યોજના:પ્રધાનમંત્રી આવાસ યોજના નાપસંદઃ કોંકણ મંડળનાં 50 ટકા ઘર જ વેચાયાં

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2018ની લોટરીનાં 3937 ઘરમાંથી 913 ઘર સરેન્ડર કરી દીધાં

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાંધવામાં આવેલાં મ્હાડાના પ્રકલ્પમાંથી પરવડનારાં ઘરોને સામાન્ય નાગરિકો પસંદ કરતાં નથી એવું બહાર આવ્યું છે. મ્હાડાના કોંકણ મંડળની 2018ની લોટરીનાં 3937 ઘરમાંથી 913 ઘર વિજેતાઓએ સરેન્ડર કરી દીધાં છે, જ્યારે 1045 ઘરોની અરજી નહીં આવતાં તે ખાલી પડ્યાં છે. 2022 સુધી બધાંને ઘર એવું કહીને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના રજૂ કરી હતી.

આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે મ્હાડા, સિડકો, ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ પ્રાધિકરણ અને અન્ય સરકારી ગૃહનિર્માણ યંત્રણાઓના માધ્યમથી 16 લાખથી વધુ ઘરોની નિર્મિતીનો ઉદ્દેશ રાખ્યો હતો. આ મુજબ મ્હાડા પાસેથી રાજ્યભરમાં હજારો ઘરોની બાંધણી કરવામાં આવી રહી છે. કોંકણ મંડળે 2018માં આ યોજના હેઠળ 3937 ઘરની લોટરી કાઢી હતી. આ ઘરો માટે લોટરી નીકળી ખરી, પરંતુ આ ઘરો તરફ સામાન્ય નાગરિકોએ પીઠ ફેરવી હોવાનું જણાયું છે.

માહિતી અધિકાર હેઠળ જણાયું છે કે 2018માં 9018 ઘર માટે લોટરી કાઢવામાં આવી હતી. આ લોટરીમાં કલ્યાણ ખાતે ખોણી અને શિરઢોણમાં પીએમએવાય યોજનાનાં 3937 ઘરોનો સમાવેશ થતો હતો. આ ઘરો માટે તે સમયે બહુ ઓછો પ્રતિસાદ મળ્યો હતો. ફક્ત 5860 અરજી આવી હતી. તેમાંથી 3937માંથી 1045 ઘર માટે અરજી નહીં આવી હોવાથી તે ખાલી રહ્યાં હતાં. લોટરી પછી 1045 ઘરને બાદ કરતાં 2891 ઘર માટેના વિજેતાઓ પાસેથી દસ્તાવેજો જમા કરીને તેમની પાત્રતા નિશ્ચિત કરવાનું કામ શરૂ થયું.

જોકે કુલ વિજેતામાંથી 913 જણે ઘર પાછી આપી દીધાં. આર્થિક મુશ્કેલીને લીધે ઘર પાછા આપી રહ્યા હોવાનું કારણ તેમણે આપ્યું હતું. 2018ની લોટરીને પ્રતિસાદ નહીં મળવાથી 1045 ઘરનો સમાવેશ 2021માં ગુરુવારે બહાર પાડવામાં આવેલી 8984 ઘરની લોટરીમાં કરવામાં આવ્યો હતો. જોકે તેમાં પણ પીએમએવાયમાં ઘરોને ઓછો પ્રતિસાદ મળ્યો છે.

લોટરી નકારવાનું શું કારણ હોઈ શકે
આર્થિક કારણો આપીને વિજેતાઓએ ઘર પાછાં તો આપી દીધાં, પરંતુ પીએમએવાયમાં મ્હાડાનાં ઘરો મુંબઈથી દૂર હોવાથી, હાલમાં તેને આવશ્યક સુવિધાઓ ઓછી હોવાથી અને પ્રકલ્પ પૂર્ણ થવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી વિજેતાઓએ ઘર નકારી કાઢ્યાં હોવાની ચર્ચા છે. જોકે મ્હાડાના કોંકણ મંડળના સીઈઓ નીતિન મહાજન દ્વારા આ વાત સાવ ખોટી હોવાનું જણાવ્યું છે.

ખોણી અને શિરઢોણમાં ટૂંક સમયમાં જ પાણી અને વીજ ઉપલબ્ધ થશે. રસ્તા અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. પ્રકલ્પ પૂરો કરવામાં થોડો વિલંબ જરૂર થયો છે, પરંતુ કોરોના તેને માટે કારણભૂત છે. આ સમયગાળામાં મજૂરો ઉપલબ્ધ નહીં થતાં કામ ધીમું પડ્યું હતું. જોકે હવે કામે ગતિ પકડી છે. આથી ટૂંક સમયમાં અમે ઘરનો કબજો આપવાનું શરૂ કરીશું, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...