કોરોનાના સમયમાં જેલના કેદીઓને મોબાઈલ અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરવાની સુવિધા આપવામાં આવી હતી ત્યારે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયાની ઘટના બની હતી કે એવો પ્રશ્ન હાઈ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યો હતો. એ જ સમયે સરકાર તરફથી જવાબ દાખલ કરવામાં આવે ત્યાં સુધી કેદીઓને સગાસંબંધીઓના સંપર્કમાં રહેવા માટે જરૂરી સુવિધા તાત્કાલીક શરૂ કરવાનો આદેશ આપવામાં નહીં આવે એમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.
કેદીઓ સગાસંબંધીઓ સાથે વાતચીત કરી શકે એ માટે શરૂ કરવામાં આવેલી મોબાઈલ અને વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા નવેમ્બરમાં અચાનક બંધ કરવામાં આવી. એના વિરોધમાં પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી નામની સ્વયંસેવી સંસ્થાએ જનહિત એરજી દાખલ કરી છે. તેમ જ આ સુવિધા બંધ કરવામાં આવી હોવાથી કેદીઓ સગાસંબંધીઓ અને વકીલ સાથે સંપર્ક કરી શકતા નથી એમ અરજીમાં જણાવવામાં આવ્યું છે.
મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ વી.જી.બિશ્ટની ખંડપીઠ સમક્ષ થયેલી સુનાવણીના સમયે એડવોકેટ જનરલને હાજર રહીને તેમનો પક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. આ પ્રકરણે સુનાવણી થઈ ત્યારે કેદીઓને સગાસંબંધી અને વકીલને મળવાની છૂટ આપવામાં આવી છે એમ એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ કોર્ટને જણાવ્યું હતું. એના પર કોરોનાના સમયમાં જેલની કેદીઓને મોબાઈલ અને વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા આપવામાં આવી ત્યારે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે એવો પ્રશ્ન કોર્ટે એડવોકેટ જનરલને કર્યો હતો.
તેમ જ કેદીઓ સગાસંબંધીના સંપર્કમાં રહી શકે એ માટેની જરૂરી સુવિધા અચાનક બંધ શા માટે કરવામાં આવી એનો ખુલાસો કરવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો. આ સુવિધા હંમેશ માટે ચાલુ રાખવી એમ અરજદારે કોર્ટે જણાવ્યું હતું. જોકે આ સરકારનો વિષય હોવાનું કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. પોલીસ મહાનિરીક્ષક (જેલ) તરફથી કોર્ટે ઉપસ્થિત કરેલા બંને મુદ્દાઓ બાબતે માહિતી મગાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે એમ કુંભકોણીએ કોર્ટને જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.