તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:વિસ્ફોટક કેસના સૂત્રધાર સચિન વાઝેની આખરે પોલીસ દળમાંથી હકાલપટ્ટી થઈ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાલે દ્વારા વાઝેને સેવામાંથી દૂર કરવામાં આવ્યો હોવાનો આદેશ જારી કરાયો

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક 20 જિલેટિન સ્ટિક્સ અને ધમકીના પત્ર સાથેની મહિંદ્રા સ્કોર્પિયો એસયુવી કાર ગોઠવવા માટે અને થાણેનો ઓટો પાર્ટસ ડીલર વેપારી મનસુખ હિરન વાઝેની યોજના જાણતો હોવાથી તે મોઢું ખોલી નાખશે એવા ડરથી તેની હત્યા કરવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા ધરપકડ કરવામાં આવેલા વિવાદાસ્પદ સસ્પેન્ડેડ એપીઆઈ સચિન વાઝેને આખરે પોલીસ દળમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાલે દ્વારા મંગળવારે વાઝેની સેવા સમાપ્ત કર્યાનો આદેશ જારી કર્યો હતો. મહારાષ્ટ્ર કેડરની 1990ની બેચનો અધિકારી વાઝે એન્કાઉન્ટરબાજ તરીકે પણ ઓળખ ધરાવે છે. વિસ્ફોટક અને હત્યા કેસમાં 13 માર્ચે એનઆઈએ દ્વારા તેની ધરપકડ કર્યા પછી પોલીસ દળમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

હવે બંધારણની કલમ 311 (2) (બી)ની જોગવાઈ હેઠળ તેને પોલીસ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો છે.ઘાટકોપર બોમ્બવિસ્ફોટ કેસમાં આરોપી ખ્વાજા યુનુસના કસ્ટડીમાં રહસ્યમય રીતે મૃત્યુના કેસમાં 16 વર્ષ સુધી વાઝે સસ્પેન્ડ હતો. જૂન 2020માં કોવિડની સ્થિતિ ગંભીર બનતાં અને પોલીસો ઓછા પડતાં સરકાર દ્વારા ઓછા ગંભીર કેસમાં સસ્પેન્ડ હોય તેવા પોલીસ અધિકારી અને કર્મચારીઓની સેવા લેવાનો નિર્ણય લીધો હતો. તેમાં વિવાદાસ્પદ વાઝેને પણ ફરીથી મુંબઈ પોલીસની સેવામાં લેવાયો હતો.આ પછી તેને ક્રાઈમ બ્રાન્ચની અત્યંત મહત્ત્વપૂર્ણ શાખા ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)નો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો.

વાસ્તવમાં આ યુનિટનો પ્રમુખ પીઆઈ દરજ્જાનો અધિકારી હોય છે, પરંતુ વાઝેએ એવાં ચક્કર ચલાવ્યાં હતાં કે પીઆઈ દરજ્જાના અધિકારીને પડતો મૂકીને આ યુનિટનો હવાલો વાઝેને સોંપવામાં આવ્યો હતો. વાઝેએ આ ફરજ દરમિયાન બોગસ ટીઆરપી કેસ, બોગસ સોશિયલ મિડિયા ફોલોઅર કેસ, દિલીપ છાબરિયાને સંડોવતા કાર ફાઈનાન્સ કેસ સહિતના હાઈ પ્રોફાઈલ કેસ હાથ ધર્યા હતા. આ બધા કેસમાં તેને બહુ પ્રસિદ્ધિ મળી હતી, પરંતુ કહેવાય છે કે આ મોટા કેસો હાથ ધરવાની આડમાં તેણે મોટા પ્રમાણમાં કટકી લીધી હતી. આ બધા કેસમાં તેને કોઈ આંચ આવી નહોતી, પરંતુ તેણે દેશના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકો અને ધમકીનો પત્ર મૂક્યા અને પોતાના પરિચિત મનસુખ હિરનની હત્યા કરતાં તે ભીંસમાં આવી ગયો હતો.

ફડણવીસે મામલો ઉછાળતાં સંડોવણી જણાઈ
ખાસ કરીને અંબાણીના ઘર નજીક વિસ્ફોટકો સાથેની સ્કોર્પિયો મળી આવ્યા પછી સૌપ્રથમ ઘટનાસ્થળે પહોંચનારમાં વાઝે પણ હતો. આ મામલો દેશભરમાં ચર્ચામાં આવ્યો હતો, પરંતુ આ અંગે વિવાદ ચગતાં એનઆઈએ તપાસમાં આવી ગઈ હતી, જેને લઈ વાઝેએ ભાંડો ફૂટી જશે એવા ડરથી મનસુખ હિરનની હત્યા કરી નાખી હતી. મનસુખની પત્નીએ પોતાના પતિની હત્યામાં વાઝે જ જવાબદાર છે એવો ગંભીર આરોપ કર્યા પછી રાજ્ય વિધાનમંડળનું બજેટ સત્ર ચાલતું હતું તેમાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે આ મામલો જબરદસ્ત ઉછાળ્યો હતો, જેને કારણે તપાસમાં ગતિ આવી હતી અને અંતે વાઝેની સંડોવણીનો પર્દાફાશ થયો હતો.

વિસ્ફોટકો મૂકવા પાછળ ઈરાદો શું હતો ?
વાઝેનો ચોક્કસ ઈરાદો શું હતો તે વિશે હજુ માહિતી બહાર આવી નથી, પરંતુ કહેવાય છે કે વિસ્ફોટકો સાથેની કાર મૂકીને બે ગુંડાઓના એન્કાઉન્ટર કરીને કેસ ઉકેલી કાઢ્યો હોવાનો દાવો કરીને તે વાહવાહ મેળવવા માગતો હતો. જોકે ઘણા લોકો આ થિયરી માનવા તૈયાર નથી. વાઝે મોટાં માથાંઓના આશીર્વાદ સાથે મોટી ખંડણી વસૂલ કરવાના ચક્કરમાં હતો એવી પણ એક થિયરી છે.

અન્ય સમાચારો પણ છે...