તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જમીન ગોટાળામાં એકનાથ ખડસેની ઈડી દ્વારા નવ કલાક સુધી પૂછપરછ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્હોટ્સએપ પર કુછ તો હોનેવાલા હૈ એવો મેસેજ ફેરવવામાં આવી રહ્યો છેઃ ખડસે

ભાજપમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં પ્રવેશ કરનારા એકનાથ ખડસેની પુણેના ભોસરી ખાતે જમીન ગોટાળામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા બીજી વાર આકરી પૂછપરછ કરવામાં આવી હતી. ખડસેએ ઈડીની દક્ષિણ મુંબઈ સ્થિત ઓફિસમાં જવા પૂર્વે હું તપાસમાં સંપૂર્ણ સહયોગ આપીશ, પરંતુ રાજકીય હેતુથી મારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ જણાવ્યું હતું. ખડસેને બુધવારે ઈડીએ સમન્સ પાઠવ્યા હતા. આ મુજબ ગુરુવારે સવારે ઈડી ઓફિસમાં પહોંચ્યા હતા, જે પછી ચાર અધિકારીઓએ તેમનું નિવેદન નોંધ્યું હતું. નવ કલાક પછી તેઓ ઈડી ઓફિસમાંથી બહાર આવ્યા હતા.

પાંચ વર્ષથી જે પ્રકરણની તપાસ ચાલી રહી છે તેમાં હવે કાર્યવાહી થઈ રહી છે. મારી પત્ની અને જમાઈએ ખાનગી જમીન ખરીદી કરી હતી તે વ્યવહારની તપાસ કરવામાં આવી રહી છે. ભાજપ સાથે છેડો ફાડ્યો ત્યારથી મારી પાછળ તપાસ લગાવવામાં આવી છે. આ તપાસ અંગે મને શંકા જાય છે. તેનું એક કારણ એ છે કે છેલ્લા થોડા દિવસોથી જલગામમાં અમુક વ્હોટ્સએપ ગ્રુપ પર એવો મેસેજ ફરી રહ્યો છે કે કુછ તો હોનેવાલા હૈ. મેં રાષ્ટ્રવાદીમાં પ્રવેશ કર્યો ત્યારથી મને અને મારા કુટુંબીઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

ઈડીએ અગાઉ પણ આ પ્રકરણે ખડસેની પૂછપરછ કરી હતી. આ પછી 6 જુલાઈએ તેમના જમાઈ ગિરીશ ચૌધરીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તેની 13 કલાક પૂછપરછ કર્યા પછી બુધવારે સવારે ધરપકડ કરી હતી. તેને પીએમએલએની વિશેષ કોર્ટમાં હાજર કરાતાં 12 જુલાઈ સુધી ઈડીની કસ્ટડી આપવામાં આવી હતી.

ગોટાળો કઈ રીતે કરવામાં આવ્યો
68 વર્ષીય ખડસેએ ગયા વર્ષે ભાજપ સાથે છેડો ફાડીને એનસીપીનું ઘડિયાળ હાથમાં બાંધી લીધું હતું. પુણે પોલીસની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા એપ્રિલ 2017માં ખડસે, તેમની પત્ની મંદાકિની અને ચૌધરી સામે એફઆઈઆર દાખલ કરી હતી, જેમાંથી ઈડીનો કેસ ઊભો થયો છે.

ઠગાઈથી વેચાણ કરાર કરીને જમીન ખરીદી કરવાના આ સોદાને કારણે સરકારને રૂ. 61.25 કરોડનું નુકસાન થયું છે. આ વર્ષે જાન્યુઆરીમાં ખડસેની ઈડીએ છ કલાક સુધી પૂછપરછ કરી હતી.ચૌધરીએ જમીનના વાસ્તવિક મૂલ્યના 2.5- 3 ગણાથી વધુ વળતર મેળવવા માટે એમઆઈડીસીની જમીન હોવા છતાં તે પ્રાપ્ત કરવા અન્યો સાથે સાઠગાંઠ કરીને વેચાણ કરાર કર્યા હતા, એવો ઈડીનો આરોપ છે. આ જમીનની નોંધણી પ્રવર્તમાન મૂલ્ય રૂ. 31 કરોડ હોવા છતાં રૂ. 3.75 કરોડનો બહુ ઓછો દરે કરવામાં આવી હતી.

...અને ખડસેને રાજીનામું આપવું પડ્યું !
આ જમીન સોદો અને અન્ય અમુક કિસ્સા બહાર આવતાં 2016માં ખડસેએ તત્કાલીન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની કેબિનેટમાંથી મહેસૂલ મંત્રીપદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. આ સોદામાં તેમણે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાના આરોપ થયા હતા.

ખડસેએ એસીબી અને આવકવેરા વિભાગે મને ક્લીન ચિટ આપી છે એમ કહીને કશું ખોટું કર્યું નથી એવો દાવો કર્યો હતો. નોંધનીય છે કે મે 2016માં પુણે સ્થિત વેપારી હેમંત ગાવંડેએ બંડ ગાર્ડન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી આ કેસ બહાર આવ્યો હતો. આ ફરિયાદને આધારે પુણે એસીબીએ એફઆઈઆર દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...