રોષ:એસટી પછી બેસ્ટ કર્મચારીઓ પણ ખાનગીકરણ વિરુદ્ધ હડતાળને માર્ગે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 27બસ ડેપો પર શ્રેણીબદ્ધ આંદોલનની ચીમકી

મુંબઇમાં લોકડાઉન પહેલાં બેસ્ટે વિક્રમી દિવસો સુધી હડતાળ પાડી હતી. હવે ફરી હડતાળને માર્ગે છે. મહારાષ્ટ્ર રાજ્ય એસટી યુનિયનની લાંબી હડતાળ પછી પણ આ પ્રશ્ન હજુ મટ્યો નથી ત્યાં મુંબઈની જીવાદોરી સમાન બેસ્ટની બસો પણ ઠપ થાય તેવા સંજોગો ઊભા થયા છે.

બેસ્ટ વર્કર્સ યુનિયન દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરોને ડેપો સોંપવાનો વિરોધ કરવા માટે શહેરના 27 બસ ડેપો પર શ્રેણીબદ્ધ આંદોલનની ચીમકી આપવામાં આવી છે. આ કડીમાં બુધવારે વડાલા ડેપોની બહાર પ્રથમ દેખાવ કરાયા હતા.યુનિયનનો આરોપ છે કે ખાનગી કોન્ટ્રાક્ટરોની તરફેણ કરવા માટે પૂર્ણ-સમયના બેસ્ટ કામદારોને તાજેતરમાં પ્રતિક્ષા નગર ડેપોમાંથી અન્ય ડેપોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમને ડર છે કે હવે સાન્તાક્રુઝ ડેપોનો નંબર આવી શકે છે અને ધીમે ધીમે તમામ ડેપો ખાનગી એજન્સીઓ દ્વારા કબજે કરવામાં આવશે.

બેસ્ટના પ્રવક્તા મનોજ વરાડેએ જણાવ્યું હતું કે, આરોપો પાયાવિહોણા છે. ખાનગીકરણ માટે અમે મુંબઈના 27 ડેપોમાંથી એક પણ ડેપો આપવામાં આવ્યો નથી કે એક પણ બંધ કરી રહ્યા નથી. ઉપરાંત ભવિષ્યમાં કોઈ પણ બસ ડેપોનું ખાનગીકરણ કરવાની અમારી કોઈ યોજના નથી. યુનિયનના નેતાઓ કામદારો અને મુંબઈકરોને ગેરમાર્ગે દોરે છે, એમ વરાડેએ કહ્યું હતું.23 ફેબ્રુઆરીના રોજ યુનિયનોએ બેસ્ટને વેટ લીઝ બસો આપતી ખાનગી એજન્સીઓને ડેપો સોંપવાના પગલાનો વિરોધ કર્યો હતો.

યુનિયનના નેતા શશાંક રાવે જણાવ્યું હતું કે યુનિયને બેસ્ટ વિરુદ્ધ ઔદ્યોગિક કોર્ટમાં અન્યાયી શ્રમ પ્રથા માટે કેસ દાખલ કર્યો છે. જોકે સાંતાક્રુઝ ડેપોને સોંપવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અમારી પાસે અંદરની માહિતી છે કે આ ડેપો ખાનગી કોન્ટ્રાક્ટરને નજીવી રકમમાં આપવામાં આવશે. ઉપરાંત કામદારોને અન્ય ડેપોમાં ખસેડવામાં આવે તેવી સંભાવના છે, થોડા દિવસો પહેલા પ્રતિક્ષા નગર ડેપોમાં જેમ થયું તેમ કરાશે, એમ રાવે કહ્યું હતું.

રાવે જણાવ્યું હતું કે બેસ્ટ મેનેજમેન્ટે યુનિયનો સાથે હસ્તાક્ષર કરાયેલા એમઓયુમાં તેના વચનને પાછું ખેંચ્યું હતું કે બેસ્ટની માલિકીની બસો 3,337 હશે. આ કાફલામાં ધરખમ ઘટાડો થઈને લગભગ 1,800 બસો થઈ ગઈ છે, તેમણે ધ્યાન દોર્યું અને ઉમેર્યું કે બેસ્ટને માત્ર ખાનગી કોન્ટ્રાક્ટરોની વેટ લીઝ બસોમાં જ રસ હતો.

પીક અવર્સમાં બસ મળવી જોઈએ
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વેટ લીઝ બસો ઓપરેશનલ સગવડતા’ માટે પ્રતિક્ષા નગર ડેપોમાં રાખવામાં આવી હતી. અમે ઈચ્છીએ છીએ કે પીક અવર્સ દરમિયાન મુસાફરોને વહેલી તકે આ બસો મળે, એમ તેમણે ઉમેર્યું હતું. રાવે આક્ષેપ કર્યો હતો કે ખાનગી બસોની જાળવણી માટે એન્જિનિયરિંગ વિભાગના થોડા અધિકારીઓને રાખવામાં આવ્યા હતા અને આ પણ અયોગ્ય હતું.

અન્ય સમાચારો પણ છે...