તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:100 કરોડ વસૂલી મામલે દેશમુખના PS અને PAની ધરપકડ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સચીન વાઝે પાસેથી વસૂલી બાદ દેશમુખ સુધી પૈસા કઈ રીતે પહોંચતાં? ઈડીના ગંભીર ખુલાસા, કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીમાં પણ નાણાં લીધાં હોવાનો આરોપ

મહારાષ્ટ્ર પોલીસ દળ, આઈપીએસ લોબી અને રાજકારણમાં ધરતીકંપ સર્જનાર બાર, પબ અને ઓર્કેસ્ટ્રાવાળા પાસેથી માસિક રૂ. 100 કરોડની વસૂલીના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના પર્સનલ સેક્રેટરી સંજીવ પાલાંડે અને પર્સનલ આસિસ્ટન્ટ કુંદન શિંદેની ધરપકડ કરી હતી.

આ પછી બંનેને શનિવારે ઈડીની વિશેષ કોર્ટમાં હાજર કરાયા ત્યારે બરતરફ એપીઆઈ સચિન વાઝે પાસેથી વસૂલ કરેલાં નાણાં દેશમુખ સુધી કઈ રીતે પહોંચતા હતા તેની વિગતો ઈડીના વકીલોએ આપી હતી.

પાલાંડે અને શિંદેને શનિવારે ઈડીની વિશેષ કોર્ટમાં રિમાંડ મેળવવા માટે હાજર કરવામાં આવ્યા હતા. તે સમયે ઈડીના વકીલોએ પહેલી જ વાર મોટા દાવા કરવામાં આવ્યા હતા. વાઝેએ મુંબઈમાં અનધિકૃત રીતે ચાલતા અથવા મોડી રાત સુધી ચાલતા બાર, પબ અને ઓર્કેસ્ટ્રામાંથી કરોડો રૂપિયા વસૂલ કરીને દેશમુખને આપ્યા હતા એવો દાવો ઈડીના વકીલ સુનિલ ગોન્સાલ્વીસે કર્યો હતો.

ઉપરાંત પોલીસની બદલીઓમાંથી નાણાં વસૂલ કર્યા હોવાનો દાવો પણ કોર્ટમાં કરવામાં આવ્યો હતો. શનિવારે કલાકો સુધી બંને પક્ષે દલીલો થઈ હતી. આ સમયે ઈડીના વકીલે ગેરવ્યવહાર કઈ રીતે થતો હતો, કોને પૈસા આપવામાં આવ્યા તેની વિગતવાર માહિતી પહેલી જ વાર કોર્ટ સામે રજૂ કરી હતી.

વસૂલી આ રીતે કરવામાં આવતી હતી
વસૂલીના કામનું શિસ્તબદ્ધ વિભાજન કઈ રીતે કરવામાં આવ્યું હતું તેની માહિતી પણ ઈડી વતી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસ દળના જેટલા ઝોન કે વિબાગ છે તે મુજબ એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ વ્યવસ્થા મારફત નાણાં ભેગાં કરવામાં આવતાં હતાં. આ બધાં નાણાં વાઝે પાસે આવતા હતા. વાઝે શિંદેને પહોંચાડતો હતો. પાલાંડે આ વ્યવહારો બાબત ચર્ચા કરતો હતો, એમ ઈડીએ જણાવ્યું હતું. હજુ આમાં વધુ માહિતી કઢાવવાની બાકી છે, પુરાવા ભેગા કરવાના બાકી છે. આથી પાલાંડે અને શિંદેને વધુમાં વધુ રિમાંડ મળે એવી માગણી ઈડી વતી કરવામાં આવી હતી.

ઈડીના પાંચ મોટા દાવા
પબ, હોટેલ, ઓર્કેસ્ટ્રા માલિકો દ્વારા ડિસેમ્બરમાં વાઝેને રૂ. 40 લાખ ગૂડલક મની આપવામાં આવ્યા હતા. ઝોન 1થી ઝોન 7માંથી વાઝેને રૂ. 1.64 કરોડ અપાયા હતા. ઝોન 8થી12 પાસેથી રૂ. 2.63 કરોડ અપાયા હતા. આ બધાં નાણાં વાઝેને આપવામાં આવ્યાં હતાં. વાઝેએ તે દેશમુખના પીએ અને પીએસ થકી દેશમુખ સુધી પહોંચાડ્યા હોવાનો ઈડીનો દાવો છે. ઉપરાંત કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીમાં પણ નાણાં લીધાં હોવાનો આરોપ છે. દરમિયાન બંનેના વકીલોએ બધા આરોપ નકારી કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...