નિવેદન:દેશમુખના દરેક દિવસ અને કલાકની કિંમત જરૂર વસૂલ કરાશે: શરદ પવાર

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રમાં ભાજપને ક્યારેય સત્તા પર આવવા નહીં દઈએ

રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે કેન્દ્રીય તપાસ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી રહેલી કાર્યવાહીઓને ધ્યાનમાં રાખીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઇડી, સીબીઆઇની તાજેતરની કાર્યવાહી પર પવારે કહ્યું રાષ્ટ્રવાદી હોય, કોંગ્રેસ હોય કે શિવસેના, અમારા સહયોગીને અલગ અલગ સરકારી એજન્સીઓ થકી હેરાન કરવામાં આવી રહ્યા છે.

પવારે જેલમાં બંધ અનિલ દેશમુખનું સમર્થન કરતાં કહ્યું કે, તમે ગમે તેટલા દરોડા પાડો, ગમે તેટલી ધરપકડ કરો, અમે મહારાષ્ટ્રમાં તમને (ભાજપ)ને ક્યારેય આવવા નહીં દઈએ. તમારે સો ટકા હારનો સામનો કરવો પડશે. તમે અનિલ દેશમુખને જેલમાં ધકેલી દીધો, તેના દરેક દિવસ અને દરેક કલાકની કિંમત આજે નહિતર કાલે ચોક્કસપણે વસૂલ કરવામાં આવશે.પવારે વધુમાં કહ્યું, દેશમાં બદલાનું રાજકારણ થઈ રહ્યું છે, સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. સત્તાનો ઉપયોગ આદરપૂર્વક કરવો જોઈએ, પરંતુ આ લોકોના પગ જમીન પર નથી અને સત્તા માથા પર ચઢીને બોલી રહી છે. જે કાંઈ થઈ રહ્યું છે આ તેનું પરિણામ છે.ભૂતપૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ લીધા વિના તેમણે કહ્યું કે સત્તા ગુમાવવાથી કેટલાક લોકો અસ્વસ્થ છે. રોજેરોજ કેન્દ્રને લિસ્ટ મોકલે છે અને માગણી કરે છે કે તેમની તપાસ કરો.

શરદ પવારે કહ્યું, એકનાથ ખડસે ભાજપમાં હતા. તેઓ રાષ્ટ્રવાદીમાં જોડાયા, તેમની પત્નીને ઇડી દ્વારા બોલાવવામાં આવી, આ પછી કેસ નોંધાયા. આ લોકો શિવસેનાના સંજય રાઉત વિરુદ્ધ કઈ કરી શકતા નથી તો રાઉતની પત્નીને બોલાવી, તેમનું નિવેદન લીધું અને તેમને હેરાન કર્યા. અજિત પવાર સામે કાંઈ નહીં કરી શક્યા, રાજ્ય સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થયા. મહારાષ્ટ્ર લઘુમતી સમાજના મંત્રી હસન મુશરીફને ત્યાં પણ દરોડા પાડ્યા, પણ કંઈ મળ્યું નહીં. આવા અનેક ઉદાહરણો છે. મારે તમને કહેવું જોઈએ કે તેઓ (ભાજપ) મહારાષ્ટ્ર સરકાર તેમના હાથમાંથી છૂટી જાય તે સહન કરી શકતા નથી.

સત્તાનો દુરુપયોગ ધંધો બન્યો
પવારે વધુમાં કહ્યું કે, “અનિલ દેશમુખના કેસને જ જુઓ. જે અધિકારીએ આક્ષેપો કર્યા હતા તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. ક્યાં ગુમ છે, કયા દેશમાં છે, ખબર નથી. સમન્સ છે પણ હાજર નથી. અનિલ દેશમુખ આજે જેલમાં છે. તેનું મુખ્ય કારણ કેન્દ્ર દ્વારા સત્તાનો દુરુપયોગ છે, કેટલાક લોકોએ તેને ધંધો બનાવી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...