તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુસુફ સાહેબ હવે માત્ર યાદોમાં...:લતા મંગેશકરે કહ્યું - દિલીપજી વકીલ બનીને મારો કેસ લડ્યા હતા; જીતી પણ ગયા, કહ્યું, ‘ખુશ રહેજે બહેન’

મુંબઇ2 મહિનો પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
  • કૉપી લિંક
લતા મંગેશકરે આ તસવીર બુધવારે 
સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. - Divya Bhaskar
લતા મંગેશકરે આ તસવીર બુધવારે સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.

બૉલિવૂડના ‘ટ્રેજેડી કિંગ’ દિલીપકુમારનું 98 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેમણે બુધવારે મુંબઇની પી. ડી. હિન્દુજા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તિરંગામાં લપેટાયેલો દિલીપકુમારનો પાર્થિવદેહ બુધવારે સાંજે મુંબઇના સાંતાક્રૂઝના જુહુ કબ્રસ્તાનમાં તેમનાં પત્ની સાયરાબાનુ તથા અન્ય ગણતરીના લોકોની હાજરીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દફનાવાયો. તેમના નિધન પર ભાસ્કરે સ્વર-સમ્રાજ્ઞી લતા મંગેશકર સાથે વાતચીત કરી. વાતચીતના સંકલિત અંશો.

આંખ બંધ કરીને સુપરહિટ ગીત ગાયું હતું
દિલીપ કુમાર સાથેની સૌથી રોચક યાદ એ છે કે તેમની સાથે ગીત ગાયું હતું. તેઓ સારું ગાતા હતા, પણ માઇક પર પહેલીવાર ગાઇ રહ્યા હોવાથી થોડા ગભરાયેલા હતા. સલીલ ચૌધરીજીએ કહ્યું- યુસુફ, તું જરાય ડરીશ નહીં, બસ ગાતો રહે. તારે જે ગાવાનું છે એ ગા. પછી તો તેમણે આંખો બંધ કરીને ક્લાસિકલ ગાવાનું શરૂ કરી દીધું, જે એટલું લાંબું ચાલ્યું કે સલીલદા તેમની સામે ઊભા રહીને બંધ કરો, બંધ કરોનો ઇશારો કરવા લાગ્યા, પણ તેમની આંખો બંધ હોવાથી તેઓ ગાતા ગયા, ગાતા ગયા. આંખો ખોલી તો જોયું કે સામે સલીલદા ઊભા હતા. તેમણે કહ્યું- યુસુફ, તેં બહુ સારું ગાયું. આ આપણે બીજે ક્યાંક યુઝ કરીશું. હવે જે ગીત કરવાનું છે એ કરીએ. આ રીતે એ ગીત રેકોર્ડ થયું. એ દિવસે તેમને જોઇને મને બહુ સારું લાગ્યું કે તેઓ કેટલા તલ્લીન થઇને ગાઇ રહ્યા હતા! મને એટલું જ યાદ છે કે આ રેકોર્ડિંગ મહેબૂબ સ્ટુડિયોમાં થઈ રહ્યું હતું અને ફિલ્મના ડાયરેક્ટર ઋષિકેશ મુખર્જી હતા. ફિલ્મ હતી ‘મુસાફિર’ અને ગીત હતું ‘લાગી નાહી છૂટે રામા, ચાહે જિયા જાયે’.

બ્લેક મની મામલે વકીલ બનીને કેસ લડ્યા
દિલીપકુમાર સામાન્ય રીતે ગીતોના રેકોર્ડિંગમાં નહોતા આવતા. મોટે ભાગે શૂટિંગમાં વ્યસ્ત રહેતા. પોતાના કામમાં એકદમ ખોવાઇ જતા. કદાચ ‘ગંગા જમુના’ વખતે રેકોર્ડિંગમાં આવ્યા હતા, પણ મને પૂરું યાદ નથી. તેઓ એટલા હિંમતવાળા માણસ હતા કે કોઇ વાતથી ડરતા નહોતા અને જે કામ ન જાણતા હોય એ જરૂર કરી નાખતા, એવો એક કિસ્સો બન્યો હતો. કદાચ 1963-64ની વાત હશે. એક પ્રોડ્યુસરે અમારી સામે કેસ કરી દીધો હતો. એમાં મારું, યુસુફભાઇ તથા અન્ય એક વ્યક્તિનું નામ હતું. પ્રોડ્યુસરે કેસ કરેલો કે આ લોકો અમારી પાસેથી બ્લેક મની લે છે. આ જાણીને યુસુફભાઇને બહુ ખરાબ લાગ્યું. કહેવા લાગ્યા- આ માણસ મારા માટે આવું બોલી રહ્યો છે. તેમના આસિસ્ટન્ટે કહ્યું, આપણે કોર્ટમાં જઇશું. કેસ લડીશું. ત્યારે તેઓ બોલ્યા- હા, જરૂર જઈશું. આ કેસ હું લડીશ. આસિસ્ટન્ટ બોલ્યો- કેસ તો વકીલ લડે સાહેબ, તમે ત્યાં શું કરશો? તો કહેવા લાગ્યા કે હું વકીલ બનીને જઇશ અને કેસ લડીશ.

વકીલાતનાં પુસ્તકો વાંચી કેસ લડ્યા અને જીત્યા
તેમના આસિસ્ટન્ટે કહ્યું હતું કે કોર્ટ પાસેથી 1 મહિનાનો સમય માગી લો. મેં કહ્યું કે યુસુફભાઈ, પ્રોડ્યુસરે મારી સામે પણ કેસ કર્યો છે. તેમણે મને પૂછ્યું કે તમારી સામે કેટલા રૂપિયાનો કેસ કર્યો છે? મેં કહ્યું- 600 રૂપિયાનો. એ 600 રૂપિયા પણ મેં સાઇન કરેલા, બે-ત્રણ ગીતના લીધા છે. તેમણે બધાનાં નામ પૂછ્યાં. મેં કહ્યું, આપણે 3 લોકો છીએ, તો કહેવા લાગ્યા- હું બધાનો કેસ લડીશ. તેમણે વકીલાતનાં બધાં પુસ્તકો વાંચ્યા અને સમય આવ્યો ત્યારે કોર્ટમાં જઈને ઊભા રહી ગયા. તેઓ એટલું બધું બોલ્યા કે અમે કેસ જીતી ગયા. તેમનામાં આવી હિંમત હતી. કેસ જીત્યા પછી મારા પર તેમનો ફોન આવ્યો. કહેવા લાગ્યા કે મારી બહેન, તું ખુશ રહે. આપણે જીતી ગયા છીએ. તેમને બધું સારી રીતે યાદ રહેતું હતું. તેમની ઉર્દૂ તો કમાલ હતી. તેમના ઘણા શેર મોઢે હતા. તેમના ધર્મની બધી જ ધાર્મિક બાબતો પણ તેમને કંઠસ્થ હતી. કમાલના માણસ હતા. મને બહેન કહેતા. હું તેમને રાખડી બાંધતી હતી. મારું કાયમ ધ્યાન રાખતા. પૂછતા કે કોઈ તકલીફ હોય તો મને કહેજે.

અન્ય સમાચારો પણ છે...