તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ધારાવી ઝૂંપડપટ્ટી કોરોનામુક્ત ,દર્દીઓ ઘટ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધરાવતા ધારાવી વિસ્તારમાં છેલ્લા થોડા દિવસમાં દર્દીઓની સંખ્યામાં મોટે પાયે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે ફરી એક વાર અહીં શૂન્ય કોરોના દિવસ અનુભવવા મળ્યો હતો.કોરોનાની પહેલી લહેરમાં હોટસ્પોટ નીવડેલા ધારાવીમાં દર્દીઓની સંખ્યા કાબૂમાં આવી રહી છે. સોમવારે ફરી એક વાર શૂન્ય દર્દીની નોંધ થઈ છે. આ સાથે ઉપચાર હેઠળના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

ગયા વર્ષે કોરોનાની પ્રથમ લહેરમાં ધારાવીમાં મોટે પાયે દર્દીઓ મળી આવ્યા હતા. દરરોજ 400થી વધુ દર્દીઓની નોંધ થતી હતી. અત્યંત ગીચ આ વસતિમાં જો કોરોના ફેલાય તો મુંબઈમાં કોરોના વિસ્ફોટ થવાનો ભય હતો. આથી મહાપાલિકા દ્વારા મિશન ઝીરો, મારું કુટુંબ મારી જવાબદારી સહિત વિવિધ ઉપાયયોજનાઓનો અમલ કર્યો હતો. આનેકારણે જાન્યુઆરી સુધી ધારાવી કોરોનામુક્ત થઈ ગયું હતું.જોકે કોરોનાની બીજી લહેરથી ધારાવીમાં ફરીથી સંક્રમણ વધવા લાગ્યું હતું. જોકે અગાઉના અનુભવને આધારે મહાપાલિકાએ ઉપાયયોજનાઓ વધુ મજબૂત બનાવતાં સંક્રમણ નિયંત્રણમાં આવ્યું છે, જે આખા મુંબઈ માટે રાહતની વાત છે.

છેલ્લા એક મહિનાથી ધારાવીમાં 1થી 20 સુધી નવા દર્દી મળી આવી રહ્યા છે. જોકે છેલ્લા થોડા દિવસથી એકાદબે નવા દર્દી મળી રહ્યા છે. સોમવારે કોઈ દર્દી નોંધાયો નહોતો. હાલમાં ધારાવીમાં 6861 દર્દી કોરોનાગ્રસ્ત છે. નોંધનીય છે કે ધારાવી મોડેલની દેશભરમાં નોંધ લેવામાં આવી હતી.

ધારાવી સાથે દાદર અને માહિમમાં પણ કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાંઆવી રહ્યું છે. દાદરમાં હમણાં સુધી 9557 દર્દીઓની નોંધ થઈ છે. સોમવારે ફક્ત 3 દર્દી મળી આવ્યા હતા, જ્યારે માહિમમાં દિવસભરમાં છ દર્દીની નોંધ થઈ હતી.

મુંબઈમાં પણ અંકુશ
દરમિયાન મુંબઈમાં કોરોના સંક્રમણની બીજી લહેર મોટે પાયે અંકુશમાં આવી છે. રોજ લગભગ 700 આસપાસ નવા દર્દી નોંધાઈ રહ્યા છે. દર્દીની વૃદ્ધિનું પ્રમાણ 0.10 ટકા સુધી નીચે આવ્યું છે, જ્યારે દર્દીનો ડબલિંગ રેટ 653 દિવસ પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...