ચોરીઓમાં વધારો:લોકલ ટ્રેન પકડવા માટે દોડધામ, ગિરદીને લઈ ચોરીઓમાં વધારો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફક્ત 4762 ગુનાઅો ઉકેલાયા, 5063 આરોપીઓની ધરપકડ કરાઈ

ઉપનગરીય રેલવે માર્ગમાં લોકલ પકડવા માટે દોડધામ, ગિરદીમાં સ્ટેશનમાં થતી ચોરીઓમાં વધારો થયાનું દેખાય છે. મધ્ય અને પશ્ચિમ રેલવે ઉપનગરીય માર્ગમાં જાન્યુઆરી 2019થી એપ્રિલ 2021 સુધી 40,457 ચોરીની ફરિયાદો નોંધવામાં આવી છે. એની સરખામણીએ ગુનો ઉકેલવાનું પ્રમાણ તદ્દન ઓછું છે. ફક્ત 4762 ગુનાઓની તપાસ કરવામાં પોલીસને સફળતા મળી છે. અત્યાર સુધી 5063 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચોરીઓ રોકવાનો મોટો પડકાર રેલવે પોલીસ સમક્ષ ઊભો છે.

ઉપનગરીય રેલવેમાં ગુનાઓ પર અંકુશ લાવવાની જવાબદારી રેલવે પોલીસની છે. રેલવે સુરક્ષા દળ પાસે રેલવેની માલમત્તાની સુરક્ષા કરવી અને રેલવે પોલીસને ગુનાઓનો ઉકેલ કાઢવામાં મદદ કરવાની જવાબદારી છે. રેલવે પ્રવાસીઓની સુરક્ષા હંમેશા મુખ્ય મુદ્દો છે. પણ ઓછા મનુષ્યબળને લીધે પ્રવાસીઓની સુરક્ષા કરતા રેલવે પોલીસ અને રેલવે સુરક્ષા દળ હંમેશા ઓછા પડે છે છતાં પ્રવાસીઓની સુરક્ષા માટે સજ્જ હોવાનો દાવો બંને પોલીસ વિભાગ તરફથી કરવામાં આવે છે.

જોકે ચોરીની ઘટનાઓમાં આ દાવા ખોટા પડ્યા છે. મોબાઈલ ચોરી, પાકીટ મારવું, સોનાની ચેન અને મંગળસૂત્રની ચોરી સાથે જ પ્રવાસીઓની લોકલના ડબ્બામાંથી બેગ ગુમ કરવાના ગુના લોકલમાં બનતા રહે છે. એ માટે પ્રવાસીઓ તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. પણ ગુનાઓની સફળ તપાસ કરીને પ્રવાસીઓની વસ્તુઓ પાછી મેળવવાનું પ્રમમાણ સરખામણીએ ઘણું ઓછું છે.

સૌથી વધુ મોબાઈલની ચોરી
રેલવે પ્રવાસમાં મોંઘા મોબાઈલ પર ચોરોની સૌથી વધુ નજર રહે છે. 2019થી એપ્રિલ 2021 સુધી 30,275 મોબાઈલની ચોરી થઈ છે. એમાં મધ્ય રેલવેમાં મોબાઈલની ચોરી વધારે છે. કુલ 19,521 મોબાઈલની ચોરીઓ થઈ. પશ્ચિમ રેલવેમાં 10,754 મોબાઈલની ચોરી થયાનું નોંધાયું છે. મધ્ય રેલવેમાં 2583 અને પશ્ચિમ રેલવેમાં 1742 મોબાઈલ પાછા મેળવવામાં આવ્યા છે. સોનાની ચેન, મંગળસૂત્રની ચોરી પણ કરવામાં આવે છે. મધ્ય રેલવેમાં 129 અને પશ્ચિમ રેલવેમાં 69 આવી ચોરી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...