ST હડતાળ તીવ્ર:કામે ચઢેલા કર્મચારીઓ પાછા હડતાળમાં

મુંબઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિવિધ માગણીઓને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચાલતી હડતાળ બાદ કામે ચઢેલા એસટી કર્મચારીઓ ફરીથી હડતાળમાં જોડાઈ જતાં તે વધુ તીવ્ર બની છે. 3171 કર્મચારીઓ કામે ચઢ્યા પછી ફરીથી હડતાળમાં જોડાઈ ગયા છે, જેને લઈ હાલમાં 88,122 કર્મચારીઓ હડતાળ પર છે.કર્મચારીઓ પર શક્ય તે કાર્યવાહી કરીને પરિવહન ફરીથી શરૂ કરવાનો પ્રયાસ એસટી મહામંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જોકે આ પ્રયાસોને હજુ પણ સફળતા મળી નથી.

દરમિયાન રવિવારે બપોર સુધી 14 પ્રશિક્ષણાર્થી કામગારોને નિયુક્તિ પત્ર આપીને મહામંડળે કામે હાજર કરાવી લીધા હતા. કામગારોની વિલીનીકરણની માગણી માટે પરિવહન મંત્રી અનિલ પરબ હકારાત્મક હોવા છતાં મહામંડળ એસટી હડતાળને કચડવાના ઉપાય કરી રહ્યું છે, એવો આરોપ આઝાદ મેદાનમાં આંદોલન કરતા કર્મચારીઓએ કર્યો છે. આના વિરોધમાં ડ્રાઈવરો, કંડક્ટરો સાથે વર્કશોપ અને પ્રશાસકીય વર્ગના કુલ 3171 કર્મચારી ફરીથી હડતાળમાં દાખલ થયા છે. ચલો મુંબઈ નારો આપીને આઝાદ મેદાનમાં આંદોલનકારીઓ ભેગા થઈ રહ્યા છે.

મહાનંડળે આપેલી માહિતી અનુસાર રવિવારે કામે હાજર થયેલા કર્મચારીઓની સંખ્યા 4144 હતી, જ્યારે હડતાળમાં ભાગ લેનારા કર્મચારીઓની સંખ્યા 88122 છે. શનિવારે હાજર થયેલા કર્મચારીઓની સંખ્યા 7315 અને હડતાળમાં ભાગ લેનારા કર્મચારીઓની સંખ્યા 84,951 હતી.

ખાનગી બસ ચાલકો ફાવી ગયા
ખાનગી બસ, ટ્રાવેલ્સ ચાલકોએ એસટીના દરમાં સેવા આપવી એવો આદેશ સરકારે આપ્યો છે, પરંતુ તેમની પર દેખરેખ રાખનાર કોઈ નહીં હોવાથી ખાનગી બસ ચાલકો ફાવી ગયા છે. મુંબઈ-કોંકણ, મુંબઈ- નાશિક, મુંબઈ- કોલ્હાપુર, મુંબઈ- સાતારા, મુંબઈ- બીડ માર્ગ પર ખાનગી સેવા પુરવઠાદાર એસટી ટિકિટના બેગણા ભાવ વસૂલ કરી રહ્યા છે. વધુ ટિકિટદર લેનારા ખાનગી ટ્રાવેલ પર પરિવહન કમિશનર, પ્રાદેશિક પરિવહન અધિકારી કાયમ કાર્યવાહી કરે છે, પરંતુ હાલમાં તેવું કશું દેખાતું નથી. આને કારણે અંતે એસટી પ્રવાસ પર નભતા લાખ્ખો પ્રવાસીઓ હેરાનપરેશાન છે.

અન્ય સમાચારો પણ છે...