અમારી માગણી પૂરી નહીં કરશો તો ઈડી, એનઆઈએ અને સીબીઆઈની તપાસ કરાવીશું એવી ધમકી અજ્ઞાત વ્યક્તિએ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના અંગત સહાયક અને શિવસેનાના સેક્રેટરી મિલિંદ નાર્વેકરને વ્હોટ્સએપ પર આપવામાં આવી છે. નાર્વેકરે આ અંગે પોલીસ કમિશનર હેમંત નગરાલે પાસે લેખિત ફરિયાદ કરી છે.આ તપાસ ક્રાઈમ બ્રાન્ચે હસ્તક લીધી છે. અમને ફરિયાદ મળી છે, જેની તપાસ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આરોપીને ઝડપી લઈશું. એમ ક્રાઈમ બ્રાન્ચે સમર્થન આપ્યું હતું. જોકે મેસેજમાં માગણી શું કરી છે તે વિશે ટિપ્પણી કરવાનો તેમણે ઈનકાર કરી દીધો હતો.
નાર્વેકર ઠાકરેના અત્યંત વિશ્વાસુ છે. શિવસેનાના જૂથ પ્રમુખથી ઠાકરેના સેક્રેટરીથી હવે શિવસેનાના સેક્રેટરી સુધી તેમનો રાજકીય પ્રવાસ રહ્યો છે. મુંબઈ પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ગયા વર્ષે નાર્વેકરની પસંદગી થઈ છે.નાર્વેકર વર્ષો પૂર્વે માતોશ્રી પર શાખા પ્રમુખપદની મુલાકાત માટે ગયા હતા. તે સમયે ઉદ્ધવ ઠાકરેએ તેમની કુશળતા જોઈને પોતાના પીએમ બનાવી દીધા હતા.
હાલમાં જ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ નાર્વેકરે કોઈ પણ પરવાનગી લીધા વિના કોંકણના દાપોલીમાં સમુદ્રકિનારે બંગલો બાંધ્યો હોવાનો આરોપ કર્યો હતો. નાર્વેકરે દાપોલીના મુરુડ ગામમાં સમુદ્રકિનારે 72 ગૂંઠા જમીન લીધી છે. તેમાં કોઈ પણ પરવાનગી નહીં લેતાં ગેરકાયદેસર રીતે બે માળનો ભવ્ય બંગલો બનાવી રહ્યો છે એવો આરોપ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.