ઉદઘાટન:રાજ્યમાં નોકરી માટે હવે ડોમિસાઈલ સર્ટિફિકેટ ફરજિયાત : ઉદ્યોગમંત્રી

મુંબઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભૂમિપુત્રોને નોકરીની તક ઉપલબ્ધ કરવા મહાજોબ્સ વેબસાઈટનું ઉદઘાટન

રાજ્યના ભૂમિપુત્રોને નોકરીની તક ઉપલબ્ધ થાય એ માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હસ્તે એમઆઈડીસીની મહાજોબ્સ વેબસાઈટનું ઉદઘાટન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ ઓનલાઈન પદ્ધતિથી આ વેબસાઈટનું ઉદઘાટન કર્યું. આ સમયે ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈ, કામદાર મંત્રી દિલીપ-વળસે પાટીલ, ઉદ્યોગ રાજ્યમંત્રી અદિતી તટકરે અને કૌશલ્ય વિકાસ મંત્રી નવાબ મલિક ઉપસ્થિત હતા. આ સમયે રાજ્યમાં નોકરી માટે ડોમિસાઈલ સર્ટિફિકેટ ફરજિયાત હશે એવી ઘોષણા ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈએ કરી હતી. એના લીધે મહાજોબ્સ પર નોંધણી માટે ડોમિસાઈલ જરૂરી હશે. 

કૌશલ્ય મનુષ્યબળ નિર્માણ કરવા પર અમારો ભાર રહેશે
ડોમિસાઈલ ફરજિયાત હોવાથી આપોઆપ ભૂમિપુત્રોને તક મળશે. કંપનીઓએ, ઉદ્યોગોએ એનો ફાયદો લેતા સ્થાનિકોને નોકરી આપવી, જેમની પાસે કૌશલ્ય નથી તે વિકસિત કરવા કૌશલ્ય વિકાસ વિભાગને એમાં જોડી લીધો છે એવી માહિતી દેસાઈએ આપી હતી. ૧૦૦ ટકા સ્થાનિકોને નોકરી અપાવ્યા વિના રહેશું નહીં. પણ તેમનો થોડા સમય માટે ઉપયોગ કરી લેવામાં આવે એવું ન થાય. તેમને કાયમીસ્વરૂપે નોકરી મળવી જોઈએ એમ દિલીપ વળસે પાટીલે જણાવ્યું હતું. નોકરી માટે ૧૭ એવા ક્ષેત્રો પસંદ કર્યા છે જેમાં નોકરીની તક મળી શકે છે. જેના લીધે ૯૫૦થી વધારે વ્યવસાય કરી શકાય છે. યુવાનોએ પાછળ ન રહેવું. બેરોજગારી ખતમ કરવાની સરસ તક છે. નોકરી માગનારા અને આપનારા બંનેને ભેગા કરવાનો પ્રયત્ન છે. અમે સર્વેક્ષણ કર્યું જેમાં ૫૦ હજારથી વધારે નોકરીઓ ઉપલબ્ધ છે. આ વેબસાઈટ માહિતી આપવા સહિત નોકરી મળે ત્યાં સુધી યંત્રણા કામ કરશે. મહારાષ્ટ્રમાં બેરોજગારી ખતમ થવા સાથે કૌશલ્ય મનુષ્યબળ નિર્માણ કરવા પર અમારો ભાર રહેશે એવી માહિતી સુભાષ દેસાઈએ આપી હતી. 

કોરોનાના કાળમાં ખૂબ ઓછા સમયમાં આ વેબસાઈટ ડેવલપ કરવામાં આવી
લોકડાઉન પછી રાજ્યમાં અત્યારે ૬૫ હજાર ઉદ્યોગધંધા શરૂ થયા છે. અનેક નવા ઉદ્યોગો આવી રહ્યા છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે દેશવિદેશની વિવિધ કંપનીઓ સાથે લગભગ ૧૭ હજાર કરોડના એમઓયુ કર્યા છે. ઉપરાંત નવા ઉદ્યોગો શરૂ કરવા માટે મહાલાયસંસ આપવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં ઉદ્યોગોમાં કુશળ, અર્ધકુશળ અને અકુશળ શ્રમિકોની માગ વધી છે. થોડા સમય પહેલાં કોરોનાના સંક્રમણને લીધે મોટા પ્રમાણમાં સ્થળાંતર થયું. આ શ્રમિકો પાછા ક્યારે આવશે એની ખાતરી નથી. તેથી ઉદ્યોગોમાં શ્રમિકોની અછત ન વર્તાય અને સ્થાનિકોને નોકરી મળે એ માટે મહાજોબ્સ વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. એમાં ઉદ્યોગ, શ્રમિક અને કૌશલ્ય વિકાસ વિભાગે કામ કર્યું છે. નોકરીની શોધ કરતા ઈચ્છુકોએ ફક્ત પોતાની માહિતી મહાજોબ્સ વેબસાઈટ પર આપવાની છે. એક વખત નોંધણી થયા બાદ વિવિધ કંપનીઓ તરફથી ઈચ્છુકોને નોકરીની તક ઉપલબ્ધ કરી આપવામાં આવશે. કોરોનાના કાળમાં ખૂબ ઓછા સમયમાં આ વેબસાઈટ ડેવલપ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...