તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપસ:રૂ 100 કરોડની વસૂલી પ્રકરણે દેશમુખની સાડાનવ કલાક પૂછપરછ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ, તેમના બે પીએનાં ઠેકાણાંઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વ્યાપક દરોડા, રૂ. 100 કરોડની વસૂલી પ્રકરણે રૂ. 4 કરોડનું પગેરું મળ્યું

રૂ. 100 કરોડની વસૂલી પ્રકરણે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખનાં નાગપુર અને મુંબઇ સહિતનાં પાંચ ઠેકાણાં તેમ જ તેમના બે પીએનાં ઠેકાણાંઓ પર પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સાગમટે દરોડા પાડ્યા હતા. દેશમુખની નાગપુરના નિવાસસ્થાને સાડાનવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મુંબઈથી ઈડીની ટીમ ગુરુવારે રાત્રે જ નાગપુરમાં પહોંચી હતી અને 7.45 વાગ્યે દેશમુખના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા.આ ટીમ સાથે સીઆરપીએફનો કાફલો પણ હતો.

તેમાં સશસ્ત્ર મહિલા કર્મચારીઓની સંખ્યા મોટી હતી. સ્થાનિક પોલીસનો પણ મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. દરોડા સમયે ઘરમાં દેશમુખ સિવાય તેમનાં પત્ની, પુત્ર સલીલ અને પુત્રવધૂ તથા પૌત્રો, ઘરના કર્મચારી અને ઓપરેટર સહિત 10 જણ હતા. તેમને એકત્રિત બેસાડીને ઈડીના અધિકારીઓએ પૂછપરછ કરી હતી.આ સાથે દસ્તાવેજો, કોમ્પ્યુટર, મોબાઈલ, અને લેપટોપ પણ તપાસવામાં આવ્યા હતા. સાંજે 5.30 વાગ્યે એક મહિલા અધિકારી સહિત પાંચ જણની ઈડીની ટીમ દેશમુખના ઘરમાંથી બહાર નીકળી હતી.

તેમણે અનેક દસ્તાવેજો કબજે કર્યા છે. દેશમુખ પર ઈડીએ બીજી વાર દરોડા પાડ્યા હતા.ઈડીની છ ટીમોએ દેશમુખના નાગપુર સ્થિત નિવાસસ્થાન ઉપરાંત મુંબઇમાં બે સ્થાન સહિત પાંચ સ્થળે દરોડા પાડ્યા હતા. દેશમુખના પર્સનલ સેક્રેટરી સંજીવ પાલાંડે અને પર્સનલ આસિસ્ટન્ટ કુંદન શિંદેના ઠેકાણાં પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ પછી તેમને મુંબઈની ઈડી ઓફિસમાં લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હતી, જે મોડી રાત સુધી ચાલતી હતી. નોંધનીય છે કે પરમવીર અને વાઝેએ રૂ. 100 કરોડની વસૂલીના આરોપ કર્યા છે તેમાં પાલાંડે અને શિંદેનાં નામ પણ આવ્યાં છે.

ઈડીના અધિકારીઓને રૂ. 4 કરોડનું પગેરું મળ્યું છે, જે આશરે એક ડઝન જેટલા બાર માલિકો પાસેથી વસૂલવામાં આવી હતી અને થોડા મહિના પહેલા બરતરફ કરવામાં આવેલા એપીઆઈ વાઝેએ આ રકમ ભેગી કરી હતી. આ નાણાં મહારાષ્ટ્રની બહાર આવેલી કેટલીક કાગળ પર બતાવવામાં આવેલી કંપનીઓ દ્વારા દેશમુખ સુધી પહોંચ્યા હતા.

આ કંપની દેશમુખના નજીકના સંબંધીની હતી. અનિલ દેશમુખની ધરપકડ કરવા માટે આ પુરાવા પૂરતા છે, પરંતુ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રીની ધરપકડ કરવા પહેલાં ઇડીના અધિકારીઓ તમામ કાનૂની કાર્યવાહી પૂર્ણ કરવા માગે છે, જેથી આ કેસમાં કશું કાચું નહીં કપાય, એમ સૂત્રોએ જણાવ્યું હતું.અનિલ દેશમુખ પર મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહ દ્વારા કરવામાં આવેલા 100 કરોડની વસૂલીના આરોપ બાદ બીજી વાર દેશમુખના ઘરે દરોડા પાડ્યા છે. આ પહેલા ઇડીએ 25 મેના રોજ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. ઇડી પહેલાં સીબીઆઈએ તેમની 12 જગ્યા પર પણ દરોડા પાડ્યા હતા.

શું છે મામલો?
પરમવીર સિંહે લગભગ અઢી મહિના પહેલાં રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં આક્ષેપ કર્યો હતો કે, અનિલ દેશમુખે દર મહિને 100 કરોડની વસૂલીનું લક્ષ્યાંક સચિન વાઝે અને સમાજસેવા શાખાના એપીઆઈ સંજય પાટીલને આપ્યું હતું. જોકે અનિલ દેશમુખે આ આરોપોને નકારી કાઢ્યા હતા. આ મામલો હાઈ કોર્ટ સુધી પહોંચતાં તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી દેશમુખે હોદ્દા પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

ક્યાં દરોડા પાડ્યા ?
દેશમુખના સરકારી નિવાસ જ્ઞાનેશ્વરી બંગલો, વરલી સ્થિત સુખદા ટાવરમાં ઘર, કુંદન શિંદેના ઘર, સંજીવ પાલાંડેના ઘર, દેશમુખના પીએસ હાઉસમાં ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...