પ્રસ્તાવ:કેન્દ્રના ભયથી થાણે મહાપાલિકાએ બુલેટ ટ્રેનનો પ્રસ્તાવ ફરી બહાર કાઢ્યો

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસકામો અટકાવશે એવા ભયથી જગ્યા આપવાનો પ્રસ્તાવ મહાસભામાં લાવવામાં આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનનો માર્ગ મોકળો કરવા માટે થાણે મહાપાલિકા પ્રશાસન હવે આગ્રહી બન્યું છે. કેન્દ્રનો આ પ્રકલ્પ રોકી રાખવામાં આવે તો શહેરનાં વિકાસકામોનું ભંડોળ રોકવામાં આવશે એવો ભય પ્રશાસનને સતાવી રહ્યો છે.

આથી સત્તાધારી શિવસેનાએ એક વર્ષ પૂર્વે નામંજૂર કરેલો અને અભેરાઈએ ચઢાવી દીધેલો બુલેટ ટ્રેનને મહાપાલિકાની જગ્યા આપવાનો પ્રસ્તાવ પ્રશાસને ફરીથી બહાર કાઢ્યો છે. 19 ઓગસ્ટના રોજ મહાપાલિકાની મહાસભામાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ સમયે સત્તાધારી કેવી ભૂમિકા લે છે તેની પર સૌની મીટ મંડાયેલી છે.

હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના માધ્યમથી મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ કેન્દ્ર સરકારે હાથમાં લીધો છે. આ પ્રકલ્પ માટે થાણે, ભિવંડી તાલુકાના ભૂસંપાદનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. મુંબઈથી ભૂમિગત આ પ્રકલ્પ થાણે શિલફાટા ખાતે ઊંચા પુલ પરથી કાઢવામાં આવશે. આ માટે શિળ, ડાવલે, પડલે, માથાર્ડી, દેસાઈ, આગાસન અને બેતાવડે ગામની જમીન સંપાદન કરવામાં આવી રહી છે. આ માટે પ્રતિ હેક્ટર રૂ. 9 કરોડનું વળતર આપવામાં આવી રહ્યું છે. જોકે મુખ્ય અડચણ થાણે મહાપાલિકાની જગ્યા સંપાદન કરવામાં હતી.

આ પ્રકલ્પ માટે થાણે મહાપાલિકાની 3849 ચોરસમીટરની જગ્યા બુલેટ ટ્રેન માટે સંપાદન કરવી પડશે. આ માટે એનએચએસઆરસીએલ આશરે રૂ. 7 કરોડ મહાપાલિકાની તિજોરીમાં જમા કરવા તૈયાર છે. શિવસેના- ભાજપમાં વધેલા તણાવને લીધે આ પ્રક્રિયા લંબાઈ છે.

વિકાસકામો પર અસર થવાની શક્યતાં
ડિસેમ્બર 2020માં જગ્યા હસ્તાંતરણનો પ્રસ્તાવ થાણે મહાપાલિકા પ્રશાસને મહાસભામાં રજૂ કર્યો હતો. જોકે તે સમયે મુંબઈ મેટ્રો કારશેડનો વિવાદ ઊભો થયો હતો. કાંજુરમાર્ગની જગ્યા કેન્દ્ર દ્વારા અટકાવવામાં આવતાં બુલેટ ટ્રેનની જગ્યા હસ્તાંતરણ કરવાના પ્રસ્તાવને સત્તાધારી શિવસેનાએ વિરોધ કરીને આ પ્રસ્તાવ અભેરાઈએ ચઢાવી દીધો હતો. આ આદેશ મેયર નરેશ મ્હસ્કે આપ્યો હતો. જોકે હવે આ પ્રકરણ વધુ ખેંચવામાં આવે તો કેન્દ્ર સરકાર ભંડોળ અટકાવશે, જેને લઈ થાણે શહેરનાં વિકાસકામો પર વિપરીત પરિણામ થવાની શક્યતા હોવાથી આ પ્રસ્તાવ ફરીથી બહાર કાઢીને મહાસભામાં મંજૂરી માટે રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...