ધરપકડ:રૂ 15.26 કરોડની જીએસટી ચોરી સંબંધે નિકાસકારની ધરપકડ કરાઈ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નકલી કંપનીઓ દ્વારા ર 85 કરોડનાં બોગસ ઈન્વોઈસીસ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી ઠગાઈ

મુંબઈ ઝોનના થાણે સીજીએસટી કમિશનરેટની એન્ટી ઇવેઝન વિંગના અધિકારીઓએ રૂ. 15.26 કરોડની જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)ની છેતરપિંડી કરવા અંગે એક નિકાસકારની ધરપકડ કરી છે. આરોપી એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો ડાયરેક્ટર છે. આ આઈટીસીનો દાવો નકલી કંપનીઓ દ્વારા જારી રૂ. 85 કરોડનાં બોગસ ઈન્વોઈસીસના આધારે કરવામાં આવ્યો હતો.

દિલ્હી કસ્ટમ્સ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે અને થાણે કમિશનરેટના અધિકારીઓ દ્વારા વધુ માહિતી મેળવીને મેસર્સ કોર્વેટ ટ્રેડલિંક પ્રા. લિ., બોરીવલી વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ કંપની ફૂટવેરની નિકાસમાં સંકળાયેલી હતી અને તેણે દિલ્હીથી અસ્તિત્વમાં ન હોય તેવી નકલી કંપનીઓ દ્વારા જારી કરાયેલાં બોગસ ઇન્વૉઇસીસના આધારે છેતરપિંડી કરીને જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી.

કંપનીએ આઈસીડી તુઘલખાબાદ, દિલ્હી દ્વારા નિકાસ માટે આઈજીએસટીની ચુકવણી માટે આ નકલી આઈટીસીનો ઉપયોગ કર્યો હતો અને ત્યાર પછી ભારતીય કસ્ટમ્સ પાસેથી નકલી આઈટીસી પર આઈજીએસટીના રિફંડનો દાવો કર્યો હતો.આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એક ડાયરેક્ટરની સીજીએસટી એક્ટ 2017ની કલમ 69 હેઠળ સીજીએસટી એક્ટ 2017ની કલમ 132(b) અને 132(c)ના ઉલ્લંઘન બદલ ધરપકડ કરવામાં આવી હતી અને તેને મુંબઈના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જો તે દોષિત પુરવાર થાય તો તેને 5 વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે.

આ કેસ સીજીએસટી મુંબઈ ઝોન દ્વારા કરચોરી કરનારાઓ અને છેતરપિંડી કરનારાઓ સામે શરૂ કરવામાં આવેલી એન્ટી-ઇવેઝન ડ્રાઇવનો એક ભાગ છે. સીજીએસટી થાણે કમિશનરેટે છેલ્લા છ મહિનામાં રૂ. 1238 કરોડની કરચોરી શોધી કાઢી છે. રૂ. 20 કરોડ વસૂલ કર્યા છે અને 7 જણની ધરપકડ કરવામાં આવી છે.

સીજીએસટી વિભાગ સંભવિત કરચોરી કરનારાઓ અને છેતરપિંડી કરનારાઓને ઓળખવા માટે ડેટા-માઇનિંગ, ડેટા વિશ્લેષણ અને નેટવર્ક વિશ્લેષણ સાધનોનો ઉપયોગ કરી રહ્યો છે. વિભાગ સેવા ક્ષેત્ર, નિકાસ, આયાત અને ડિજિટલ અર્થતંત્ર સહિત અર્થતંત્રના તમામ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેથી કરચોરી કરનારાઓને ઓળખી શકાય જે પ્રામાણિક અને અનુપાલન કરદાતાઓ માટે અયોગ્ય સ્પર્ધાનું કારણ બને છે. વિભાગ આગામી દિવસોમાં અને મહિનામાં ચોરી વિરોધી આ અભિયાનને વધુ સઘન બનાવવા જઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...