કાર્યવાહી:મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા દેશમુખની કલાકો સુધી પૂછપરછ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હું તપાસમાં સહયોગ આપતો નથી એવો ખોટો પ્રચાર કરવામાં અાવ્યોઃ અનીલ દેશમુખ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં આખરે સોમવારે જાતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) કાર્યાલયમાં સોમવારે બપોરે 11.50 વાગ્યે હાજર થયા હતા. તે પછી મોડી રાત સુધી દેશમુખની પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીના જોઈંટ ડિરેક્ટર સત્યવ્રત કુમાર પણ મોડી રાત્રે મુંબઈ આવી પહોંચ્યા હતા. દેશમુખને ઈડીએ અગાઉ કમસેકમ ચાર સમન્સ મોકલ્યા હતા. તેમના ઘર અને અન્ય ઠેકાણાંઓ પર અનેક વાર દરોડા પાડ્યા હતા. દેશમુખે સમન્સ રદબાતલ કરવા માટે મુંબઈ હાઈ કોર્ટમાં ધા પણ નાખી હતી. જોકે તે નકારી કાઢવામાં આવી હતી.

આખરે સોમવારે દેશમુખ ઈડી સમક્ષ હાજર થયા હતા. આ પૂર્વે તેમણે એક વિડિયો મેસેજ વાઈરલ કર્યો હતો. તેમાં તેમણે જણાવ્યું કે મને ઈડીના સમન્સ મળ્યા છે. હું તપાસમાં સહયોગ આપતો નથી એવી ખોટી માહિતી ફેલાવવામાં આવી છે. દરેક સમન્સ પછી મેં ઈડીને માહિતી આપી કે મારી અરજી કોર્ટો સામે છે અને તેમાં ચુકાદો આવ્યા પછી હું જાતે ઈડી સમક્ષ હાજર થઈશ. મારા કર્મચારીઓ અને મારા પરિવારે હંમેશાં તલાશી દરમિયાન ઈડીને સહયોગ આપ્યો છે. મેં સીબીઆઈ સમક્ષ મારું નિવેદન પણ નોંધાવ્યું છે. આજે હું ઈડી સમક્ષ હાજર થઈ રહ્યો છું, એમ તેમણે સંદેશમાં જણાવ્યું હતું.

29મી ઓક્ટોબરે હાઈ કોર્ટે દેશમુખની ઈડીના સમન્સ રદબાતલ કરવાની અરજી ફગાવી દીધી હતી અને તેમને ઈડી સમક્ષ હાજર થવા નિર્દેશ આપ્યા હતા. દેશમુખને ઈડીમાં હાજરી આપવા સમયે તેમના વકીલને લઈ જવાની પણ છૂટ આપી હતી. જોકે વકીલ દેશમુખથી દષ્ટિગોચર અંતરે રહેશે, પરંતુ પૂછપરછ સંભળાય નહીં તેટલા દૂર રહેશે, એવું કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. ઈડીએ દાવો કર્યો છે કે દેશમુખ ગૃહમંત્રી હતા ત્યારે ડિસેમ્બર 2020 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે બરતરફ એપીઆઈ સચિન વાઝે થકી વિવિધ ઓર્કેસ્ટ્રા બાર માલિકો પાસેથી આશરે રૂ. 4.7 કરોડની અનધિકૃત રીતે લાંચ પ્રાપ્ત કરી હતી.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે દેશમુખ પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા. તે પછી દેશમુખ વિરુદ્ધ એક મહિલા વકીલે કોર્ટમાં અરજી કરી હતી, જેને આધારે કોર્ટે સીબીઆઈને દેશની તપાસ કરવા માટે કહ્યું હતું. તેમાં મની લોન્ડરિંગની માહિતી બહાર આવતાં ઈડી પણ તપાસમાં જોડાઈ છે. સીબીઆઈએ હાઈ કોર્ટના 5 એપ્રિલના આદેશ અન્વયે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી અને 21 એપ્રિલે એફઆઈઆર દાખલ કરી હતી. દેશમુખે તમામ આરોપ નકારી કાઢ્યા છે. ઈડીએ દેશમુખના બે સહાયકોની આ કેસમાં ધરપકડ કરી છે.

સીબીઆઈ દ્વારા એકની ધરપકડ
દરમિયાન સીબીઆઈ દ્વારા રૂ. 100 કરોડની વસૂલીના પ્રકરણમાં થાણેના રહેવાસી સંતોષ જગતાપની ધરપકડ કરી છે. તે અધિકારીઓની બદલીઓમાં વચેટિયો હોવાનું કહેવાય છે. સીબીઆઈ દ્વારા આ કેસમાં આ પહેલી ધરપકડ છે.

અન્ય સમાચારો પણ છે...