તળ મુંબઈમાં સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલયે આજે (10 જાન્યઆરી)ના શતાબ્દિ વર્ષમાં પ્રવેશ કર્યો છે. મ્યુઝિયમના ઈતિહાસ સાથે દેશની સાંસ્કૃતિક ચળવળમાં પણ આ સીમાચિહનરૂપ ઘટના છે. મ્યુઝિયમે આ વર્ષોમાં દેશના વારસાની કસ્ટોડિયનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 10 જાન્યુઆરી, 1922ના મ્યુઝિયમનાં દ્વાર ખૂલ્યાં હતાં, પરંતુ તેનો વિચાર તત્કાલીન બોમ્બેને સાંસ્કૃતિક વારસો ભેટ આપવો જોઈએ એવી ઈચ્છા સાથે જૂજ જોશીલા નાગરિકોએ આ વિચાર વર્ષ 1904માં વહેતો મૂક્યો હતો.
1904માં ગવર્નમેન્ટ ઓફ બોમ્બે પ્રેસિડેન્સી દ્વારા ઠરાવ કરાયો હતો અને બોમ્બેમાં જાહેર મ્યુઝિયમ ધરાવવાની આર્થિક વ્યવહારુતા નક્કી કરવા કમિટી રચવામાં આવી હતી. શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો સર ફિરોઝશાહ મહેતા, સર ઈબ્રાહિમ રહિમતુલ્લા અને સર વિઠ્ઠલદાસ ઠક્કરસી કમિટીના સભ્ય હતા. મ્યુઝિયમ ઓફ આર્ટ એન્ડ આર્કેયોલોજીને મ્યુઝિયમ ઓફ સાયન્સ એન્ડ નેચરલ હિસ્ટરી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ આર્ટ સાથે જોડવાનો પ્રસ્તાવ મુકાયો હતો. બોર્ડના સભ્યો ઈચ્છતા હતા કે મ્યુઝિયમે બાળકો અને યુવાનો સહિત મુલાકાતીઓને પ્રેરણા આપવી જોઈએ અને તેનો મુખ્ય હેતુ શૈક્ષણિક હોવો જોઈએ.
નેચરલ હિસ્ટરી સેકશનનો ઉમેરો : 1923માં નેચરલ હિસ્ટરી સેકશનનો ઉમેરો કરવામાં આવ્યો હતો, જે બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી અને મ્યુઝિયમના ટ્રસ્ટીઓએ સંયુક્ત રીતે સ્થાપ્યો હતો. બોમ્બે ટાપુના ખનીજોનું આકર્ષક કલેકશન જેમી રિબેરોએ ભેગું કરીને દાન કર્યું હતું. વિખ્યાત ઓર્નિથોલોજિસ્ટ ડો. સલીમ અલી આ સેકશનના સૌપ્રથમ ગાઈડ લેક્ચરર હતા. 2019માં મુંબઈમાં પ્રથમ બાળકોનું મ્યુઝિયમ શરૂ કરાયું હતું. દર વર્ષે દેશવિદેશમાંથી લાખ્ખો લોકો મ્યુઝિયમમાં આવે છે. તે અનેક પ્રદર્શનો અને લેક્ચર પણ યોજે છે.
સૌપ્રથમ બુદ્ધાના પ્લાસ્ટર કાસ્ટ મુકાયું
1906માં સૌપ્રથમ બુદ્ધનું પ્લાસ્ટર કાસ્ટ માથું મુકાયું હતું અને લોકવૂડ કિપલિંગ દ્વારા તે દાન કરાયું હતું. મીરપુરખાસની બુદ્ધિસ્ટ સાઈટમાંથી અમૂલ્ય કળાકૃતિઓ, જે નામાંકિત આર્કેલોજિસ્ટ હેન્રી કાઉસેને 1909માં ખોદી કાઢી હતી તે મ્યુઝિયમના કલેકશનનો હિસ્સો છે. સેઠ પુરુષોત્તમ માવજીનાં એન્ટિક્વિટીઝ અને મિનિયેચર્સનું કલેકશન ટ્રસ્ટીઓએ 1915માં ખરીદી કર્યું હતું. આ પછી આર્કેયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા પાસેથી પ્રાપ્ત એન્ટિક્વિટીઝે મ્યુઝિમની શોભામાં અભિવૃદ્ધિ કરી છે.
70,000 વસ્તુઓ
એક સદીમાં મ્યુઝિયમમાં આજે 70,000 વસ્તુઓ છે, જે દરેક પૂર્વઐતિહાસિક સમયથી વર્તમાન સુધી ભારતીય ઉપખંડની માનવી વાર્તા કહે છે. સર અકબર હૈદરી, અલમા લતિફી, અમરાવતી ગુપ્તા, કાર્લ ખંડાલાવાલા, વીણા શ્રોફ, ડો. ફિરોઝા ગોદરેદ, પૌલીન રોહતગી, અર્ન્સ્ટ અને મિશ્ચા જેન્કલ, કુલદીપ સિંહે પણ સમયાંતરે આપેલી ભેટ કલેકશનનો હિસ્સો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.