કાર્યવાહી:બોલીવૂડને ડ્રગ્સ સપ્લાય કરનારો ઝડપાયોઃ રિયા કેસ પછી ડ્રગ્સના ભાવ ડબલ-ટ્રિપલ

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફૂડ ડિલિવરી કંપની અને કેબ કંપનીની આડમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ દરમિયાન બોલીવૂડ અને ડ્રગ્સ કનેકશનની ચર્ચા છવાઈ છે ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાંચે બોલીવૂડ હસ્તીઓને વર્ષોથી ડ્રગ્સ સપ્લાય કરતા ડ્રગ પેડલર ઉસ્માન શેખ (40)ની ધરપકડ કરી છે. આ મામલે વધુ બે આરોપીની પણ ધરપકડ કરી છે. ઉસ્માન એક ફૂડ ડિલિવરી કંપની અને કેબ કંપનીના એજન્ટની આડમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આરોપી પાસેથી રૂ. 5.55 લાખની મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. ઉસ્માન અને તેના બે કર્મચારીઓ આ કૃત્યમાં સામેલ હતા.

ઉસ્માનને ડ્રગ્સ સપ્લાય કરનારની ઓળખ સરફરાઝ તરીકે થઈ છે.ડીસીપી અકબર પઠાણે જણાવ્યું હતું કે, નંદકુમાર ગોપાલે અને સંજીવ ગાવડેની ટીમે ન્યૂ લિંક રોડ ઓશિવરા ખાતે છટકું ગોઠવી ઉસ્માનની ધરપકડ કરી હતી. તેની પાસેથી 139 ગ્રામ એમડી ડ્રગ્સ હસ્તગત કરાયું છે. ઉસ્માને કબૂલ્યું છે કે, તે મોડેલિંગ અને ટીવી સિરિયલોની દુનિયામાં સંઘર્ષ કરે છે તેમને ડ્રગ્સ પહોંચાડતો હતો. તેના પુરાવા મોબાઇલ ફોનમાંથી મળી આવ્યા છે. તેના મોબાઈલ વ્હોટ્સએપ ચેટિંગમાં કેટલાક ફિલ્મી શબ્દો મળી આવ્યા છે, જેની લિંક્સ પણ બોલીવૂડ સાથે હોવાનું જણાય છે. જોકે, ક્રાઇમ બ્રાંચે કોઈ નામ જાહેર કર્યાં નથી. ઉસ્માનને ડ્રગ્સ સપ્લાય કરનાર સરફરાઝની પણ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ઉસ્માન સાથે કામ કરતી એક વ્યક્તિ પણ ઝડપાઈ છે.

આ રીતે ડ્રગ પહોંચાડાય છે:
મુંબઇ પોલીસ તેના મોબાઇલની આખી સીડીઆર અને વ્હોટ્સએપ ચેટિંગની તપાસ કરી રહી છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, શેખ એન્ડ ફૂડ ડિલિવરી કંપની અને કેબ કંપનીના ડ્રાઇવર તરીકે કામ કરતી વખતે ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલા હતો. તે પોતાની કારમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો અને ફૂડ ડિલિવરી બોય બનીને ગ્રાહકોને ડ્રગ્સ પહોંચાડતો હતો. તે ફોન, ટેલિગ્રામ ઉપરથી ઓર્ડર લેતો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ડ્રગ્સ મુસાફરની સીટ નીચે છુપાવાતું હતું, જેથી પકડાય ત્યારે તે મુસાફરો પર તમામ દોષ ઠાલવી શકે. ઉસ્માનની પહેલી વાર ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તે છેલ્લા એક વર્ષથી ડ્રગ્સના ધંધામાં સક્રિય હતો.

લોકડાઉનમાં ડ્રગ્સનો પુરવઠો: આરોપીએ કોરોના સંક્રમણ સમયગાળા દરમિયાન વાહન ચલાવવા માટે પાસ પણ મેળવ્યો હતો. એવું માનવામાં આવે છે કે તે જ સમયે તેણે સૌથી વધુ ડ્રગ્સ સપ્લાય કરી છે. મુંબઇ પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે આરોપી જે પ્રતિષ્ઠિત કંપનીઓ કે તેના પ્રતિનિધિ તરીકે કામ કરી રહી હતો, તેમને આ ડ્રગ્સના કેસ સાથે કોઈ લેવાદેવા નથી.

રિયા કેસ પછી રેટ ડબલ-ટ્રિપલ: ઉસ્માન શેખે જણાવ્યું હતું કે, ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની અને અનેક પેડલરોની ધરપકડ થયા પછી મુંબઇમાં ડ્રગ્સનું વેચાણ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં, તેમણે ડ્રગ્સના ભાવ બમણા કર્યા અને ઘણી વખત ત્રણ ગણો વધારો કર્યો, કારણ કે તે જાણે છે કે જે લોકો ડ્રગના વ્યસની છે.

અન્ય સમાચારો પણ છે...