કાર્યવાહી:એન્ટિલિયા પ્રકરણે સચીન વાઝેના સાગરીત કોન્સ્ટેબલની હકાલપટ્ટી

મુંબઇ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈમાં પેડર રોડ સ્થિત બહુમજલી નિવાસસ્થાન એન્ટિલિયાથી 500 મીટર દૂર 20 જિલેટિન સ્ટિક્સ અને ધમકીનો પત્ર સાથેની સ્કોર્પિયો કાર પાર્ક કરીને ગભરાટ ફેલાવનારા સીઆઈયુના એપીઆઈ સચિન વાઝે, તેના સહ-કર્મચારી એપીઆઈ રિયાઝ કાઝી પછી પોલીસ કમિશનરે વાઝેના સાગરીત વિવાદાસ્પદ કોન્સ્ટેબલ વિનાયક શિંદેની પણ પોલીસ દળમાંથી હકાલપટ્ટી કરી છે.વિસ્ફોટક ગોઠવવા અને થાણેના વેપારી મનસુખ હિરેનની ક્રૂરતાથી હત્યા કરવા પ્રકરણે નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ ટીમ (એનઆઈએ) દ્વારા શિંદેની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે હાલમાં જેલમાં છે. હવે તેનો પણ પોલીસ દળ દ્વારા એક વિશેષ આદેશ થકી દળમાંથી બરતરફ કર્યો છે.

શિંદેની અગાઉ લખનભૈયા નકલી એન્કાઉન્ટર પ્રકરણે ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં તેને સજા થયા પછી તે જેલમાં હતો. તે સમયે શિંદેને પોલીસ દળમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. દરમિયાન ગયા વર્ષે શિંદેનો જેલમાંથી પેરોલ પર છુટકારો થયો હતો. તે પેરોલ પર બહાર આવતાં જ સીઆઈયુના તત્કાલીન પ્રમુખ એપીઆઈ સચિન વાઝેને મળવા ગયો હતો. આ પછી સસ્પેન્ડ હોવા છતાં વાઝે માટે તે કામ કરવા લાગ્યો હતો.વિસ્ફોટક અને હત્યા કેસમાં શિંદેની બહુ જ સક્રિય ભૂમિકા હતી, જે બહાર આવ્યા પછી એનઆઈએ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. નોર્થ રિજનલ ઝોનના એડિશનલ પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે બંધારણની કલમ 311 (2) અનુસાર શિંદેને બરતરફ કર્યો હતો.

એનઆઈએ દ્વારા હવે સુનિલ માનેનો વારો
દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની કાંદિવલી શાખાનો પ્રમુખ સુનિલ માનેએ પણ વાઝેને આ ગુનાઓમાં સક્રિય રીતે મદદ કરી હતી. તેની કલાકો સુધી પૂછપરછ કર્યા પછી એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તે હાલમાં એનઆઈએની કસ્ટડીમાં છે. આથી તેની પણ બરતરફીની કાર્યવાહી ચાલી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...