તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કાંદિવલી ખાતેની સોસાયટીમાં બોગસ રસી મુદ્દે બેની અટકાયત

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોસાયટીને રસીકરણ શિબિર યોજવાની પરવાનગી ન હોવાની પોલીસને શંકા

કાંદિવલીની હાઉસિંગ સોસાયટીએ તેના મેમ્બરો માટે કોવિડ-19 રસીકરણ શિબિરનું આયોજન કરનારા અમુક લોકોએ ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિ હોવાનો દાવો કરીને છેતરપિંડી કરી હોવાની અને તેમણે આપેલી રસી નકલી હોવાની નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે બે જણને અટકાયતમાં લીધા છે. આ બે જણની પૂછપરછ ચાલી રહી છે.પોલીસને શંકા છે કે સોસાયટી પાસે રસીકરણ શિબિર યોજવાની પરવાનગી નહોતી.

આથી અલગ અલગ હોસ્પિટલનાં સર્ટિફિકેટ મેમ્બરોને મળ્યા હતા. પ્રોટોકોલ ચાતરીને રસી આપવામાં આવી હોવાની શંકા છે, જેની પ્રાથમિક તપાસ ચાલી રહી છે, જે પૂરી થયા પછી જ વિગતો આપી શકીશું, એમ પોલીસે જણાવ્યું હતું.કાંદિવલીના હિરાનંદાની હેરિટેજ રેસિડેન્ટ્સ વેલફેર એસોસિયેશને તેમના મેમ્બરો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની મંગળવારે પોલીસને લેખિત ફરિયાદ નોંધાવી હતી. અમે આ કેસમાં હજુ એફઆઈઆર દાખલ કરી નથી અને કોઈની ધરપકડ કરી નથી. જોકે અમે તપાસ કરી રહ્યા છીએ, એમ ઝોન-11ના ડીસીપી વિશાલ ઠાકુરે જણાવ્યું હતું.

દરમિયાન મહાપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ બુધવારે આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. આ તપાસનો અહેવાલ 48 કલાકમાં સુપરત કરવા તેમણે જણાવ્યું છે. નોંધનીય છે કે 30 મેના રોજ કાંદિવલીની કથિત સોસાયટીમાં રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે રસી લીધા પછી કો-વિન પોર્ટલ પર રહેવાસીઓની કોઈ નોંધ નહોતી અને તેમને અલગ અલગ હોસ્પિટલોને નામે રસી લીધી હોવાનાં સર્ટિફિકેટ પ્રાપ્ત થયાં હતાં.

સોસાયટીએ રાજેશ પાંડે નામે વ્યક્તિ થકી શિબિરનું આયોજન કર્યું હતું. પાંડેએ અંધેરીની કોકિલાબેન હોસ્પિટલનો સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ હોવાનો દાવો કર્યો હતો. શિબિરમાં રસી માટે વ્યક્તિદીઠ રૂ. 1260 લેવાયા હતા. કુલ 390 મેમ્બરોએ રસી લીધી હતી. ત્રણ નિવાસી ટાવર ધરાવતી સોસાયટીમાં કુલ 435 ફ્લેટ છે. રસી લીધા પછી મેમ્બરોને નાનાવટી હોસ્પિટલ, લાઈફલાઈન હોસ્પિટલ અને નેસ્કો કોવિડ કેમ્પને નામે સર્ટિફિકેટ પ્રાપ્ત થયાં હતાં. ફરિયાદ અનુસાર સંજય ગુપ્તા નામે વ્યક્તિ શિબિર માટે સમન્વયક હતો.

અન્ય સમાચારો પણ છે...