કાર્યવાહી:પોલીસ ભરતીમાં ઉમેદવારને બદલે અન્યોએ આપી પરીક્ષા

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારો સામે છેતરપિંડીનો ગુનો દાખલ

મ્હાડા, આરોગ્ય વિભાગ, શિક્ષક પાત્રતા પરીક્ષામાં પેપર લીક થયા પછી મહારાષ્ટ્રમાં પોલીસ ભરતીમાં આવા ગોટાળા થતા નથી એવો દાવો ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલે એક કાર્યક્રમમાં કર્યો હતો. જોકે પોલીસ ભરતીમાં પણ ગોટાળા થાય છે એવો વધુ એક દાખલો સામે આવ્યો છે.શહેર પોલીસ દળની ભરતીમાં મૂળ ઉમેદવારને બદલે અન્ય યુવકોએ પરીક્ષા આપી હતી. ભરતી પ્રક્રિયામાં ગોટાળો સામે આવવાથી પોલીસ દળમાં ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણે પોલીસે બે જણની ધરપકડ કરી છે.

પોલીસે આ ગોટાળો બહાર આવ્યા પછી ઔરંગાબાદના વૈજાપુરના રહેવાસી જયપાલ કારભારી કંકરવાલ અને અર્જુન સુલાનેની ધરપકડ કરી છે. આ સંબંધે મિથુન ગબરૂસિંગ બમનાવત, તેજસ જાધવ અને અન્યો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ શિપાઈના પદની ભરતી પરીક્ષા 28 ઓક્ટોબરથી 9 ડિસેમ્બર દરમિયાન યોજાઈ હતી. તેમાં જયપાલ અને અર્જુન સહભાગી થયા હતા. પોતપોતાને નામે અન્ય યુવકોએ પરીક્ષા, ટેસ્ટ આપવા માટે જયપાલ અને અર્જુને વિશાલ લખવાલનો સંપર્ક કર્યો હતો. તેને રૂ. 13 લાખ આપવાનું નક્કી થયું હતું. વિશાલે સાગરીતોની મદદ લીધી હતી.

શારીરિક ટેસ્ટ જયપાલને બદલે મિથુને અને લેખિત પરીક્ષા તેજસે આપી હતી. અર્જુનને બદલે અન્ય આરોપીઓએ શારીરિક ટેસ્ટ અને લેખિત પરીક્ષા આપી હતી. જયપાલ અને અર્જુનની પોલીસ દળમાં પસંદગી પણ કરવામાં આવી હતી. થોડા દિવસ પૂર્વે પોલીસે બંનેના દસ્તાવેજનીતપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...