નિર્ણય:મુંબઈ બેન્કમાં ચૂંટાઈ આવેલા દરેકર મજૂર તરીકે અપાત્ર ઠર્યા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યક્તિગત દ્વેષમાંથી આ કાર્યવાહીઃ હું કોર્ટમાં દાદ માગીશઃ પ્રવીણ દરેકર

વિધાન પરિષદના વિરોધી પક્ષ નેતા પ્રવીણ દરેકરની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે મુંબઈ બેન્ક પર ડાયરેક્ટર તરીકે બિનવિરોધ ચૂંટાઈ આવેલા પ્રવીણ દરેકરને મજૂર તરીકે અપાત્ર ઠરાવવામાં આવ્યા છે. સહકાર વિભાગે આ કાર્યવાહી કરી છે. દરેકરને તેઓ મજૂર છે કે કેમ એવું પૂછતી નોટિસ મોકલવામાં આવી છે, જેની પર તપાસ કરીને સહકાર વિભાગે દરેકર મજૂર નથી એવો અહેવાલ આપ્યો છે.

દરેકરને અપાત્ર ઠરાવતી વખતે વિધાન પરિષદની ચૂંટણી સમયે આપેલી એફિડેવિટ તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. તેમાં આવકનું સાધન તરીકે સ્વતંત્ર વ્યવસાય એવી નોંધ કરાઈ છે. તેમની માલમતા રૂ. 2.9 કરોડ હોઈ તેમને નામે રૂ. 90 લાખની સંપત્તિ હોવાનું પણ એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે. વિધાનસભ્ય અને વિધાન પરિષદના વિરોધી પક્ષ નેતા તરીકે માસિક રૂ. 2.50 લાખ માનધન તેમને મળે છે, જેથી તેમને મજૂર નહીં કહી શકાય, એમ સહકાર વિભાગે સ્પષ્ટ કર્યું છે.

દરેકરે જણાવ્યું કે હું કોર્ટમાં દાદ માગીશ. હું રાજ્યનો વિરોધી પક્ષ નેતા છું. આથી અમુક લોકો વ્યક્તિગત દ્વેષને લઈ આવી કાર્યવાહીઓ કરાવી રહ્યા છે. હું બે વાર ચૂંટાઈ આવ્યો છું. ગઈકાલે પરિણામ ઘોષિત થયા પછી મજૂર વિભાગમાંથી ચૂંટાઈ આવ્યો તેનું રાજીનામું આપી દીધું છે.

ફોજદારી કાર્યવાહી કરવા મલિકનો પત્ર
દરમિયાન દરેકર સામે ફોજદારી સંહિતા અનુસાર કાર્યવાહી કરો એવો પત્ર રાષ્ટ્રવાદીના પ્રવક્તા નવાબ મલિકે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે. દરેકરને સહકારી સંસ્થાના વિભાગીય સબ- રજિસ્ટ્રારે 3 જાન્યુઆરી, 2022ના રોજ મજૂર તરીકે અપાત્ર ઘોષિત કર્યા છે. દરેકર મજૂર કેટેગરીમાં પાત્ર નથી અને તેઓ ગત અનેક વર્ષથી ડાયરેક્ટર અને અધ્યક્ષ તરીકે મુંબઈ જિલ્લા મધ્યવર્તી સહકારી બેન્કમાં કામ કરી રહી છે. દરેકરે છેતરપિંડી કરીને સભ્યપદ મેળવ્યું હોવાથી મહારાષ્ટ્ર સરકારી સંસ્થા અધિનિયમ 1960માં કલમ 78 એ અનુસાર તેઓ આગામી એક વર્ષ માટે કોઈ પણ શ્રેણીમાંથી સભ્ય તરીકે ચૂંટાઈ આવવા માટે પાત્ર નથી. આથી દરેકરે કરેલી છેતરપિંડી માટે તેમની સામે ભારતીય ફોજદારી સંહિતાની કલમ 199, 200, 420 અને 37 તેમ જ અન્ય ઉચિત કાયદા અંતર્ગત યોગ્ય કાર્યવાહી કરવી એવી માગણી પત્રમાં કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...