ભાસ્કર વિશેષ:મુંબઈ નજીક એલિફન્ટા ટાપુની ટૂંક સમયમાં કાયાપલટ કરાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસીઓ માટે ટોય ટ્રેન, મનોરંજન કેન્દ્ર સહિત શુદ્ધ પાણીનો પ્રકલ્પ પણ ઊભો કરવામાં આવશે

વિશ્વમાં જાણીતા મુંબઈ નજીકના ધારાપુરી ટાપુ એટલે કે એલિફન્ટા ટાપુની ટૂંક સમયમાં કાયાપલટ કરવામાં આવશે. 2021માં મંજૂર થયેલ વિકાસ રૂપરેખાના કામની તરત અમલબજાવણી કરવાનો આદેશ રાજ્ય સરકારે આપ્યો છે. આ રૂપરેખામાંથી ટાપુ પર બેટરી પર ચાલતી ટોય ટ્રેન શરૂ કરવામાં આવશે. જેટ્ટીથી ટાપુના પ્રવેશદ્વાર સુધી એક કિલોમીટરનું બોગદુ ખોદવામાં આવશે. એ સાથે જ ભવ્ય ઉદ્યાન, મનોરંજન કેન્દ્ર ઊભા કરવામાં આવશે અને શુદ્ધ પાણીનો પ્રકલ્પ પણ શરૂ કરવામાં આવશે. એના લીધે પર્યટનને ઉતેજન મળશે.

ટાપુ પર રહેતા નાગરિકોને પાણી પુરવઠો કરતા ડેમમાં ગળતર થઈ રહ્યું છે. જળમિશન યોજના અંતર્ગત આ ડેમના રિપેરીંગ માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ કામ માટે 5 કરોડ રૂપિયા કરતા વધારે ભંડોળ આપવામાં આવશે. ટાપુ પર આવતા અતિમહત્વના વ્યક્તિઓ માટે બંદર વિભાગના માધ્યમથી સ્વાગત કક્ષ બાંધવામાં આવશે. શિવરી-ન્હાવા શેવા સીલિન્કથી અસરગ્રસ્ત ટાપુ પરના માછીમારોને વહેલાસર નુકસાન વળતર આપવામાં આવશે.

એલિફન્ટા ટાપુના વિકાસ માટે પર્યટન વિભાગે વિકાસ રૂપરેખા તૈયાર કરી છે. એને 8 સપ્ટેમ્બર 2021ના ભારતીય પુરાતત્વ વિભાગ તરફથી મંજૂરી પણ આપવામાં આવી છે. જો કે કામની અમલબજાવણી હજી થઈ નહોતી. આ બાબતે ગ્રામપંચાયતે રાયગડના પાલકમંત્રી અદિતી તટકરેને નિવેદન આપવામાં આવ્યું હતું. એ અનુસાર ટાપુ પર વિવિધ સરકારી વિભાગના અધિકારીઓની બેઠક અદિતી તટકરેએ લીધી હતી.

આ બેઠકમાં ભારતીય પુરાતત્વ વિભાગના પ્રભારી અધિકારી કૈલાસ શિંદે, એમટીડીસીના સહાયક એન્જિનિયર નાગરે, ઉરણના તહેસીલદાર ભાઉસાહેબ અંધારે, નવી મુંબઈના પોલીસ ઉપાયુક્ત શિવરાજ પાટીલ, સરપંચ બળીરામ ઠાકુર, ઉપસરપંચ સચિન મ્હાત્રે, સભ્ય મંગેશ આવટે, ભરત પાટીલ, લઘુઉદ્યોગ સંગઠનના અધ્યક્ષ રમેશ પાટીલ, વિવાદમુક્તિ કમિટીના અધ્યક્ષ સોમેશ્વર ભોઈર, તેમ જ ભૂતપૂર્વ અને વિદ્યમાન પદાધિકારી અને મહેસૂલ વિભાગના અધિકારી વૈજનાથ ઠાકુર, ભાવના ઘાણેકર વગેરે પદાધિકારીઓ અને ગામવાસીઓ મોટી સંખ્યામાં બેઠકમાં ઉપસ્થિત હતા.

28 સ્થાનિક યુવક ટુરિસ્ટ ગાઈડ બન્યા
ધારાપુરીમાં એટલે કે એલિફન્ટામાં છેલ્લા અનેક વર્ષોથી ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરતા 28 યુવકોને ધારાપુરી ગ્રામપંચાયતે થોડા દિવસ પહેલાં ઓળખપત્ર આપ્યા હતા. આ યુવકોની ટુરિસ્ટ ગાઈડ તરીકે અધિકૃત નિમણુક થાય એ માટે પુરાતત્વ વિભાગ અને પર્યટન વિભાગ પાસે પ્રયત્ન કરવામાં આવતા હતા. તેથી ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરતા ધારાપુરી ટાપુ પર સંબંધિત સરકારી અધિકારીઓ તરફથી થતું રોડાં નાખવાનું કામ બંધ થશે.

ધારાપુરી ખાતે લોકલ ગાઈડ તરીકે કામ કરતા યુવકો પાસે ઓળખપત્ર ન હોવાથી સંબંધિત સરકારી અધિકારી તરફથી અડચણ ઊભી કરવામાં આવે છે. તેથી આ સ્થાનિક યુવકો પર બેરોજગારીનું સંકટ તોળાયું હતું. સ્થાનિક યુવકોને રોજગાર ઉપલબ્ધ કરી આપવા લોકલ ગાઈડ તરીકે કામ કરતા યુવકોને ઓળખપત્ર મળે એ માટે બંને વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી હતી. એના પરિણામ સ્વરૂપ ઘારાપુરીના લોકલ ગાઈડ તરીકે કામ કરતા 28 યુવકોને ઓળખપત્ર આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...