કાર્યવાહી:બે કોમ વચ્ચે વિવાદ પેદા કરવા માટે રાજ ઠાકરે વિરુદ્ધ ગુનો દાખલ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાંદિવલીના મનસે વિભાગ અધ્યક્ષ મહેન્દ્ર ભાનુશાલીની ધરપકડ કરાઈ
  • ઔરંગાબાદની સભામાં 12 શરતોનું ઉલ્લંઘન કરવાનો તેમના પર આરોપ
  • 15,000 મનસે સૈનિકોને પણ નોટિસો આપીને કાર્યવાહી શરૂ કરવામાં આવી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ અને રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે વિરુદ્ધ બે કોમ વચ્ચે વાદવિવાદ પેદા કરવા માટે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ પ્રમુખ રજનીશ સેઠ અને ગૃહમંત્રી દિલીપ વલસે- પાટીલ સહિતના અધિકારીઓને બે દિવસ મેરેથોન બેઠકો બાદ આખરે રાજ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઔરંગાબાદમાં સિટી ચોક પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઔરંગાબાદની સભામાં 16માંથી 12 શરતોનું ઉલ્લંઘન કરવા કર્યાનો આરોપ મુકાયો છે.

રાજ વિરુદ્ધ ભારતીય ફોજદારી સંહિતાની કલમ 153 (બે સમૂહ વચ્ચે વાદવિવાદ પેદા કરવો), 116 (ગુનો કરવામાં મદદ), 117 (ગુનામાં મદદ, ઉશ્કેરણીજનક ભાષણ) અને મહારાષ્ટ્ર પોલીસ ધારાની કલમ 135 (શરતોનું ઉલ્લંઘન) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ઉશ્કેરણી પછી બે સમૂહમાં હિંસા ફાટી નહીં હોવાથી હાલમાં આ ગુનો જામીનપાત્ર છે.દરમિયાન મસ્જિસ પર લાઉડસ્પીકરની સામે સૌપ્રથમ જ લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસા વગાડનારા ચાંદિવલી મનસેના વિભાગ અધ્યક્ષ મહેન્દ્ર ભાનુશાલીની પોલીસે ઘાટકોપર, ચિરાગનગરથી મંગળવારે ધરપકડ કરી હતી.

પોલીસે તેમની ઓફિસમાંથી લાઉડસ્પીકર પણ જપ્ત કર્યું હતું. મનસે પદાધિકારીની પ્રથમ ધરપકડ છે.બીજી બાજુ મંગળવાર સવારથી મનસેના પદાધિકારીઓ સહિત 15,000 મનસે સૈનિકોને નોટિસો ફટકારવામાં આવી હતી. રાજ ઠાકરેના ભાષણોનો વિડિયો તપાસ્યા બાદ આખરે મંગળવારે બપોરે પોલીસે રાજ ઠાકરે વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. 1 મેના રોજ રાજ ઠાકરેએ ઔરંગાબાદમાં જાહેર સભા કરી હતી. તેમની પર સભામાં ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો આરોપ છે.

ઉપરાંત તેમને ભાષણ સમયે લગાવવામાં આવેલા સ્પીકરોની અવાજ મર્યાદાનો ભંગ, ભીડના નિયમોનો ભંગ કર્યો હોવાનો પણ આરોપ છે.રાજ ઠાકરેએ સોમવારે એક પત્ર ટ્વીટ કરીને મંગળવારે 4 મેની રણનીતિ જાહેર કરશે. જોકે તે પૂર્વે જ પોલીસે કાર્યવાહી કરી છે. 5 મેએ રાજ ઠાકરેએ પદાધિકારીઓ સાથે અયોધ્યા જવાની પણ તૈયારી કરી દીધી છે.સોમવારે ઔરંગાબાદના ડીસીપીએ સાઈબર સેલમાં બેસીને રાજ ઠાકરેના ભાષણના તમામ ફૂટેજ ચેક કર્યા હતા. તેનો નિષ્કર્ષ ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો.

ગૃહ મંત્રાલયમાં ચર્ચા બાદ રાજ સામે કેસ દાખલ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. તદનુસાર, ઔરંગાબાદ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.દરમિયાન રાજ્યના પોલીસ પ્રમુખ રજનીશ સેઠે જણાવ્યું હતું કે, “જો કોઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો અમે તેમની સામે કઠોર પગલાં લઈશું.

મહારાષ્ટ્ર પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સક્ષમ છે. તોડફોડ કરનારાઓ સામે અટકાયતી કાર્યવાહી કરવામાં આવશે. સામાજિક ભાઈચારો જાળવવા માટે મંગળવારે સમાજના વિવિધ વર્ગો સાથે ચર્ચા કરવામાં આવી છે. પોલીસ દ્વારા સ્થાનિક કક્ષાએ પણ અનેક બેઠકો યોજવામાં આવી રહી છે. જો કોઈ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરશે તો પોલીસ કાર્યવાહી કરશે, એમ રજનીશ સેઠે જણાવ્યું હતું.

શું અમે આતંકવાદી છીએ? સંદીપ દેશપાંડે
દરમિયાન મનસે પદાધિકારીઓ રોષે ભરાયા છે. સંદીપ દેશપાંડેએ જણાવ્યું કે રાજ ઠાકરેએ મસ્જિદો પરના અનધિકૃત લાઉડસ્પીકર હટાવવાની માગ કરી હતી. સરકાર દ્વારા તેની પર કાર્યવાહી કરવાને બદલે અમને જ નોટિસો મોકલવામાં આવી રહી છે. શું અમે આતંકવાદી છીએ. હિન્દુહૃદય સમ્રાટના પુત્ર પાસેથી આવી કાર્યવાહીની અપેક્ષા નહોતી, એમ જણાવીને ઉદ્ધવ ઠાકરેની મુસ્લિમોની આળપપાંળ કરવા બદલ ટીકા કરી હતી.

આ મોગલ સરકાર છેઃ બાળા નંદગાંવકર
મનસે નેતા બાળા નંદગાંવકરે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા મંગળવારે મોકલવામાં આવેલી નોટિસથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે ગઠબંધન નહીં પરંતુ મોગલ સરકાર છે. રાજ ઠાકરેએ કહ્યું હતું કે લાઉડસ્પીકરને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત નિયમો રાજ્યમાં લાગુ કરવા જોઈએ. જોકે તેમણે સરકાર દમનકારી હોવાની ટીકા કરી હતી.

સરકાર ખોટા રસ્તે છેઃ નીતિન સરદેસાઈ
મનસે નેતા નીતિન સરદેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારે અમને નોટિસ નહીં, અમને ભેટ આપી છે. રાજ્યની જનતા આ બધું જોઈ રહી છે. સરકાર ખોટી દિશામાં જઈ રહી છે. જો રાજ ઠાકરે સામે કાર્યવાહી કરવામાં આવશે તો અમે તેનો કાનૂની જવાબ આપીશું.

રાજ્યભરમાં એસઆરપીએફ, હોમગાર્ડ
રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે રાજ્યભરમાં એસઆરપીએફ અને હોમગાર્ડની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. પોલીસની રજાઓ રદ કરવામાં આવી છે. નાગરિકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસને સહકાર આપવાની અપીલ રજનીશ સેઠે કરી છે.

મનસે આક્રમક, પોલીસ સુસજ્જ
મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની મસ્જિદો પરનાં લાઉડસ્પીકરો હટાવવા માટે રાજ્ય સરકારને 3 મે સુધીનું આપેલું અલ્ટિમેટમ મંગળવારે પૂરું થઈ ગયું. છતાં લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા નથી. તેથી રાજ ઠાકરેએ આપેલી ચેતવણી મુજબ મનસેના કાર્યકર્તાઓ આક્રમક થવાની શક્યતા છે. આથી મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા મુંબઈ પોલીસે મનસે અને અન્ય ધાર્મિક સંગઠનોના કાર્યકરોને નોટિસો મોકલી છે. કેટલાક કાર્યકરો જાહેર શાંતિમાં ભંગ પાડવાની તૈયારી કરી રહ્યા હોવાની માહિતી મળતાં જ પોલીસે તેમને 17 મે સુધી મુંબઈમાં નહીં રહેવાની ચેતવણી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. 15 દિવસ માટે મુંબઈ છોડવાની નોટિસ આપવામાં આવી હોવાથી પક્ષના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. દરમિયાન પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે પોલીસે રાજ્યમાં રિઝર્વ પોલીસ ફોર્સની સાત ટુકડી તેમ જ 30 ,000 હોમગાર્ડને તહેનાત કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...