રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ કરતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને હવે નવી માહિતી હાથ લાગી છે. ઠેર ઠેર દરોડા પાડ્યા પછી ઈડીને એવી માહિતી હાથ લાગી છે કે દેશમુખે ખાનગી બેન્કમાંથી નિયમોનું ઉલ્લઘન કરીને લોન લીધી હતી અને પછી તે પરિવારજનના નામની કંપનીઓમાં ફેરવી હતી.
આથી હવે ઈડીએ આ દિશામાં તપાસ શરૂ કરી છે. લોન પાસ કરવા માટે દેશમુખે ચોક્કસ શું કર્યું હતું. લોન તરીકે મળેલી રકમ પરિવારજનના નામની કંપનીમાં કઈ રીતે ફેરવી તેની ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈડીને એવી પણ માહિતી હાથ લાગી છે કે આમાંથી અમુક કંપનીઓ ખરેખર છે, જ્યારે અમુક ફક્ત કાગળ પર જ છે. આથી લોન લીધેલાં નાણાંનું શું કર્યું તે ઈડી જાણવા માગે છે.
નોંધનીય છે કે દેશમુખ અને તેમના પુત્રને અનેક વાર સમન્સ બજાવવા છતાં તેઓ વિવિધ કારણો આપીને ઈડી પાસે આવ્યા નથી. ઊલટું તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જ્યાં રાજ્ય સરકારે પણ દેશમુખ વતી એક અરજી કરી છે. દેશમુખનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ જો તેમની અરજી નકારી કાઢે તો ઈડી સામેજાતે હાજર થશે. આથી સુપ્રીમ કોર્ટના ચુકાદાની વાટ જોવાઈ રહી છે. નોંધનીય છે કે દેશમુખ પર તેઓ રાજ્યના ગૃહમંત્રી હતા ત્યારે આઈપીએસ અધિકારીઓની બદલીઓમાં નાણાંની લેણદેણ કરવાનો, મની લોન્ડરિંગ, બારવાળાઓ પાસેથી મહિને રૂ. 100 કરોડની વસૂલી કરવા પોલીસ અધિકારીઓને જણાવ્યું હોવાનો પણ આરોપ છે.
આને લઈ ઈડી દ્વારા અનેક વખત તેમનાં મુંબઈ- નાગપુરમાં ઘર, ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે અને કેટલાક દસ્તાવેજો હસ્તગત કરવામાં આવ્યા છે. તેને આધારે ઈડી દેશમુખની પૂછપરછ કરવા માગે છે, પરંતુ તેઓ હાજર થતા નથી. દરમિયાન ઈડી દ્વારા આ પ્રકરણમાં દેશમુખના અંગત સહાયકો સંજીવ પાલાંડે અને શિંદેની ધરપકડ કરી છે, જેઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. બીજી બાજુ દેશમુખ વિરુદ્ધ હાઈ કોર્ટના આદેશ પછી સીબીઆઈ પણ તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.