બીજી લહેરમાં લોકડાઉનમાં નિયંત્રણો હળવા કરવામાં આવ્યા પછી રસ્તીઓ પર નાગરિકો, વાહનોની ભીડ ચિક્કાર વધી રહી છે. કારખાનાં, કંપનીઓ શરૂ થઈ ગઈ છે, જેને લીધે પ્રદૂષણની સૌથી વધુ અસર હવા પર થતી હોય છે એવું માનવામાં આવે છે. જોકે આ વખતે સફર સંસ્થા દ્વારા આખા મુંબઈ શહેરની હવાની ગુણવત્તા ઉત્તમ હોવાની નોંધ કરવામાં આવી છે, જે કોરોનાના ઉદાસીન કાળ વચ્ચે દિલાસાદાયક છે. મુંબઈના અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ઓછું થયું હોઈ તે સંતોષકારક હોવાની નોંધ સફર દ્વારા કરવામાં આવી છે.
અનેક ઠેકાણે સંતોષકારક અને અમુક ઠેકાણે ઉત્તમ હવાની ગુણવત્તાનો નિર્દેશાંક નોંધવામાં આવ્યો છે. મુંબઈમાં આખા શહેરની હવાની ગુણવત્તાનો નિર્દેશાંક મંગળવારે સવારથી ઉત્તમ હોવાની નોંધ કરવામાં આવી હતી. ભાંડુપ, કોલાબા, મલાડ, મઝગાવ, બોરીવલી, બીકેસી અને અંધેરી વિસ્તારમાં હવા સંતોષકારક હોવાની નોંધ કરવામાં આવી છે. આ સર્વ વિસ્તારોમાં હવાની ગુણવત્તાનો નિર્દેશાંક 40થી 50 દરમિયાન નોંધવામાં આવ્યો છે.
દરમિયાન વરલી, ચેમ્બુર, અંધેરી અને નવી મુંબઈ વિસ્તારમાં ઉત્તમ ગુણવત્તાની હવાની નોંધ કરવામાં આવી છે. આખા મુંબઈ શહેરની હવાની ગુણવત્તાનું પીએમ (પર્ટિક્યુલેટ મેટર, જે વાયુજન્ય કણ છે) 10 ઉત્તમ, એક્યુઆઈ 050 નોંધ કરવામાં આવ્યો છે. વરલીમાં તે પીએમ 2.5 ઉત્તમ, એક્યુઆઈ 028, ચેમ્બુરમાં પીએમ 20 ઉત્તમ, એક્યુઆઈ 047, અંધેરીમાં પીએમ 10 ઉત્તમ, એક્યુઆઈ 039, નવી મુંબઈ પીએમ 10 ઉત્તમ, એક્યુઆઈ 048 નોંધવામાં આવ્યો છે.
આ વિસ્તારોમાં ગુણવત્તા સંતોષકારક : ભાંડુપમાં પીએમ 03, એક્યુઆઈ 076, કોલાબામાં પીએમ 10, એક્યુઆઈ 076, મલાડમાં પીએમ 2.5, એક્યુઆઈ 066, મઝગામ પીએમ 2.5, એક્યુઆઈ 061, બોરીવલી પીએમ 2.5, એક્યુઆઈ 060, બીકેસી પીએમ 10, એક્યુઆઈ 059 નોંધાયો છે.
ગુણવત્તા તપાસવા 25 મથક
સફર (સિસ્ટમ ઓફ એર ક્વોલિટી વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ) અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળ દ્વારા 24 કલાક સુધી હવાની ગુણવત્તાના ડેટા દર્શાવવા માટે મુંબઈમાં 24 કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન્સ સ્થાપવામાં આવ્યાં. મહાપાલિકા દ્વારા આગામી ત્રણ વર્ષમાં આવાં વધુ પાંચ મથકો ગોઠવવા માટે રૂ. 10.91 કરોડ ખર્ચ કરવાનો નિર્ણય લેવાયો છે.
ગુણવત્તા આ રીતે નક્કી થાય છે
શૂન્ય અને 50 વચ્ચે એક્યુઆઈ (એર ક્વોલિટી ઈન્ડેક્સ) હોય તો તે ઉત્તમ ગણવામાં આવે છે, 51થી 100 સંતોષકારક, 101થી 200 મધ્યમ, 201થી 300 વચ્ચે નબળી, 301થી 400 અત્યંત નબળી અને 401થી 500 વચ્ચે તીવ્ર નબળી હવાની ગુણવત્તા માનવામાં આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.