પ્રવાસીઓની સુરક્ષા વધારવા અને ટ્રેનની ગતિ વધારવા માટે વાનગા - દહાણુ રોડ વચ્ચે રવિવારે આઠ કલાકનો મેગા ટ્રાફિક બ્લોક લઈને પશ્ચિમ રેલવે દ્વારા કાયમી ડાઈવર્ઝનનું કામ સફળતાથી પૂર્ણ કરવામાં આવ્યું છે.મુંબઈ ઉપનગરીય સેકશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશનમાં આ વધુ એક વધારો થયો છે. વિરાર- સુરત સેકશનમાં ડાઉન લાઈન પર વાનગાવ- દહાણુ વચ્ચે કાયમી ડાઈવર્ઝન ખોલવાનું કાર્ય સફળતાથી પૂરું કરાયું છે.
મોજૂદ પાટાઓના એલાઈનમેન્ટમાં પરિમાણીય અવરોધને લીધે આ સેકશન પર ટ્રેનો પ્રતિકલાક 30 કિમી સુધી નિયંત્રિત રાખવી પડતી હતી. જોકે હવે લોકલ ટ્રેનો બહેતર ગતિ સાથે દોડી શકશે, એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.મેગા બ્લોક દરમિયાન સેકશનની મોજૂદ ડાઉન લાઈન ડિસ્કનેક્ટ કરાઈ હતી અને ઓવરહેડ ઈક્વિપમેન્ટ અને નવાં સિગ્નલો સાથે નવું એલાઈનમેન્ટ કનેક્ટ કરાયું હતું. સ્ક્રુ પાઈલ ફાઉન્ડેશન પર નિર્માણ કરાયેલો મોજૂદ પુલ નં. 166 અને 169 ફેરબદલી કરાયો છે.
નવા પુરો ઓપન વેબ સ્ટીલ ગર્ડર પર નિર્માણ કરવામાં આવ્યા છે. આને કારણે પુલની સુરક્ષા અને સ્થિરતા સુધરશે અને ટ્રેનો બહેતર સ્પીડ સાથે દોડી શકશે. નોંધનીય છે કે નવા પુલનું ફેબ્રિકેશન કાર્ય પશ્ચિમ રેલવેના સાબરમતી વર્કશોપ ખાતે વિભાગીય રીતે પાર પાડવામાં આવ્યું હતું.
300 શ્રમિકોની મહેનત
ડાઈવર્ઝનનો અમલ કરવા માટે ભારે મશીનરી અને ટ્રેક મશીનો સાથે આશરે 300 શ્રમિકો કામે લગાવવામાં આવ્યા હતા. કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પ્રસ્તાવિત ડાઈવર્ઝનનું પરીક્ષણ કરાયું હતું અને તે શરૂ કરવા અધિકૃતિ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.