પથારીવશ બીમાર લોકોને મુંબઈ મહાપાલિકા દ્વારા ઘેર ઘેર જઈને રસીકરણ કરવામાં આવ્યું તેમાં કોઈ વિપરીત પરિણામ દેખાયું નહીં તે બહુ જ પ્રોત્સાહનજનક છે, એવી નોંધ મુંબઈ હાઈ કોર્ટે ગુરુવારે કરીને અન્યત્ર પણ તેનું પાલન થવું જોઈએ એવી હિમાયત કરી હતી.
મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્ત અને ન્યાયમૂર્તિ જી. એસ. કુલકર્ણીની ડિવિઝન બેંચે કહ્યું કે રાજ્યની અન્ય તમામ સંસ્થાઓ અને જિલ્લા પરિષદોએ આનું પાલન કરવું જોઈએ. ડોર-ટુ-ડોર રસીકરણ અભિયાન 30 જુલાઈએ મુંબઈમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયો હતો.મહાપાલિકાએ બુધવારે હાઈ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી 4,889 પથારીવશ લોકોએ ઘરે રસીકરણ માટે નોંધણી કરાવી છે અને તેમાંથી 1,317 લોકોને રસી આપવામાં આવી છે. રસીકરણ પછી વિપરીત અસરનો એક પણ કેસ નોંધાયો નથી.
કોર્ટે કહ્યું, આ ખૂબ જ પ્રોત્સાહક છે, અમને સંતોષ છે કે મહાપાલિકા સાચી દિશામાં આગળ વધી રહી છે. અમે આશા રાખીએ છીએ અને માનીએ છીએ કે આવા વધુ લોકો ઘેર ઘેર રસીકરણ અભિયાનમાં જોડાશે. ખંડપીઠે એડવોકેટ ધૃતિ કાપડિયા અને કુણાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિત અરજીની સુનાવણી કરી હતી, જેમાં કેન્દ્ર સરકારને 75 વર્ષથી વધુ ઉંમરના, વ્હીલચેર, અક્ષમ અને જેઓ પથારીવશ અથવા પથારીમાં છે તેમના માટે ડોર-ટુ-ડોર રસીકરણ શરૂ કરવા માટે નિર્દેશ આપવાની માગણી કરી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આવા લોકો રસીકરણ કેન્દ્રોમાં જઈ શકતા નથી. કેન્દ્રએ ડોર-ટુ-ડોર રસીકરણ અભિયાન શરૂ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્ર સરકારે ગયા મહિને કહ્યું હતું કે તે આ અભિયાન શરૂ કરશે અને તેના માટે નીતિ ઘડશે. આ અભિયાન મુંબઈમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયો હતો.કાપડિયાએ ગુરુવારે કોર્ટને જણાવ્યું હતું કે મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને ઘરે ઘરે રસીકરણ ડ્રાઇવ શરૂ કરી છે.
બેન્ચે કહ્યું, “અમે રાજ્યની અન્ય તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લા પરિષદોને રાજ્ય સરકારની નીતિ અનુસાર અને મહાપાલિકા દ્વારા અપનાવવામાં આવેલા પેટર્નને અનુસરીને બીમાર પથારીવશ લોકોને ઘરે ઘરે રસીકરણ માટે પગલાં લેવા પ્રોત્સાહિત કરીએ છીએ. કોર્ટે આ મામલે સુનાવણીની આગામી તારીખ 9 સપ્ટેમ્બર નક્કી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.