ચેમ્બુર સિદ્ધાર્થનગરના રહેવાસીઓનાં વીજબિલનાં લેણાં રૂ. 102 કરોડ થઈ ગયાં છે. અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા તેમનું વીજજોડાણ કાપી નાખવામાં આવ્યાં હતાં, જે પછી વિવાદ સર્જાતાં ફરીથી પુરવઠો પૂર્વવત કરાયો છે. માનવતાના ધોરણે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી નહીં થાય તે માટે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો છે, એમ તેના પ્રવક્તાએ જણાવ્યું છે.
સિદ્ધાર્થ નગરના રહેવાસીઓએ 2005માં દાવો કર્યો હતો કે તેમની જગ્યાનું રિડેવલપમેન્ટ કરનારો ડેવલપર તેમનાં વીજ બિલનાં લેણાં ચૂકવી દેશે. જોકે આજ સુધી રિડેવલપમેન્ટનું કોઈ ઠેકાણું નથી. આથી હવે વીજ બિલનાં લેણાં હવે રૂ. 102 કરોડ સુધી પહોંચી ગયાં છે. લેણાં વસૂલ કરવા જ્યારે પણ વીજ વિતરણ કંપની પ્રયાસ કરે ત્યારે સ્થાનિકો આંદોલન અને વિરોધ કરીને પ્રયાસ રોકે છે.
કંપની અનુસાર વીજચોરી અને લેણાંને કારણે નિયમિત પૈસા ચૂકવનારા ગ્રાહકો પર પણ તેનો બોજ આવે છે. આ મુજબ વીજળી ધારા હેઠળ દરેક વીજ વિતરણ કંપનીએ ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવા ટે વીજચોરી અને લેણાં વસૂલ કરવા પગલાં લેવાની જવાબદારી છે.
સિદ્ધાર્થ નગરના રહેવાસીઓને ટેકો આપવામાં આવ્યો છે અને તેઓ તુરંત વીજ બિલ લેણાં ચૂકવવાનું શરૂ કરશે એવી બાંયધરી આપવાને લીધે તેમનો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો. જોકે અમુક સ્થાપિત હિતો રહેવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને બધા હિસ્સાધારકોના હિતમાં આ મુદ્દાનો ઉકેલ લાવવા કંપનીના પ્રયાસમાં અવરોધ પેદા કરી રહ્યા છે.પ્રવક્તાએ જણાવ્યું હતું કે સિદ્ધાર્થ નગરના રહેવાસીઓ તેમનાં લેણાં ચૂકવ્યાં નથી છતાં વીજ પુરવઠો તેમનો અધિકાર માને છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.
રહેવાસીઓએ વીજ બિલ ભરવાનું શરૂ કરશે એવી બાંયધરી આપતાં માનવતાને ધોરણે અમે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો છે.જોકે આ ડિફોલ્ટરો લેણાં ચૂકવતા નથી અને અમારા કર્મચારીઓ અને ભાગીદારો ઘેર ઘેર લેણાંની વસૂલી કરવા જાય અથવા કાયદેસર રીતે વીજજોડાણ કાપવા જાય ત્યારે અવરોધ પેદા કરે છે. અમારા કર્મચારીઓ પ્રતિકાર, શોષણ અને ખતરાનો સામનો કરી રહ્યા છે. વાસ્તવમાં ઘણા બધા વીજ જોડાણ કપાયેલા ગ્રાહકોએ વીજ ચોરી કરવાનું શરૂ કરી દીધું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.