હાઈકોર્ટનો નકાર:રાજકારણ માટે કોર્ટનો ઉપયોગ ના કરોઃ પરબ વિરુદ્ધમાં અરજી કરનારને સલાહ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરટીઓના સસ્પેન્ડેડ ઈન્સ્પેક્ટરની અરજી પર તુરંત સુનાવણી લેવા મુંબઈ હાઈકોર્ટનો નકાર

કોર્ટનો ઉપયોગ રાજકીય લડાઈ માટે નહીં કરવો જોઈએ એવી સલાહ આપીને હાઈ કોર્ટે નાશિકના પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ)ના સસ્પેન્ડેડ ઈન્સ્પેક્ટરની અરજી પર તુરંત સુનાવણી લેવાનો ઈનકાર કરી દીધો છે. અરજદાર ગજેન્દ્ર પાટીલે આરોપ કર્યો કે રાજ્યના પરિવહન વિભાગમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે. પાટીલે પરિવહન મંત્રી અનિલ પરબ અને અન્યો પર વિભાગમાં બદલીઓ અને બઢતીઓ સંબંધમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ કર્યો છે.

પાટીલ વતી વકીલે જણાવ્યું કે મારા અસીલે આરટીઓમાં મોટે પાયે થતા ભ્રષ્ટાચારની માહિતી ઉપરી અધિકારીઓને આપી હતી, પરંતુ અવાજ ઉઠાવવા માટે સસ્પેન્શનની સજા મળી છે. પાટીલે સીબીઆઈ પાસેથી સ્વતંત્ર તપાસની પણ માગણી કરી છે. મને પોતાની બાજુ રજૂ કરવાનો મોકો આપ્યા વિના સસ્પેન્ડ કરાયો છે. આરટીઓમાં ભ્રષ્ટાચાર ઉપરાંત સીમાની ચોકીઓ પર પણ ભ્રષ્ટાચાર થયો છે. બીએસ-4 વાહનોની ગેરકાયદે નોંધણી પણ થઈ રહી છે.

પોલીસ અધિકારી તેમના પદનો દુરુપયોગ કરીને અમુક ખાનગી ઓપરેટરો વિરુદ્ધના કેસનો નિકાલ લાવી રહ્યા છે. જોકે જસ્ટિસ એસ એસ શિંદે અને જસ્ટિસ એન જે જમાદારની ખંડપીઠને અરજીમાં કોઈ પણ પ્રકારની પાત્રતા જણાઈ નહીં. આથી તુરંત સુનાવણી લેવાનો ઈનકાર કરી દીધો હતો.

આ સાથે કોર્ટનો આવી રાજકીય લડાઈ માટે ઉપયોગ નહીં કરવો જોઈએ એવું પણ ખંડપીઠે જણાવ્યું હતું. કોર્ટે આ અરજી પર હવે 8 ઓક્ટોબરે આગામી સુનાવણી રાખી છે. આ અરજીમાં જે રીતે આરોપ કરાયા છે તેની સાથે ખંડપીઠે અરજદારનું સ્થાન તપાસવું જરૂરી છે અને પ્રતિવાદીની બાજુ પણ વિસ્તારથી સાંભળવી જોઈએ એવી નોંધ કરી હતી.

અનિલ પરબ મુશ્કેલીમાં
તાજેતરમાં પરિવહન મંત્રી અનિલ પરબને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મની લોન્ડરિંગ પ્રકરણમાં તપાસ માટે બોલાવ્યા હતા. સસ્પેન્ડેડ એપીઆઈ સચિન વાઝેએ પણ પરબ પર આરોપ કર્યા હતા. વાઝેએ એપ્રિલ 2021માં વિશેષ એનઆઈએ કોર્ટને લખેલા પત્રમાં આરોપ કર્યા કે પરબે એક ખાનગી ટ્રસ્ટમાંથી રૂ. 50 કરોડ વસૂલ કરવાના નિર્દેશ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...