તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલન:આંદોલન દરમિયાન બળદગાડી પલટતાં કોંગ્રેસી નેતાઓ ગબડ્યા

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગધેડાઓનો ભાર ઊંચકવા બળદનો ઈનકાર એવું કહીને ભાજપની ટીકા

પેટ્રોલ- ડીઝલમાં ભાવવધારાના વિરોધ કરવા માટે મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપની આગેવાનીમાં શનિવારે બળગાડીમાં બેસીને આંદોલન કર્યું હતું. જોકે એકસાથે અનેક નેતાઓ ચઢી જતાં વજન સહન નહીં થતાં બળદગાડી તૂટી પડી હતી, જેને લઈ જગતાપ સહિત બધા જ કાર્યકરો રસ્તા પર પડી ગયા હતા.

દેશમાં એલપીજી ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. સામાન્ય જનતાના મનમાં આ બાબતના આક્રોશને વેચા આપવા માટે કોંગ્રેસ વતી મુંબઈમાં બળદગાડી મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બળદગાડી લાવવામાં આવી હતી. તેની પર ઊભા રહીને આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.બળદગાડીની ક્ષમતા કરતાં વધુ કાર્યકર્તાઓ ચઢી ગયા હતા.

વળી, એક જણ ગેસ સિલિંડર સાથે ચઢી ગયો હતો. આ બધાએ પછી ઘોષણાબાજી શરૂ કરી હતી. આંદોલનમાં તેઓ ગરમાટો લાવી રહ્યા હતા. જોકે બીજી બાજુ એકસાથે ઘણા બધા નેતાઓ બળદગાડીમાં ચઢી ગયા હોવાથી બળદને પણ વજન સહન કરવાનું મુશ્કેલ બની ગયું હતું. આથી થોડા સમય પછી અચાનક ગાડીએ પલટી મારતાં પલકવારમાં જગતાપ સહિત બધા નેતા- કાર્યકર્તા રસ્તા પર પડી ગયા હતા.

નેતાઓ- કાર્યકરો એકબીજા પર પડી જતાં અમુકને મૂગો માર લાગ્યો હતો, જ્યારે અમુકને ઉઝરડો પડ્યો હતો. એક કાર્યકર્તા થોડો સમય નીચે જ પડી રહ્યો હતો, જેથી તેને ગંભીર ઈજા થઈ હશે એવું લાગ્યું હતું, પરંતુ થોડી વારમાં તે પણ ઊભો થતાં બધાનો શ્વાસ હેઠો બેઠો હતો. આ પછી હસતારમતા, પ્રસંગની મજા લેતાં કાર્યકર્તાઓ આંદોલનની આગળની તૈયારીમાં નીકળી ગયા હતા.દરમિયાન ભાજપના મહારાષ્ટ્ર ઉપાધ્યક્ષ પ્રસાદ લાડે ટ્વીટ કરીને જણાવ્યું કે ગધેડાઓનો ભાર ઊંચકવાનો બળદનો ઈનકાર. તેમણે જગતાપને ટેગ કરીને કહ્યું કે માણસોએ ઝીલી શકાય તેટલું જ કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...