાતાઓની મદદથી મુંબઈની ફૂટપાથ પર રહીને સ્ટ્રીટલાઈટ હેઠળ ભણીને દસમું ધોરણ પાસ કરનારી 17 વર્ષીય અસમા શેખને હવે કોલેજનો અભ્યાસ કરવા માટે દક્ષિણ મુંબઈના મહંમદ અલી રોડ પર 1 બીએચકે ઘર મળ્યું છે. વિદેશમાં રહેતા લોકોના સમૂહે અસમા ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી ત્રણ વર્ષ માટે આ ઘર ભાડાં પર લીધું છે. અસમાએ દક્ષિણ મુંબઈની ફૂટપાથ પર રહીને 2020માં ધોરણ 10 પાસ કર્યું હતું. તે રાત્રે સ્ટ્રીટલાઈટ હેઠળ અભ્યાસ કરતી હતી.

તેના પિતા સલીમ શેખ તે જ ફૂટપાથ પર જ્યુસ વેચીને પરિવારનું પેટ ભરતા હતા, પરંતુ કોરોનાવાઈરસ બાદ લોકડાઉનને લીધે તેના પણ ધંધાને અસર થઈ હતી, જે પછી જેમ તેમ પરિવાર માટે બે છેડા ભેગા કરતો હતો. અસમાએ આવી પરિસ્થિતિમાં દસમામાં 40 ટકા મેળવીને કેસી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. અસમાએ એક મુલાકાતમાં જણાવ્યું કે હું ગ્રેજ્યુએટ થવા માગું છું. અભ્યાસ કરીને સારી નોકરીએ લાગ્યા પછી પોતાનું ઘર વસાવવા માગું છું, જેથી પરિવારને આ ફૂટપાથ પરથી લઈ જઈ શકું. આજે અસમા ધોરણ 12માં છે.

લોકડાઉનમાં કોલેજ બંધ હોવાથી મોટા ભાગનો સમય તેણે ફૂટપાથ પરથી ઓનલાઈન અભ્યાસ કર્યો. અસમા કહે છે, ફૂટપાથ પર ઓનલાઈન ક્લાસમાં હાજરી બહુ જ મુશ્કેલ છે. આથી કોઈક ઘર મળે એવું ઈચ્છતી હતી. રાત્રે ઓછા ઉજાશમાં ભણતી હતી. અમુક વાર પોલીસો ફૂટપાથવાસીઓને હટાવવાની ઝુંબેશ ઉપાડતા હતા. આ સમયે આખી રાત પગપાળા ચાલવા મજબૂર બનતાં હતાં.

કતારવાસી મદદે આવ્યો
અસમાની આ વાર્તા વાઈરલ થતાં સેંકડો લોકોને સ્પર્શી ગઈ અને મદદનો હાથ આવ્યો. આઈ કેરટેકરે બુધવારે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે કતારના પેટ્રોલિયમ એક્ઝિક્યુટિવ નૌશીર અહમદ ખાને અસમાને અભ્યાસ પૂરો કરવા માટે દર મહિને રૂ. 3000 દાન આપવાનું નક્કી કર્યું છે.

અસમાની અભ્યાસ પ્રત્યે કટિબદ્ધતા જોઈને વિદેશથી પણ અન્ય મદદના હાથ લંબાયા. એક સમૂહે રૂ. 1.2 લાખ ઊભા કર્યા, જે તેનું ઘરનું ભાડું, વીજ બિલ અને પરિવારની મૂળભૂત જરૂરતોની સંભાળ લેવા માટે વપરાશે. અસમા કહે છે, આખરે છત સાથેનું ઘર રહેવા મળ્યું છે. મને બેહદ ખુશી છે.

અન્ય સમાચારો પણ છે...