રસ્તા દુરસ્તીનાં કામો અધૂરાં:મુંબઈ શહેરમાં હજુ નાળાસફાઈ બરાબર થઈ ન હોવાથી પૂરનો ભય

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાળાસફાઈ અને રસ્તા દુરસ્તી આગામી 31 મે સુધી પૂર્ણ કરવા માગણી

મુંબઈમાં નાળાસફાઈ હજુ પણ સંતોષકારક રીતે થઈ નથી. ઉપરાંત રસ્તા દુરસ્તીનાં કામો પણ અધૂરાં છે. 31 મે સુધી આ બધાં કામો પૂરાં કરવાં જોઈએ. આ માટે મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે વ્યક્તિગત રીતે ધ્યાન આપવું જોઈએ, એવી માગણી કરતો પત્ર મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપે કમિશનરને લખ્યો છે.

મુંબઈમાં દર વર્ષે ચોમાસા પૂર્વે નાના- મોટા નાળાની સાફસફઈ અને મુખ્ય રસ્તાઓની દુરસ્તી કરવામાં આવે છે. જોકે આ વખતે મુંબઈમાં હજુ પણ નાના-મોટા નાળાઓની સાફસફાઈ અને મુખ્ય રસ્તાઓની દુરસ્તીનાં કામો બરોબર શરૂ થયાં નથી. આને કારણે આગામી ચોમાસામાં મુંબઈમાં ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ ઉદભવી શકે છે.

પૂરથી અમુક વિસ્તારો જળબંબાકાર થઈને કરદાતા નાગરિકોની મુશ્કેલી વધી શકે છે. આ માટે નાળાસફાઈ પર પ્રશાસને જે રકમ સંબંધિત ઠેકેદારોને મંજૂર કરી છે તે વેડફાઈ જઈ શકે છે. આ બાબત અત્યંત ગંભીર હોઈ તમે વ્યક્તિગત રીતે ધ્યાન આપીને 31 મે, 2022 સુધી મુંબઈની નાળાસફાઈ અને રસ્તાની દુરસ્તીનાં કામો અગ્રતાથી પૂરાં કરવામાં આવે તેની ખાતરી કરવી જોઈએ, એમ પત્રમાં જણાવાયું છે.

નાળાની સાફસફાઈ કરતી વખતે સંબંધિત ઠેકેદારો દ્વારા નાળાઓ પર તરતો કચરો કાઢવામાં આવે ચે. આ માટે નાળાનો સંપૂર્ણ ગાર કાઢવામાં આવે અને નાળાઓની બાજુમાં જમા કરી રખાતો ગાર ચોમાસા પૂર્વે ઉપાડીને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવાનું આવશ્યક છે. આ બાબતે તમારે વ્યક્તિગત રીતે ધ્યાન આપવાની જરૂર છે, એમ પણ તેમણે જણાવ્યું છે.

નોંધનીય છે કે હાલમાં કમિશનરે બાંદરા, માહિમ સહિતના વિસ્તારોમાં મીઠી નદી અને અન્ય નાળાઓની સફાઈનું પરીક્ષણ કર્યું હતું. જોકે તેઓ મુલાકાત લેવાના હતા તે નાળાઓની સાફસફાઈ જોરશોરથી ચાલતી હતી, પરંતુ દર વર્ષે મુંબઈમાં અનેક ઠેકાણે નાળાઓની સફાઈ અધૂરી રાખવામાં આવે છે, જેને કારણે ઠેર ઠેર પૂર જેવી પરિસ્થિતિ પેદા થાય છે અને નાગરિકો હેરાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...