શિક્ષણ:લોકડાઉનમાં પણ કુર્લાની એકમાત્ર ગુજરાતી શાળામાં બાળકો જોડાયા

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં થોડાં વર્ષમાં 25 બાળકોએ અંગ્રેજી છોડી આ શાળામાં પ્રવેશ લીધો

કુર્લામાં એક ગુજરાતી શાળા એવી છે જે આજે પણ ત્યાંના બાળકોને માતૃભાષા ગુજરાતીમાં શિક્ષણનો લાભ આપી રહી છે. આ વાત છે કુર્લા સ્થિત શ્રી ગુજરાતી સેવાસમાજ સંચાલિત શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલયની, જ્યાં લૉકડાઉન દરમિયાન પણ મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા. કેટલાક વિદ્યાર્થીઓ અંગ્રેજી છોડી અને આ શાળામાં આવ્યા છે.આ ગુજરાતી શાળામાં પ્રાથમિક ધોરણથી જ ઍક્ટિવિટી બેઝ્ડ શિક્ષણ પર ભાર આપવામાં આવે છે. બ્લૅક બોર્ડનો ઓછામાં ઓછો ઉપયોગ કરી અભિનય અને નાચતાં-કૂદતાં ભૂલકાંઓ પ્રાથમિક શિક્ષણ અપાય છે.

ઉપરાંત બાળકોને ઉપયોગી બુકનો સેટ ગુજરાતથી પણ મગાવવામાં આવે છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનો સારો સમન્વય છે.લૉકડાઉન દરમિયાન પણ શાળાએ માર્કેટિંગ ચાલુ રાખ્યું હતું, જેથી આ શાળામાં મોટા પ્રમાણમાં બાળકો જોડાયા હતા. શાળાના પ્રચાર માટે શિક્ષકોએ શાળામાં થતી પ્રવૃત્તિઓ સાથે પત્રકો વિતરણ કર્યા હતા. શક્ય હોય ત્યાં બૅનર પણ લગાવ્યાં હતાં. શાળામાં દર મહિને જરૂરિયાતમંદ દસ વિદ્યાર્થીઓને રેશનની કિટનું પણ વિતરણ કરવામાં આવે છે. શાળામાં દરેક સંસ્કૃતિ અને બીજી વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

બાળકોનું પ્રમાણપત્ર આપી સન્માન
ઉલ્લેખનીય છે કે છેલ્લાં અમુક વર્ષોમાં ૨૫ જેટલાં બાળકો અંગ્રેજી માધ્યમ છોડી અને આ શાળામાં જોડાયાં છે. બે વર્ષ અગાઉ જે વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાંથી આ શાળામાં જોડાયા હતા તેમને એક કાર્યક્રમ દરમિયાન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શાળાનાં આચાર્યા શું કહે છે
આ સંદર્ભે વાત કરતાં શાળાનાં પ્રાથમિક વિભાગનાં આચાર્યા જાગૃતિબહેને જણાવ્યું કે “અમે શાળાના પ્રચાર-પ્રસાર માટે કાર્ય કરી રહ્યાં છીએ. ઉપરાંત નવી શિક્ષણ નીતિમાં કહેવાયું છે કે બાળકોનું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ થવું જોઈએ.” બીજી તરફ શાળાના શિક્ષક મયંક સરે જણાવ્યું કે “અમારો સીધો સંપર્ક સેતુ વાલીઓ છે, અમે વાલીઓના સતત સંપર્કમાં રહીએ છીએ અને જરૂર હોય ત્યારે વાલીસભાઓ પણ કરીએ છીએ.”

અન્ય સમાચારો પણ છે...